નિર્ભયા કેસ: ગુનેગાર વિનયનો ‘માનસિક બીમાર’ હોવાનો પેંતરો

નિર્ભયા કેસ: ગુનેગાર વિનયનો ‘માનસિક બીમાર’ હોવાનો પેંતરો
રાષ્ટ્રપતિએ રદ્દ કરેલી દયા અરજી ઉપર પણ સવાલ ઉઠાવ્યો : વિનયના વકીલે કહ્યું, વિનયના જીવવાના અધિકારનું ઉલ્લંઘન
નવી દિલ્હી, તા. 13 : નિર્ભયાના ગુનેગારો સતત ફાંસીને ઢીલમાં મૂકવાના ષડયંત્રો રચી રહ્યાં છે અને કાયદાની આંટીઘૂંટીનો ફાયદો ઊઠાવી રહ્યા છે. હવે આરોપી વિનય શર્માએ નવેસરથી ષડયંત્ર રચ્યું છે. વિનયે રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી રદ્દ કરવા ઉપર સવાલ ઉઠાવવાની સાથે પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ કરીને પોતાને ફાંસીથી માફી આપવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ તરફધી દયા અરજી રદ્દ કરવા વિરુદ્ધ વિનયે કરેલી અરજી ઉપરનો ચુકાદો આવતીકાલે શુક્રવારે આપશે.
આરોપી વિનયના વકીલ એ.પી. સિંહે કહ્યું હતું કે, વિનયની માનસિક સ્થિતિ સારી નથી. માનસિક ત્રાસને કારણે વિનય મેન્ટલ ટ્રોમાંથી પસાર થઈ રહ્યો છે. તેથી વિનયને ફાંસી ન આપી શકાય. એ.પી. સિંહે કહ્યું હતું કે વિનયને જેલ પ્રશાસન દ્વારા ઘણી વખત માનસિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે અને તેને દવાઓ આપવામાં આવી છે. વિનયનાં જીવનના અધિકારના અનુચ્છેદ 21નું આ ઉલ્લંઘન છે. રાષ્ટ્રપતિ દ્વારા વિનયની દયા અરજીને રદ્દ કરવા ઉપર સવાલ કરતા એ.પી. સિંહે કહ્યું હતું કે, તેઓ આ અન્યાયને રોકવા માગે છે. સત્તાવાર ફાઈલ ઉપર ગૃહમંત્રી અને લેફટનન્ટ ગવર્નરના હસ્તાક્ષર નથી, આથી પોતે ફાઇલનું નિરીક્ષણ કરવા માગે છે. જ્યારે સોલિસિટર તુષાર મહેતાએ ખંડપીઠને બધા દસ્તાવેજ આપ્યા હતા અને કહ્યું હતું કે, દસ્તાવેજો ઉપર બંનેના હસ્તાક્ષર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer