પતંગની માગમાં 30 ટકા સુધીનો ઘટાડો

મંદીની અસરે લોકોએ ખરીદીના બજેટમાં મૂક્યો કાપ - કોર્પોરેટ કંપનીઓની માગ સારી રહી
અમદાવાદ, તા.13: મકરસંક્રાંતિના તહેવારને ચોવીસ કલાક પણ બાકી રહ્યા નથી ત્યારે પતંગ બજારમાં છેલ્લી કલાકોની ધૂમ ખરીદી નીકળી હતી. જોકે આ વર્ષે એકંદરે વેપારીઓએ નબળી ઘરાકી અનુભવી હતી. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવી મોટી માર્કેટમાં વેપાર 30 ટકા જેટલો ઓછો થયો હોવાનું પતંગ બજારના સૂત્રોએ કહ્યું હતુ.
ગુજરાતમાં ચોમાસાને બાદ કરતા ગુજરાતમાં 8 મહિના સુધી પતંગ સતત બનતા હોઈ છે. દિવાળી પછી પતંગના ઓર્ડર હોલસેલ સ્તરે આવવા લાગે છે. આ વર્ષે પતંગની કોડીનો ભાવ રૂપિયા 50 થી લઈને 250  સુધીનો રહ્યો.
ગુજરાતની બજારમાં પાંચ હજાર વાર દોરીનો ભાવ રૂપિયા 300 થી 600 રૂપિયા સુધીનો છે.આ વખતે પતંગ દોરા ઓછાં વેંચાયા છે. જોકે પીપુડાં, ગોગલ્સ,કેપ સહિતની એક્સેસરીઝ અને ફટાકડાંના વેપાર સારાં થયા હતા.
એક અંદાજ મુજબ ગુજરાતનો પતંગનો વાર્ષિક કારોબાર 1200 કરોડની આસપાસનો છે. નાની મોટી કોર્પોરેટ કંપની પતંગ ગિફ્ટમાં આપતી હોય છે.  જોકે એ માગ જળવાયેલી છે. રિટેઇલ સ્તરે માગ થોડી નબળી છે. સરકારે કાઇટ ફેસ્ટિવલનું માર્કેટીંગ તો કર્યું છે પણ મંદીને લીધે લોકોએ ખર્ચ ઓછું કરવાનું પસંદ કર્યું છે.
અમદાવાદના જુના વિસ્તારોમાં આખા ગુજરાતમાં પતંગની માર્કેટ ભરાય છે અને  દોર ફીરકી લેવા હોલસેલના વેપારીઓ ગુજરાતમાંથી અમદાવાદ આવે છે અને કારણે હજારો લોકો પતંગનો સીઝનલ બિઝનેસ પણ કરે છે. જોકે આ વખતે થોડો ખેલ બગડી ગયો છે અને હવે મંદીની અસર પતંગ કારોબાર ઉપર પણ થઇ છે. રાજકોટની સદર બજારમાં પણ માગ આગલી રાત્રે વધુ દેખાઇ હતી. પેઢીઓથી પતંગ બનાવતા મંસૂર કહે છે કે ’કોર્પોરેટ ગૃહ પતંગ માટે આવે છે પરંતુ બજેટ ઓછું કરી નાખ્યું છે, પતંગની ક્વોલિટી સાથે પણ સમાધાન કરવું પડે છે પરંતુ હવે સમયની માંગ છે તો અમે પણ તે કરી આપીએ છીએ.’
એક અંદાજ મુજબ આખા અમદાવાદમાં 30 હજારથી પણ વધારે લોકો પતંગને ગૃહ ઉદ્યોગ તરીકે અપનાવી લીધો છે અને તેનાથી સારું વળતર પણ મળે છે. જોકે આવી મંદીના કારણે હવે લોકોને વળતર પણ ઓછું મળ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer