સૌરાષ્ટ્ર બન્યું સિમલા : અણધાર્યા માવઠાંથી વાતાવરણ પલટાયું

સૌરાષ્ટ્ર બન્યું સિમલા : અણધાર્યા માવઠાંથી વાતાવરણ પલટાયું
ધ્રાબડીયું વાતાવરણ થતાં પતંગ રસિયાઓના જીવ ઉચ્ચક

રાજકોટ, તા. 13 : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે સવારથી સૌરાષ્ટ્રમાં ધ્રાબડીયું વાતાવરણ સર્જાયું હતું અને એકાએક સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી માવઠું વરસી ગયું હતું. આ પ્રકારના વાતાવરણના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો અને સૌરાષ્ટ્ર જાણે સિમલા બની ગયું હોય, તેવો માહોલ સર્જાયો હતો. મકરસંક્રાન્તના આગલા દિવસે જ વરસાદી માહોલ સર્જાતાં પતંગ રસિયાઓના જીવ ઉચ્ચક થઈ ગયા હતા.
અમરેલી જિલ્લામાં આજે હવામાનમાં અચાનક પલટો આવતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ છવાયો હતો. આકાશમાં છવાયેલા વાદળોથી ખેડૂતો ઘેરી ચિંતામાં મુકાઈ ગયા હતા. અમરેલી પંથકમાં ઝરમર વરસાદના આગમનથી કપાસ, જીરૂ સહિતના પાકોને નુકસાન થયું હોવાની દહેશત છે. વરસાદના કારણે ખેતીના પાકો પચાસ ટકા કરતાં વધુ પ્રમાણમાં ફેઈલ ગયા બાદ ખેડૂતોમાં સારા વરસાદના કારણે શિયાળુ પાક લેવાની આશા પર પાણી ફરી વળ્યું હોય, તેવો ઘાટ સર્જાયો છે. જૂનાગઢ જિલ્લામાં આજે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માવઠાં વરસી ગયા હતા. માળિયા હાટીના પંથકમાં ત્રણ મીમી અને માણાવદર પંથકમાં બે મીમી  કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે માંગરોળમાં દસ પંદર મિનિટ જોરદાર ઝાપટું વરસી જતાં રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. જ્યારે જૂનાગઢ શહેરમાં છાંટા પડયા હતા.
માણાવદરથી મળતા અહેવાલ અનુસાર, શહેરમાં સવારે માવઠું વરસી જતાં રસ્તા ભીંજાયા હતા અને ખુલ્લામાં પડેલો કપાસ પલળી ગયો હતો. ભર શિયાળે વરસાદી માહોલ સર્જાતાં લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા અને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. મોરબીના અહેવાલ મુજબ, મોરબી અને આસપાસના પંથકમાં કમોસમી વરસાદ વરસતાં રસ્તા ભીના થયા હતા અને વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. મોરબી જિલ્લાના વાવડી, રવાપર, જેતપર, માળિયા, ખાખરેચી, હળવદ, માનગઢ, ટીકર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતાં લોકોના જીવ ઉચ્ચક થઈ ગયા હતા. ધોરાજીમાં ભરશિયાળે માવઠું વરસી જતાં લોકોએ `હીલ સ્ટેશન' જેવો અનુભવ કર્યો હતો. સાયલામાં પણ વહેલી સવારે માવઠું વરસી ગયું હતું. જામનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ક્યાંક ક્યાંક છાંટા પડયા હતા.
આજે તડકો : સાંજે પવન સારો નીકળશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે સૌરાષ્ટ્રમાં ધ્રાબડીયું છવાયું હતું અને તેના કારણે પતંગ શોખીનોમાં ચિંતા વ્યાપી છે. 14 જાન્યુઆરીએ સંક્રાન્તના દિવસે શું થશે ? તેવો સવાલ બધે ચર્ચાતો હતો. આ અંગે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાદળછાયું વાતાવરણ એક દિવસ પૂરતું જ હતું. હવે નોર્મલ વેધર થઈ જશે. સંક્રાન્તના દિવસે સવારે જોઈએ એટલો પવન નહીં હોય એટલે પતંગબાજોએ મહેનત કરવી પડશે પણ બપોરે 4 વાગ્યાથી સારો પવન નીકળશે.
 
