રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ: છને ઇજા

જાહેરમાં  લઘુશંકા કરવાની બાબતે બનેલી ઘટના
રાજકોટ, તા. 13: અહીના ઢેબર રોડ પરની શ્રમજીવી સોસાયટીના આઝાદ ચોકમાં જાહેરમાં લઘુશંકા કરવા બાબતે ભરવાડ અને ક્ષત્રિયના જૂથ વચ્ચે તલવાર, છરી, પાઇપ સહિતના હથિયારથી થયેલી અથડામણમાં છ વ્યકિતને ઇજા થઇ હતી.
આ બનાવમાં વાલકેશ્વર સોસાયટીમાં રહેતા ફુટવેરના વેપારી  ભરવાડ જૂથના 29 વર્ષના રોહિત ઉર્ફે સંદીપ ખોડાભાઇ ડાભી અને તેના ભાઇ સુનિલ, વિજય ઉર્ફે વિશાલ અને વિક્રમ તથા સામાપક્ષે દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા અને તેના ભાઇ શિવરાજસિંહ જાડેજાને ઇજા થઇ હતી.
આ બનાવ અંગે મૂળ વડાળીના વતની અને હાલ રાજકોટમાં રહેતાં દિવ્યરાજસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, ગઇરાતના દસેક વાગ્યાના સુમારે તે તથા તેનો ભાઇ શિવરાજસિંહ અને સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા શ્રમજીવી સોસાયટીના આઝાદ ચોકમાં બેઠા હતાં. ત્યારે ત્યાં સુનિલ ડાભી, વિશાલ ડાભી અને રોહિત ડાભી આવ્યા હતાં અને ચોકમાં
ઉભા રહીને જાહેરમાં લઘુશંકા કરવા લાગ્યા હતાં.
આ શખસોને અહી લઘુશંકા કરવાની મનાઇ હોવાનું કહેતા ઉશ્કેરાયેલા એ ત્રણેયે ગાળો દેવાનું શરૂ કરીને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યુ હતું અને સુનિલે નેફામાંથી છરી કાઢીને હુમલો કરીને વાસામાં ઇજા કરી હતી. જ્યારે તેના ભાઇ શિવરાજસિંહ પર ધોકાથી હુમલો કરીને ઇજા કરી હતી. સામાપક્ષે  ભરવાડ  સંદીપ ઉર્ફે રોહિત ખોડાભાઇ ડાભીએ દિવ્યરાજસિંહ રઘુભા જાડેજા, શિવરાજસિંહ જાડેજા, દિગરાજસિંહ જયેન્દ્રસિંહ હાડા, કુલદીપસિંહ જાડેજા, કાનો, રાજા ઉર્ફે રાજદીપસિંહ જાડેજા અને રઘુવીરસિંહ જાડેજાએ તલવાર, પાઇપથી હુમલો કરીને તેને તેના ભાઇ સુનિલ, વિજય ઉર્ફે વિશાલ તથા વિક્રમને ઇજા કર્યાની ફરિયાદ કરી હતી. જેમાં એવું જણાવ્યું હતું કે, ગઇરાતના મારા મોટાભાઇ સુનિલનો ફોન આવ્યો હતો કે, આઝાદ ચોકમાં ઝઘડો થયો છે. આથી હું, પરેશ કડવાભાઇ ડાભી, વિજય ઉર્ફે  વિશાલ ડાભી અને વિક્રમ ડાભી વગેરે શ્રમજીવી સોસાયટીના આઝાદ ચોકમાં ગયા હતાં. ત્યાં સુનિલ નીચે પડેલો હતો અને તેનો શર્ટ ફાટેલો હતો. તેણે દિવ્યરાજસિંહે પાઇપથી હુમલો કરીને પગમાં ઇજા કર્યાનું જણાવ્યું હતું. દરમિયાન દિવ્યરાજસિંહ, શિવરાજસિંહ, કુલદીપસિંહ સહિતના શખસોએ આવીને તલવાર, પાઇપથી હુમલો કર્યો હતો અને જેમાં મને, વિજય ઉર્ફે વિશાલ અને વિક્રમને ઇજા થઇ હતી. આઝાદ ચોકમાં જાહેરમાં લઘુશંકા કરવા અંગે આ હુમલો થયો હતો. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer