લીંબડીની સબ જેલમાંથી ચાર કેદી ફરાર

લીંબડીની સબ જેલમાંથી ચાર કેદી ફરાર

બેરેક નં.2નું તાળુ તોડી, દીવાલ કૂદીને ચારેય નાસી ગયા:  પોલીસની નાકાબંધી: મામલતદારની ફરિયાદ કોઇએ કાને ન ધરી
 
લીંબડી, તા. 13: લીંબડીની સબ જેલમાંથી કાચા કામના ચાર કેદી નાસી ગયા હતાં. જેલની બેરેકનું તાળુ અને દીવાલ પરની ગ્રીલ તોડીને નાસી ગયેલા ચારેય કેદીને ઝડપી લેવા નાકાબંધી કરાવવામાં આવી હતી.
લીંબડીની સબ જેલમાંથી નાસી ગયેલા કેદીમાં મુળી, ચોટીલા, થાન, સાયલા, રાજકોટ અને સુરેન્દ્રનગરના  હત્યા, લૂંટ અને ખંડણીના ગુનામાં પકડાયેલા મુળીના રામપરડા ગામના વિજય અનકભાઇ કરપડા, પત્નીના આપઘાતના ગુનામાં પકડાયેલા અંજારના ભીમાસર ગામના રમેશ ઉર્ફે જગદીશ રમજુભાઇ કારૂ, સાયલાની આંગડિયા પેઢીની લૂંટના ગુનામાં પકડાયેલા  કચ્છના માંડવીના બિદડા ગામના મયુરસિંહ ઉર્ફે સાગર હરીસિંહ જાડેજા, થાનગઢના હત્યાના આરોપીને પોલીસને ચકમો આપીને નાસી જવામાં પકડાયેલા મૂળ મધ્યપ્રદેશના વતની હાલ રાજકોટના રેલનગરમાં રહેતાં દિનેશ ઉર્ફે દેવ રામજન્મ શુકલાનો સમાવેશ થયા છે.
લીંબડી સબ જેલની બેરેક નં.2નું તાળુ તોડી અને જેલની ઉંચી દીવાલની ગ્રીલ તોડીને કાચા કામના ચાર કેદી વિજય કરપડા, રમશે ઉર્ફે જગદીશ કારૂ, મયુરસિંહ ઉર્ફે સાગર જાડેજા અને દિનેશ ઉર્ફે દેવ શુકલા નાસી ગયાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, ડીવાયએસપી બસીયા, એસઓજીની ટીમ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમ બનાવીને નાસી ગયેલા કેદીઓને ઝડપી લેવા માટે નાકાબંધી કરાવવામાં આવી હતી. આ શખસો કઇ તરફ ભાગ્યા તેની વિગતો મેળવવા માટે સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. આ બનાવ અંગે જેલર પરબતભાઇ હિંગોળભાઇ ગોયલની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો.
મામલતદાર મહાવીરસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે સબ જેલની સુરક્ષા જળવાઇ રહે તે માટે તેણે અવારનવાર પોલીસ વિભાગ અને કલેકટરને લેખીત રજૂઆત કરી હતી. પરંતુ તેની રજૂઆત અંગે કોઇ પગલાં ભરવામાં આવ્યા ન હતાં. તેના કારણે આજે ચાર કેદી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
જેલર પરબતભાઇ ગોયલના જણાવ્યા પ્રમાણે તેની નોકરી સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીની હોય છે. મારી નોકરી પુરી થયા બાદ જેલના પ્રશાસનની જવાબદારી પોલીસ સ્ટેશનના ચાર જેલ ગાર્ડને સોંપવામાં આવે છે. તેની બેદરકારીના કારણે આ ઘટના બની છે.
ડીવાયએસપી ડી.વી.બસીયાના જણાવ્યા પ્રમાણે નાસી ગયેલા કેદીઓને ઝડપી લેવા માટે તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી છે. મુખ્ય બજારના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરીને અલગ અલગ ટીમ બનાવીને તેને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે. 
ચાર કેદી નાસી ગયા બાદ જેલમાં સીસીટીવી કેમેરા ન હોવાનું બહાર આવ્યું છે. જેલમાં શા માટે કેમેરા લગાડવામાં આવ્યા નથી તે પણ એક તપાસનો વિષય છે. કેદીઓને નાસી જવા પાછળ જેલ ગાર્ડના પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાની શંકા વ્યકત થઇ રહી છે. તેના પરથી જેલ ગાર્ડના  પોલીસમેન પ્રવીણ છગનભાઇ, હરદીપસિંહ સુરેન્દ્રસિંહ, વિનોદ ભગવાનભાઇ અને સંજય કાનજીભાઇની  પૂછપરછ ચાલી રહી છે. જેલમાં લોખંડની ગ્રીલ અને તાળુ તોડવાના સાધનો કયાંથી અને કેવી રીતે આવ્યા? લાકડાની નીસરણી કયાંથી આવી? સફેદ રંગની સ્વીફટ કાર જેલ પાસે દેખાય હતી એ કાર કોની છે? તેના સહિતની તપાસ ચાલે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer