વિપક્ષી એકતામાં ફૂટ: કોંગ્રેસની બેઠકથી મુખ્યપક્ષો અળગા

વિપક્ષી એકતામાં ફૂટ: કોંગ્રેસની બેઠકથી મુખ્યપક્ષો અળગા
સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં 20 પક્ષો જોડાયા: બસપા, સપા, શિવસેના, આપ અને તૃણમૂલની ગેરહાજરી

નવીદિલ્હી,તા.13: નાગરિકતા સુધારા કાનૂન વિરુદ્ધ દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનોને પગલે સર્જાયેલી રાજકીય સ્થિતિ વિશે પરામર્શ કરવાં માટે આજે કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષીદળોની મોટી અને મહત્ત્વની બેઠકમાં ફરી એકવાર વિપક્ષી એકતાનું ભંગાણ વિદિત થયું હતું. આ બેઠકમાં કોંગ્રેસ સહિતનાં 20 પક્ષોનાં પ્રતિનિધિ અને નેતાઓએ હાજરી આપી હતી પણ તૃણમૂલ કોંગ્રેસ, બસપા, સપા, શિવસેના અને આમઆદમી પાર્ટી જેવા ચાર મહત્વનાં પક્ષોની ગેરહાજરીનાં કારણે વિપક્ષની એકતામાં ફાટફૂટ વર્તાઈ આવી હતી.
સોનિયા ગાંધી તરફથી આજે સંસદભવનમાં એનેક્સીમાં મળેલી આ બેઠકમાં એનસીપીનાં વડા શરદ પવાર, એલજેડીનાં વડા શરદ યાદવ, ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી અને ડી.રાજા ઉપરાંત કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી, ગુલામનબી આઝાદ અને અહેમદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ પણ બેઠકમાં હાજર હતાં. બેઠકમાં ઉપસ્થિત રહેલા અન્ય નેતાઓમાં જેએમએમનાં હેમંત સોરેન, એનસીપીનાં પ્રફુલ પટેલ, રાજદનાં મનોજ ઝા, એનસીનાં હસનૈન મસૂદી, આરએલડીનાં અજિત સિંહનો સમાવેશ થાય છે. 
આ ઉપરાંત પીડીપીનાં મોહમ્મદ ફૈયાઝ, જેડીએસનાં કુપેન્દ્ર રેડ્ડી, એચએએમનાં જીતન રામ માંઝી, રાલોસપાનાં ઉપેન્દ્ર કુશવાહા પણ બેઠકમાં સામેલ થયા હતાં.
બસપાનાં અધ્યક્ષા માયાવતીએ આજે આ બેઠકમાં સામેલ થવાનું એવું કહીને નકારી દીધું હતું કે, આ બેઠકથી તેમના પક્ષનાં કાર્યકરો હતોત્સાહિત થઈ શકે છે. રાજસ્થાનમાં ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસે બસપાનાં વિધાયકોને ખેડવવાનાં પ્રયાસ કર્યા હોવાથી કાર્યકરો નારાજ હોવાનો રોષ માયાવતીએ ટ્વિટરનાં માધ્યમથી જાહેર કર્યો હતો. જો કે તેમનો પક્ષ સીએએનો વિરોધ જરૂર કરશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. તો આમઆદમી પાર્ટી અને શિવસેનાએ આ બેઠકમાં જોડાવાનું આમંત્રણ જ ન મળ્યું હોવાનું કહીને હાજરી ટાળી હોવાનું જણાવ્યું હતું.
શિવસેનાએ મહારાષ્ટ્રમા કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણથી સરકાર રચેલી છે અને શિવસેનાનાં સાંસદ વિનાયક રાઉતે કહ્યું હતું કે, તેમને આ બેઠક માટે કોઈ નિમંત્રણ જ મળ્યું નથી. તો આવી જ રીતે આપનાં નેતા સંજય સિંહે પણ આમંત્રણ ન મળ્યું હોવાનું જણાવ્યું હતું.
 
ક્યા પક્ષો બેઠકમાં જોડાયા?
કોંગ્રેસ, સીપીએમ, સીપીઆઈ, રાજદ, એનસીપી, એઆઈયુડીએફ, આરએલડી, એચએએમ, આઈયુએમએલ, આરએલએસપી, એલજેડી, કેરળ કોંગ્રેસ, આરએસપી, જેએમએમ, પીડીપી, એનસી
 
નિમંત્રણ મોકલાયા છતાં ન જોડાયા
બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ,
 
જેમને આમંત્રિત ન કરાયા
આમઆદમી પાર્ટી, શિવસેના
 
મોદી-શાહ દેશને ગુમરાહ કરે છે : સોનિયા
નવીદિલ્હી,તા.13: નાગરિકતા સુધારા કાયદો અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી (એનઆરસી) મુદ્દે દેશમાં આક્રમક વિરોધ પ્રદર્શનો વચ્ચે આજે આ મુદ્દે વિચારણા કરવાં માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વિપક્ષીદળોની બેઠક બોલાવી હતી. જેમાં સોનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપર દેશને ગુમરાહ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર દમન અને નફરત ફેલાવ્યા છે. લોકોને સામુદાયિક આધારે વિભાજિત કરી રહી છે સરકાર.
તેમણે કહ્યું હતું કે, દેશમાં અભૂતપૂર્વ અશાંતિ છે. બંધારણને કમજોર પાડવામાં આવી રહ્યું છે અને સરકારી યંત્રણાનો દુરુપયોગ કરવામાં આવે છે. આસામમાં એનઆરસી ઉલ્ટું પડયું છે. મોદી-શાહની સરકાર હવે એનપીઆરની પ્રક્રિયામાં આગળ વધવા લાગી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આખા દેશમાં એનઆરસી લાગુ કરવા માટે જ એનપીઆર લાવવામાં આવ્યું છે. આજની આ બેઠકમાં દેશની યુનિવર્સિટીઓનાં પરિસરમાં થયેલી હિંસા, આર્થિક સ્થિત સહિતનાં અન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. સોનિયાએ કહ્યું હતું કે, મોદી સરકાર દેશમાં સુશાસન અને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. આજના ભારતનાં વાસ્તવિક મુદ્દા આર્થિક અને નબળા વિકાસનાં છે. જે સમાજનાં તમામ વર્ગને પ્રભાવિત કરે છે. આ મુદ્દે વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસે કોઈ જવાબ નથી એટલે જ ધ્રુવીકરણથી ધ્યાન હટાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ બેઠક પછી રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર જોરદાર હુમલો બોલાવતાં કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન મોદીને પડકાર આપે છે કે, પોલીસની સુરક્ષા વિના કોઈપણ યુનિવર્સિટીમાં જઈને બતાવે. દેશનાં અવાજને દબાવી નહીં શકાય. વડાપ્રધાને જવાબ આપવો જોઈએ કે આખરે છાત્રોને રોજગારી કેવી રીતે પ્રાપ્ત થશે. દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે પાટે ચડશે? હવે વડાપ્રધાનમાં છાત્રો અને યુવાનો સામે ઉભા રહેવાની હિંમત નથી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer