સરદારને કેબિનેટમાં નહોતા લેવા માગતા નેહરુ ?

સરદારને કેબિનેટમાં નહોતા લેવા માગતા નેહરુ ?
મેનન પરના પુસ્તકના આધારે જયશંકરના ટ્વિટથી વિવાદ : કોંગ્રેસે દાવા ફગાવતાં પત્રો જાહેર કર્યા : ગુહાએ પણ ઝુકાવ્યું
નવી દિલ્હી, તા. 13 : 1947માં જવાહરલાલ નેહરુ પોતાની કેબિનેટમાં સરદાર વલ્લભભાઈ પટેલને બાકાત રાખવા માગતા હતા ? પટેલ સાથે નિકટતાથી કામ કરનારા વરિષ્ઠ સનદી અધિકારી વી. પી. મેનનના જીવન અને કારકિર્દી પર આધારિત નારાયણી બાસુ દ્વારા લિખિત પુસ્તક એબ્સોર્બિંગ બાયોગ્રાફીમાં આવો દાવો કરાયો છે અને તેના આધારે વિદેશમંત્રી એસ. જયશંકરે પણ સિલસિલાબંધ ટ્વિટ કરતાં સોશિયલ મીડિયામાં જયશંકર અને જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહા તેમજ કોંગ્રેસ વચ્ચે ભારે ભીડંત સર્જાઈ હતી.
ગઈરાત્રે મેનન પરનાં પુસ્તકના વિમોચન પ્રસંગે જયશંકરે જણાવ્યું હતું કે, રાજનીતિનો ઈતિહાસ લખવા માટે પ્રામાણિક બનવું પડે. મેનનના શબ્દોને ટ્વિટ કરીને તેમણે લખ્યું હતું કે, જ્યારે સરદારનું નિધન થયું ત્યારે તેમની સ્મૃતિઓનો નાશ કરવા માટે મોટું અભિયાન શરૂ થયું હતું. મને આ ખબર હતી. કારણ કે, મેં આ બધું જોયું હતું અને એ સમયે હું પીડિત હોવાનો અનુભવ કરતો હતો. જયશંકરે ત્યારબાદ વધુ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ મામલે વધુ નિશ્ચિતપણે ચર્ચા કરવાની જરૂર છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે અનેક ટ્વિટ કરીને મેનન પરના પુસ્તકના દાવાને ખોટા બતાવ્યા હતા. રમેશે 14મી ઓગસ્ટ 1947નો એક પત્ર પોસ્ટ કરીને લખ્યું હતું કે, કેબિનેટમાં નેહરુ બાદ પટેલ બીજા નંબરે હતા. નેહરુ દ્વારા  પટેલને કેબિનેટમાં સામેલ નહીં કરવાની ખોટી ખબરો વચ્ચે હું પુરાવારૂપે અનેક પત્ર અને દસ્તાવેજો રજૂ કરું છું. ગુહાએ લખ્યું હતું કે, આ એક કપોળકલ્પના છે. પ્રોફેસર શ્રીનાથ રાઘવને પોતાના લેખમાં આ દાવાઓને ખોટા ઠરાવ્યા છે. આ સંદર્ભમાં અસત્યનો પ્રચાર કરવાનું કામ વિદેશમંત્રીનું નથી.
 
‘ભગતસિંહને બચાવવા ગાંધીજીએ પૂરતા પ્રયાસ નહોતા કર્યા ’
સરકારના પ્રમુખ આર્થિક સલાહકાર સંજીવ સન્યાલનો આક્ષેપ
અમદાવાદ તા. 13: શહીદ ભગતસિંહ અને અન્ય ક્રાંતિકારીઓને બચાવવા ગાંધીજીએ પર્યાપ્ત પ્રયાસ કર્યા ન હતા એવો આક્ષેપ સરકારના પ્રમુખ આર્થિક સલાહકાર સંજીવ સન્યાલે કર્યો હતે. ભારતીય સ્વાતંત્રયના આ વૈકલ્પિક ઈતિહાસને દબાવી દેવા ક્રાંતિકારીઓની કથનીને ઈરાદાપૂર્વક ઉથલાવી દેવાઈ હતી એમ સન્યાલે જણાવ્યુ હતું.
ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘ક્રાંતિકારીઓ: ભારતના ઈતિહાસનું પુન:કથન’ વિષયે  પ્રવચન આપતા તેમણે વધુમાં જણાવ્યુ હતું કે સ્વાતંત્રય પછી ભારતના શાસનતંત્ર અને અંગ્રેજો બેઉ માટે આ કથની પ્રતિકુળ હતી. ક્રાંતિકારીઓની આ કથની અભ્યાસક્રમમાં મુકાવી જોઈએ એમ તેમણે ભારપૂર્વક કહ્યંy હતું. ગાંધીજી ભગતસિંહને કે અન્ય ક્રાંતિકારીને બચાવવામાં સફળ થયા હોત કે કેમ તે કહેવું મુશ્કેલ છે કારણ કે તે અંગેના તથ્યો મોજુદ નથી એમ તેમણે કહ્યુ હતુ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer