પોસ્ટ વિભાગે ‘નાન્યથા’ સોફ્ટવેરથી ટપાલ પેટીઓનું કર્યુ આધુનિકરણ !

પોસ્ટ વિભાગે ‘નાન્યથા’ સોફ્ટવેરથી ટપાલ પેટીઓનું કર્યુ આધુનિકરણ !
155 ટપાલ પેટી પર લગાવાઈ ડિજીટલ વોચ : ટપાલની સંખ્યા- સમય જાણી શકશે
રાજકોટ, તા.13 : શહેરના જુદા જુદા વિસ્તારમાં 155 જેટલી ટપાલ પટીઓમાં નાનયથા સોફ્ટવેરથી ડિજીટલ વોચ ગોઠવવામાં આવી છે. જેનાથી ટપાલ પેટીમાં આવતી સંખ્યાબંધ ટપાલોની સંખ્યા અને સમય  સહિતની માહિતી અપડેટ થશે. આ તમામ માહિતી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ જાણી શકશે.
દેશમાં એક પછી એક તમામ ક્ષેત્રમાં ડિજિટલાઈજેશન આવતું જાય છે ત્યારે હવે પોસ્ટ વિભાગ દ્વારા પણ વધુ એક આધુનિક પધ્ધતિ શરૂ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી 155 જેટલી ટપાલ પેટીને મોબાઈલ એક ‘નાન્યથા’ સાથે કનેક્ટ કરવામાં આવી છે. જેમાં ટપાલ પેટીની અંદરની બાજુએ બારકોડ મૂકવામાં આવે છે. દિવસ દરમિયાન જ્યારે પણ જે વિસ્તારમાં ટપાલ પેટી ખોલવામાં આવે ત્યારે બારકોડ સાથે સ્કેન કરીને ઓનલાઈન અપડેટ કરવાનું રહે છે. આ પેટી ખુલે એટલે તેમા રહેલી ટપાલની સંખ્યા, ક્યો સમય, ક્યો વિસ્તાર સહિતની માહિતીઓ ઉચ્ચ અધિકારીઓને મળી રહેશે.
શહેરમાં સંખ્યાબંધ ટપાલ પેટીઓ આવેલી છે. જેમાંથી હાલ જે 155 પેટીમાં આધુનિકરણ કરવામાં આવ્યું છે તેનાથી ભવિષ્યમાં કઈ ટપાલ પેટીમાં ઓછી ટપાલ આવે છે અને કઈ ટપાલ પેટીમાં વધુ તે પણ નક્કી કરી શકાશે. ઉપરાંત જે ટપાલ પેટીનો ઉપયોગ ઓછો થતો હોય તે બંધ કરવાનું નક્કી કરી શકાશે. શહેરમાં સદરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફીસ, ઉપરાંત બેડી પરા, ભક્તિનગર, ભોમેશ્વર, જંક્શન પ્લોટ, માલવિયાનગર, સેવાસદન, મોચી બજાર, પોપટપરા, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, સોરઠીયાવાડી, ઉદ્યોગનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વી.વી.નગર સહિત 20 પોસ્ટ ઓફિસ હેઠળની 155 ટપાલ પેટીઓનું આધુનિકરણ કરવામાં આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer