રૂમમાં કોઇ ન હોય તો લાઈટ, પંખા ઓટોમેટિક બંધ !

રૂમમાં કોઇ ન હોય તો લાઈટ, પંખા ઓટોમેટિક બંધ !
મૂક-બધિર આંગળાથી સાઈન કરે તેનું સ્પીચમાં થશે રૂપાંતર
રાજકોટ, તા. 10 : વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના પાંચમાં સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ દ્વારા મીની પ્રોજેક્ટ વિષયનાં ભાગરૂપે સમાજને ખૂબ જ ઉપયોગી નિવડે તેમજ દિવ્યાંગ લોકોના જીવનને વધુ સરળ અને સુગમ બનાવે તેવા હાર્ડવેર અને સોફટવેરનો સમન્વય કરી અદ્યતન પ્રોજેક્ટ બનાવાયા છે.
લેઝર કાઉન્ટર દ્વારા ઇલેક્ટ્રોનીકલી લેઝરનું બીમ કટ થાય અને પસાર થતા વ્યક્તિની ગણતરી કરી શકાય છે. સંખ્યા ગણી જો કોઇ રૂમમાં (કે કોઇ જગ્યાએ) કોઇપણ વ્યક્તિ હાજર નથી તો ઓટોમેટિક લાઈટ-પંખા બંધ થઇ જાય તેવી ગોઠવણ કરી શકાય છે. જેસ્ચર કન્ટ્રોલ કારમાં એક હાથમાં પહેરેલું ટ્રાન્સમીટર હોય છે અને કારમાં રીસીવર હોય છે. ટ્રાન્સમીટર દ્વારા બદલાતા જેસ્ચર પ્રમાણે કાર ફોરવર્ડ (આગળ) અને રીવર્સ (પાછળ), લેફટ (ડાબે) અને રાઇટ (જમણે) ફેરવી શકાય છે. આની મુખ્ય એપ્લીકેશન તરીકે ભવિષ્યમાં એવી વ્હીલચેર ડીઝાઈન કરી શકાય જે દિવ્યાંગ લોકોને હલનચલન કરવામાં આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે.
ઓગ્મેન્ટેડ ઓર્થરોપોડ એક સેલ્ફ બેલેન્સીંગ રોબોટ છે. જે મનુષ્યની શારીરિક સંતુલન પ્રક્રિયાની પ્રતિકૃતિ છે. આનો મહત્તમ ઉપયોગ બીમાર લોકોને દવા આપવામાં વસ્તુઓ આપવામાં અને સર્વ કરવાની એપ્લિકેશન માટે થઇ શકશે.પી.ઓ.વી.એલ.ઇ.ડી.નામક પ્રોજેક્ટમાં દ્રષ્ટિ સાતત્યનાં નિયમનો ઉપયોગ કરી એલ.ઇ.ડી.ની સ્ટ્રીપ પર જોઇતા શબ્દને કે વાક્યને ડિસપ્લે કરી શકાયછે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીએ અમુક શબ્દો ડિસપ્લે કરેલ અને ભવિષ્યમાં વધુ મોટા શબ્દો ઓછી કિંમતમાં ડિસપ્લે થઇ શકે તેવી જોગવાઈ છે. સાઇન ટુ સ્પીચ કન્વર્ટર પ્રોજેક્ટમાં બહેરા/મુંગા વ્યક્તિ દ્વારા ફક્ત આંગળીઓનો ઉપયોગ કરી જનરેટ કરેલ સાઈનનું સ્પીચમાં રૂપાંતર થાય છે. જેના કારણે ભવિષ્યમાં તેમને અભિવ્યક્ત કરવામાં ખૂબ સરળતા રહેશે અનેતેમની મુશ્કેલીમાં ઘટાડો થશે.
આ તમામ પ્રોજેક્ટના ડેવલોપમેન્ટમાં ઇ.સી.વિભાગનાં સેમેસ્ટર પાંચનાં વિદ્યાર્થીઓ શૈલ શુક્લ, સાર્થ વડગામા, કૃતિકા ખખ્ખર, આદિત્ય ઠાકર, મનીષ નેભાણી, ધવલ જોષી, વૈકુંઠ પટેલ, દર્શન રાણીંગા, નિસર્ગ છાયા તેમજ સ્ટાફમાંથી વિભાગીય વડા ડો.ચાર્મી પટેલ, ડો.પરેશ ધોળકિયા, ડો. જીજ્ઞેશ જોશી,પ્રો. અંજુ વાસદેવાણી, પ્રો. નિર્મલ ભાલાણી, પ્રો. રવીન સરધારાએ જહેમત ઉઠાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer