જુનાગઢ, તા.13 : જુનાગઢના જોષીપુરા વિસ્તારમાં રહેતો ચંદ્રકાંત ઉર્ફે રવિ ભટ્ટ નામનો વિપ્ર શખસ ગાજાનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજીના સ્ટાફે મજેવડી ગેઈટથી રેલ્વે સ્ટેશન રોડ પરથી પસાર થતા જોષીપુરાની સર્વોદય સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે રવિ સુરેશ ભટ્ટ નામના વિપ્ર શખસને ઝડપી લીધો હતો અને તેની પાસે રહેલી થેલીની તલાસી લેતા તેમાંથી રૂ.પ0,6ર0 ની કિંમતનો પ.06ર કિ.ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. પોલીસે ગાંજો, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.પ4 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચંદ્રકાંત ઉર્ફે રવિ ભટ્ટ આ ગાંજાના જથ્થો દેવગઢ બારીયાથી લાવીને સાધુ-સંતો અને અન્ય લોકોને છુટક વેચતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગાંજા સપ્લાયરને ઝડપી લેવા સહિતના મુદ્દે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.