માવઠાંથી ઘઉં, જીરૂ, ચણા અને
કેરીના પાકમાં નુક્સાનનો ભય
ક્ષ          સોમવારે સવારથી માવઠાં સાથે પવન ફૂંકાતા ચિંતા : તાપ નીકળે તેની ખેડૂતોમાં રાહ
રાજકોટ, તા.13:(ફૂલછાબ ન્યૂઝ) ભારે વરસાદ અને પછી કમોસમી વરસાદે આ વર્ષે ખેડૂતોનો કેડો મૂક્યો નથી. માવઠાં અને વરસાદે ખેતીને ભૂતકાળમાં ય ખૂબ નુક્સાન પહોંચાડયું છે. ત્યારે ફરી સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફ માવઠાં શરૂ થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. સોમવારે રાજકોટ, જૂનાગઢ, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર પંથકમાં છૂટાછવાયા માવઠાં થતાં ખેતીની જમીનો ભીની થઇ ગઇ હતી. રવી પાકોનું વિપુલ વાવેતર થયું છે ત્યારે હવે વધુ વરસાદ થાય તો જીરૂ, ઘઉં અને ચણા સહિતના પાકોમાં બગાડનો ભય છે.
રાજકોટ જિલ્લામાં સવારથી કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. સવારે આઠ વાગ્યાથી દસ મિનિટ સુધી હળવી-મધ્યમ ગતિએ વરસાદ પડયો હતો. જોકે પછી વરસાદ અટકીને વાતાવરણ અત્યંત ઠંડું થઇ ગયું હતુ. હવે વરસાદ પડે તો પાકમાં ચોક્કસ નુક્સાન થશે તેમ ખેડૂતોએ કહ્યું હતુ.
જૂનાગઢ જિલ્લામાં પણ ધાણા, જીરૂ અને ચણામાં નુક્સાન થવાની શક્યતા છે. સવારે થોડો સમય વરસાદ પડયો હતો પણ ખેડૂતોને ચિંતા વધી ગઇ છે. આંબામાં મોર ફૂટવાની શરૂઆત થઇ ગઇ છે. વરસાદ થી હવે મધિયો અને કાળી ફૂગ આવે તેવી શક્યતા છે. ચોમાસા બાદ, નવરાત્રિ, દેવદિવાળી સુધી વરસાદ પડતા ખેડૂતોને પાકમાં વારંવાર નુક્સાનીનો સામનો કરવો પડયો હતો. હવે ફરી માવઠાંનો દોર શરૂ થતા ખેડૂતો મૂંઝાયા છે. રવી પાકોમાં બગાડની શક્યતા સર્જાઇ છે.
કૃષિ નિષ્ણાત સુભાષ ચોથાણી કહે છે, ધાણા અને જીરુનો પાક ફૂલ   આવવાની અવસ્થામાં છે. વરસાદથી કાળી ફૂગ આવી જાય તેમ છે. ઉત્પાદન ઓછું અને ગુણવત્તા નબળી પડી શકે છે. ઘઉંના પાકમાં ગેરુના રોગનો ભય છે. આંબામાં મઘિયો અને કાળી ફૂગ આવી શકે છે. કેરીના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર પણ હવે માવઠાં વધે તો અસર પડશે. ચણામાં પાંદડા પરનો ખાર ધોવાઇ જશે.
દ્વારકાથી મળતા અહેવાલો પ્રમાણે શિયાળુ વાવેતર ખૂબ થયું છે. ઝાપટાંને લીધે પાકને નુક્સાન થઇ શકે તેમ છે. ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી છે. અગાઉ કપાસ અને મગફળીને નુક્સાન થયું હતુ. વાદળછાયું વાતાવરણ બે દિવસ પણ રહે તો રોગ આવશે. આ સ્થિતિમાં જીરુને પિયત ન આપવાની સલાહ આપવામાં આવી છે. જરૂર જણાય તો એઝોસ્ટો બિન અને મેનકોઝેલ 75%નો છંટકાવ કરવા કહેવાયું છે.
સરાથી મળતા અહેવાલ પ્રમાણે જીરુના પાકને ગંભીર ખતરો છે. કારણકે સવારથી પવન સાથે માવઠાંની દહેશત જન્મી છે. મૂળી પંથકના ખેડૂતોમાં ઘેરી ચિંતાના વાદળો છવાયા છે. વરસાદથી અગાઉ પણ નુક્સાની થઇ છે ત્યારે સારાં રવી પાકોનું ઉત્પાદન થવાનો આશાવાદ છે. હવે કમોસમી વરસાદ બાજી બગાડશે તો ખેડૂતો પાયમાલ થશે.
તળાજા  પંથકમાં  બપોરે દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક હળવી ધારે કમોસમી વરસાદ વરસી ગયો હતો.ખેડૂત અગ્રણીના મત પ્રમાણે આ માવઠું કેરીના બગીચા સહિત તમામ ખેત જણસને નુકશાન કરનારું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer