ચોરવાડમાં કરોડોનું કૌભાંડ કરનાર કંપનીના MD સહિત 4ની ધરપકડ

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, સેલવાસના ત્રણ લાખ લોકોના 900 કરોડ ચાઉ કરી ગયા’તા
ક્ષ          મુંબઈની આર્થર રોડ જેલમાંથી કબજો મેળવાયો: ત્રણ દી’ના રીમાન્ડ પર
(ફૂલછાબ ન્યૂઝ)
જૂનાગઢ, તા. 13: ચોરવાડ તથા આસપાસના વિસ્તારના લોકોને ડબલ નાણાં તથા વધુ નફો આપવાની લાલચ આપી કરોડોનું કૌભાંડ કરનાર અથર્વ ફોર યુ કંપનીના એમ.ડી., ડાયરેક્ટર ચેરમેન સહિત ચાર શખસોનો જૂનાગઢ એલ.સી.બી.એ મુંબઈની આર્થર રોડ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આ ઠગ ટોળકીએ ચોરવાડ પંથકના 1500 જેટલા લોકોના ચારથી પાંચ કરોડ અને મહારાષ્ટ્ર, ગોવા, સેલવાસના ત્રણ લાખથી વધુ લોકોના 900 કરોડ ચાઉ કરી ગયા છે.
ચોરવાડના ખેરા રોડ પર મુંબઈની અથર્વ ફોર યુ ઇન્ફ્રા એન્ડ એગ્રો. લિમિટેડ નામની કંપની ખોલી લોકોને ત્રણ વર્ષમાં ડબલ નાણાં આપવા તથા વધુ નફો આપવા લાલચ આપી હતી અને વિશ્વાસ અપાવવા અમુક લોકોને નાણાં આપ્યા પણ હતાં.
પરંતુ લોકોનાં નાણાંની મુદ્દત પાકવાની તારીખ આવી ત્યાં સુધીમાં કંપનીને તાળાં લાગી ગયાં હતાં અને ચોરવાડ તથા આસપાસના વિસ્તારના સેંકડો લોકો સાથે કરોડોની છેતરપિંડી થઇ હતી. આ મામલે 16.95 લાખની છેતરપિંડી અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. એસ.પી. સૌરભસિંહે આ કરોડોના કૌભાંડ અંગેની તપાસ એલ.સી.બી.ને સોંપી હતી.
આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અથર્વ ફોર યુ કંપનીના ચેરમેન મુકેશ બાબુલાલ સુંદેશા, એમ. ડી. સચિન હનુમંત ગોસવી, ડાયરેક્ટર ગણેશ રામદાસ હઝારે, શિવાજી શંકર નિકાડે મહારાષ્ટ્ર, ગોવા, સેલવાસના ત્રણ લાખથી વધુ લોકોના 900 કરોડનાં કૌભાંડ પ્રકરણમાં મુંબઇની આર્થર રોડ જેલમાં હતા. જ્યાંથી જૂનાગઢ એલ.સી.બી. પી.આઈ. આર. સી. કાનમિયા સહિતના સ્ટાફે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ચારેયને જૂનાગઢ લાવી માળિયાહાટીના કોર્ટમાં દસ દિવસના રીમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.
આ અંગે તપાસનીશ અધિકારી આર. સી. કાનમિયાએ જણાવ્યું હતું કે, ચોરવાડ તથા આસપાસના સામાન્ય પ્રજાજનોના ચારથી પાંચ કરોડનું આ શખસોએ કૌભાંડ કર્યું છે. અન્ય રાજ્યોમાં કુલ ત્રણેક લાખ લોકોના 900 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. હાલ આ શખસોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કંપનીના એજન્ટોને ત્યાં દરોડા
પાડી દસ્તાવેજો કરાયા કબજે
અથર્વ ફોર યુ કંપનીના અનેક એજન્ટ કાર્યરત હતા. એલ.સી.બી.એ આવા એજન્ટનાં ઘરે દરોડા પાડી કંપનીને લગતા તમામ દસ્તાવેજો, રેકર્ડ, કોમ્યુટર, હિસાબના ચોપડા, પેમ્પ્લેટ, પેનડ્રાઇવ સહિતની ચીજવસ્તુ કબજે કરી છે.
એજન્ટો લોકોને જુઠાણા ફેલાવી ભરમાવતા હતા
અથર્વ ફોર યુ કંપનીના એજન્ટો લોકોને તેમના પૈસા મળી જશે. પોલીસ પાસે જશો તો સમય લાગશે. તેવાં જુઠાણાં ફેલાવી લોકોને ફરિયાદ ન કરવા ભરમાવતા હોવાનું એલ.સી.બી.એ જણાવ્યું હતું પરંતુ ચોરવાડમાં આ બાબતે લોક દરબાર કરતા એક હજારથી વધુ લોકોએ કંપની દ્વારા કરાયેલી છેતરપિંડી અંગે નિવેદન આપ્યા હતા.
કંપની બંધ થઈ ગઈ છતાં
એજન્ટ હપ્તા લેતા હતા
અથર્વ ફોર યુ કંપનીને તાળાં લાગી ગયા બાદ પણ કંપનીના એજન્ટો લોકો સમક્ષ જુઠાણાં ચલાવી તેઓની પાસેથી રોકાણ માટેના હપ્તા ઉઘરાવતા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer