ઓસ્ટ્રેલિયા સામે ભારતની કસોટી: આજે મુંબઇમાં પહેલો વન ડે

ઓસ્ટ્રેલિયા સામે ભારતની કસોટી: આજે મુંબઇમાં પહેલો વન ડે
રોહિતના સાથીદાર તરીકે રાહુલ-િશખરમાંથી એકની પસંદગી પર દુવિધા: મેચ 1-30થી શરૂ થશે
મુંબઇ, તા.13: ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલ મંગળવારથી મજબૂત ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડે મેચની શ્રેણીનો પ્રારંભ અહીંના વાનખેડે સ્ટેડિયમ પર કરશે. ત્યારે ટીમ ઇન્ડિયા સામે એ દુવિધા રહેશે કે રોહિત શર્માના સાથીદાર તરીકે ઓપનિંગમાં ફોર્મમાં ચાલી રહેલ કેએલ રાહુલ અને શિખર ધવનમાંથી કોની પસંદગી કરવી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ દ્વિપક્ષી સિરિઝમાં રોહિત શર્મા વિરૂધ્ધ ડેવિડ વોર્નર અને વિરાટ કોહલી વિરૂધ્ધ સ્ટિવન સ્મિથની પણ ટક્કર જોવા મળશે. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને નવદિપ સૈનીની હાજરી ધરાવતું ભારતનું મજબૂત ઝડપી બોલિંગ આક્રમણ ઓસ્ટ્રેલિયાનો બેટધરોની પરીક્ષા લેવા તૈયાર છે.બીજી તરફ ઓસ્ટ્રેલિયા પાસે આઇપીએલના સૌથી મોંઘા વિદેશી ખેલાડી પેટ કમિન્સ, કેન રિચર્ડસન અને અનુભવી મિશેલ સ્ટાર્ક જેવા ખતરનાક ફાસ્ટ બોલર છે જે કોહલીની ટીમને ભીંસમાં લઇ શકે છે.
એલેકસ કેરીની આક્રમક બેટિંગ અને શાનદાર વિકેટકીપીંગને ભારતના ઋષભ પંત તરફથી ચુનૌતિ મળી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં પાછલા એક વર્ષમાં શાનદાર છાપ છોડનાર ઓસ્ટ્રેલિયાના યુવા બેટસમેન માર્નસ લાબુશેન તેમની લાજવાબ ફોર્મને વન ડે ક્રિકેટમાં પણ પરિવર્તિત કરવા માંગશે.
ભારત માટે દુવિધા એ છે કે ઓપનિંગમાં રોહિતના સાથીદાર તરીકે શિખર-રાહુલમાંથી કોની પસંદગી કરવી. હાલના પ્રદર્શનને માપદંડ બનાવવામાં આવે તો રાહુલ રેસમાં આગળ છે. ધવનનો પાછલો વન ડે રેકોર્ડ શાનદાર છે. ઓસ્ટ્રેલિયા સામેના પાછલા વિશ્વ કપના મુકાબલામાં શિખર ધવને સદી ફટકારીને ભારતની જીતનો પાયો નાંખ્યો હતો. જો કે એ મેચને સાત મહિનાથી વધુનો સમય થઇ ચૂકયો છે. આ પછી ધવન ઇજાને લીધે અને ફોર્મમાં સંઘર્ષ કરી રહ્યો છે. જો કે તેણે શ્રીલંકા સામેના આખરી ટી-20 મેચમાં અર્ધસદી કરીને ફોર્મમાં વાપસી કરી છે. શ્રેયસ અય્યરના નંબર ચાર પર સારા દેખાવને લીધે એવું કહી શકાય કે રાહુલ-િશખર એકમાંથી વાનખેડે સ્ટેડિયમ પર રમવાની તક મળશે.
વાનખેડે સ્ટેડિયમની પિચ મોટાભાગે બેટધરોને અનુકૂળ રહી છે. પાછલી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામેની 2-3ની હારમાંથી સબક લઇને ભારત બે કાંડાના સ્પિનરને રમાડવાનો પ્રયોગ કરશે નહીં. આથી કુલદિપ અથવા ચહલમાંથી એક ઇલેવનમાં હશે. કેદાર જાધવ માટે આ શ્રેણી મહત્ત્વની બની રહેશે. તે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની સિરિઝમાં સારો દેખાવ નહીં કરી શકે તો તે કદાભ તેની આ આખરી શ્રેણી બની રહેશે. મેચ મંગળવારે 1-30થી શરૂ થશે.
ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમનું કાલે રાજકોટમાં આગમન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો બીજો મેચ રાજકોટના આંગણે તા. 17મીએ શુક્રવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના અદ્યતન ખંઢેરી સ્થિત સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઇને સૌરાષ્ટ્રભરમાં ક્રિકેટ જવર છવાઇ ગયો છે. પંતગોત્સવ બાદ ક્રિકેટોત્સવ માટે સૌરાષ્ટ્રવાસીઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહયો છે. એસસીએના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે મેચની મોટાભાગની ટિકિટો વેંચાઇ ગઇ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બુધવારે ખાસ વિમાન દ્રારા મુંબઇથી બપોરે 12-30 વાગ્યા આસપાસ રાજકોટ આવી પહોંચશે તેવા રિપોર્ટ છે. બન્ને ટીમની સુરક્ષા માટે પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer