હેલમેટમાં ફૂલછોડ, વેસ્ટમાંથી બેસ્ટ નુસ્ખો

હેલમેટમાં ફૂલછોડ, વેસ્ટમાંથી બેસ્ટ નુસ્ખો
દોઢ-બે મહિના પહેલા જ્યારે હેલમેટની ફરજિયાત અમલવારી કરવામાં આવી ત્યારે સમગ્ર રાજ્યમાંથી ભારે બુમરાણ ઉઠી હતી. કાયદાની અમલવારીની સાથે જ પોલીસ અને સમગ્ર તંત્ર જાણે હેલમેટ નહીં પહેરનાર સામાન્ય નાગરિકો જ સૌથી મોટા અપરાધી હોય તેમ ચોરેને ચોકે મોટી ટીમ ગોઠવી ચેકિંગમાં ઉભા રહી, દંડ વસૂલી માટે રીતસરના તૂટી પડયા હતા. લોકોની કલ્પના બહાર દંડની વસૂલાત થતા ભારે નારાજગી અને આક્રોશ વચ્ચે મને-કમને લોકોએ હેલમેટ ખરીદવા ધસારો બોલાવ્યો હતો. એ દિવસો ઝડપથી વિતી ગયા અને નાટકીય રીતે બુધવારે રાજ્યની કેબિનેટની બેઠકમાં શહેરી વિસ્તારમાંથી હેલમેટ મરજિયાત કરવામાં આવી. એ સાથે જ ઓએલએક્સ જેવી ડિજિટલ સાઇટ પર થોડી ઘણી વપરાયેલી હેલમેટ વેચવા લોકોનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. કોઈ વેપારીએ તો ઘર જમાઈ થઈ ગયેલા સ્ટોકને કાઢવા નવી નક્કોર હેલમેટ પણ ઓએલએક્સ પર ર30 રૂપિયાના ભાવે વેચવા કાઢી છે. તો બ્રાન્ડેડ કંપનીઓની આઇએસઆઇ માર્કવાળી હેલમેટ પણ બજાર કરતા સસ્તા ભાવે વેચવા મુકાઈ છે. કેટલાક બુદ્ધિશાળીઓએ તો ‘તપેલી’ હેલમેટને ઉંધી ટીંગાડી તેમાં સુશોભનના પ્લાન્ટ, ફૂલઝાડ ઉગાડીને વેચવાનો નુસ્ખો શોધી કાઢ્યો છે. શહેરી વિસ્તારમાં હેલમેટની આવશ્યકતા નથી એવું તંત્રને મોડેથી સમજાણું છે ત્યારે સરકારનું માનીને હેલમેટ ખરીદનારા શહેરીજનોને હવે આ મોટા દાગીના સાચવવા પણ ભારે પડી રહ્યા છે. (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer