JNU: ડેટા, ફૂટેજ અંગે હાઇકોર્ટે માગ્યો જવાબ

JNU: ડેટા, ફૂટેજ અંગે હાઇકોર્ટે માગ્યો જવાબ
દિલ્હી સરકાર, પોલીસ, વોટસએપ, ગૂગલ, એપલને ફૂટેજ સાચવવા કહ્યું
નવ છાત્રની પૂછતાછ  માટે પોલીસ પહોંચી
નવી દિલ્હી, તા.13 : દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસની સાથે રાજ્ય સરકાર, વોટ્સએપ, ગૂગલ અને એપલને પાંચમી જાન્યુઆરીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં થયેલી હિંસાથી સંબંધિત ડેટા અને સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા અંગે જવાબ માગ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આગળની તપાસ માટે  આ જાણકારી જરૂરી છે. દરમ્યાન હિંસા સંદર્ભે જે નવ લોકોની તસવીર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જારી કરવામાં આવી હતી તેમની પૂછતાછ માટે પોલીસની ટીમ આજે જેએનયુ પરિસર આવી હતી. જો કે ત્રણ જેટલા છાત્રો પુછપરછમાં હાજર રહ્યા નહોતા જેની તપાસ થઇ રહી છે.
દિલ્હી હાઈકોર્ટે આજે જેએનયુના ત્રણ પ્રાધ્યાપકની અરજી પર સુનાવણી હાથ ધરતાં આ જવાબ માગ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે હિંસાથી સંબંધિત જાણકારી ભવિષ્ય માટે જરૂરી છે અને તેને સુરક્ષિત રાખવી જોઈએ.
દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આ વિષયે જેએનયુ વહીવટી તંત્ર સાથે વાત કરવામાં આવી હતી અને તેમને સીસીટીવી ફૂટેજ બચાવવા અને પોલીસને સોંપી દેવા કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ બૃજેશે મામલાને સૂચિબદ્ધ કર્યો હતો. આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. દિલ્હી સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ રાહુલ મેહરાએ કોર્ટને જણાવ્યું હતું કે પોલીસને હજુ સુધી વિશ્વવિદ્યાલય તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. તેમણે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે પોલીસે વોટસએપને પણ બે ગ્રૂપનો ડેટા સાચવી રાખવા કહ્યંy છે જેમાં ‘યુનિટી અગેઈન્સ્ટ લેફ્ટ’ અને ‘ફ્રેન્ડ્સ ઓફ આરએસએસ’નો સમાવેશ થાય છે.
બીજીતરફ, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે જેએનયુ હિંસા સંદર્ભે જારી કરેલી નવ લોકોની તસવીરો બાદ તેમની પૂછતાછ માટે પોલીસ ટીમ આજે જેએનયુ પહોંચી હતી. પોલીસે સવાલોની એક સૂચિ બનાવી હતી જેના જવાબ આરોપી છાત્રો પાસેથી મેળવવામાં આવશે.
નકાબધારી યુવતિને ઓળખી કાઢતી પોલીસ
નવી દિલ્હી, તા.13: ગઈ તા.પાંચમીએ જેએનયુમાં થયેલી હિંસામાં સંડોવાયેલી મુખવટાધારી કન્યાને દિલ્હી પોલીસની એસઆઈટીએ ઓળખી કાઢી છે. ચોકડીવાળું શર્ટ પહરેલી  અને હાથમાં લાઠી સાથેની આ કન્યા વીડિયોમાં જોવા મળે છે. જેએનયુની પેરીઆર હોસ્ટેલમાં હિંસા આચરનાર ટોળાનો તે ભાગ હતી.િદલ્હી યુનિ.ની દૌલતરામ કોલેજની આ વિદ્યાર્થિની હોવાનું ઓળખી કઢાયેલી આ કન્યાને તપાસમાં જોડાવા ટૂંકમાં નોટિસ બજાવાશે.
દિલ્હી પોલીસને વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ શા માટે કરવો પડયો ? : સંસદીય સમિતિ
નવી દિલ્હી, તા. 13: વિરોધ કરી રહેલા આંદોલનકારી વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવા બદલ સંસદીય સમિતિએ દિલ્હી પોલીસનાં બળપ્રયોગ સામે સવાલ ઉઠાવતા વિદ્યાર્થીઓ સાથે માનવીય રીતે પગલાં લેવાનું સૂચન કર્યું હતું. ઉપરાંત સંસદીય સમિતિએ દિલ્હી પોલીસ દ્વારા રાજ્યમાં વારંવાર લાદવામાં આવતી કલમ 144 અંગે પણ સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડે છે તેમજ બળપ્રયોગ શા માટે કરવો પડયો તેનો જવાબ માગ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer