હવે 130 રૂપિયામાં જોવા મળશે 200 ચેનલ

હવે 130 રૂપિયામાં જોવા મળશે 200 ચેનલ
નવો ટેરિફ ઓર્ડર: ટ્રાઇના ચેરમેનની જાહેરાત
નવી દિલ્હી, તા. 13: ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ ન્યુ ટેરિફ ઓર્ડર (એનટીઓ)માં કરેલા સુધારામાં ગ્રાહકોને એકસો ચેનલ માટે ચૂકવવા પડતા રૂ. 130ની જ કિંમતે બસો ચેનલો મળતી થશે. ગ્રાહકોને રૂ. 130ની કિંમતે મળતી એકસો ચેનલોમાં પ્રસાર ભારતી દ્વારા પ્રસારિત થતી ફરજિયાત ચેનલોનો ય સમાવેશ થતો હતો. હવે રૂ. 130ની કિંમતમાં, પ્રસાર ભારતીની ચેનલોને બાદ કરીને બસો ચેનલો ગ્રાહકોને મળશે એમ ટ્રાઈના ચેરમેન આરએસ શર્માએ જણાવ્યું હતું.
ન્યુ ટેરિફ ઓર્ડરની જોગવાઈઓને અમે એ રીતે મઠારી છે કે જેમાં ગ્રાહકોને વધુ ચેનલો પૂરી પાડશું - ચેનલની અલગ અલગ કે વ્યક્તિગત કિંમતની રકમ પણ જૂથ (બુકે)માં આવતી ચેનલોની કુલ કિંમત કરતાં દોઢ ગણાથી વધુ ન હોઈ શકે. એકેય ચેનલની કિંમત બુકેની કિંમતથી વધુ ન હોઈ શકે. એક જૂથમાંની વ્યક્તિગત ચેનલોની કિંમતની કુલ રકમ, જૂથ (બૂકે)ની કિંમતથી દોઢ ગણાથી વધુ નહી ંહોય એમ જણાવી શર્માએ કહ્યું હતું કે કિંમતમાં થતી ગોબાચારી અને ગેરવાજબી રીતરસમો દૂર કરવા આ કરાયું છે.
ટ્રાઈએ બુકેનો ભાગ બનતી ચેનલોની કિંમત રૂ. 19થી ઘટાડી રૂ.12 કરી છે. હવે રૂ.12કે તેથી ઓછીની એમઆરપી ધરાવતી ચેનલોને ચેનલ બુકેનો ભાગ બનવા છૂટ અપાઈ છે.
અનેક બ્રોડકાસ્ટરોએ રૂ. 19ના ટોચમર્યાદાના રુલનો ગેરઉપયોગ કર્યો છે અને રૂ. પ, 7, 8 વ.નું ખર્ચ થતી ચેનલના ય રૂ. 19 લેતી આવી છે. અગાઉ રૂ. 19ની સીલિંગ હતી પરંતુ હવે જે ચેનલો રૂ. બારની કે તેને સમકક્ષ કિંમતની હોય તે બુકેના ભાગરૂપ રહેશે, એમ શર્માએ જણાવ્યું હતું. અગાઉ તે ગ્રાહકની દૃષ્ટિએ ઉચિત ન હતું અને ગ્રાહકની પસંદગીને ગૂંચવણભરી (િડસ્ટોર્ટ) બનાવી મૂકતી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer