દેશમાં પ્રાઈવેટ ઓપરેટરો દોડાવશે 150 ટ્રેન

દેશમાં પ્રાઈવેટ ઓપરેટરો દોડાવશે 150 ટ્રેન
ઉચ્ચસ્તરીય બેઠકમાં નવા 150 રૂટ માટેની રૂપરેખા તૈયાર કરવા આદેશ
 
નવી દિલ્હી, તા. 13 : ભારતીય રેલવે ઝડપથી ખાનગીકરણની દિશામાં આગળ વધી રહી છે. રેલ મંત્રાલયની એક ઉચ્ચસ્તરીય બેઠક ગત 8-9 ડિસેમ્બરના રોજ મળી હતી. જેમાં કેન્દ્રીય રેલમંત્રી પિયૂષ ગોયલે અધિકારીઓને 150 નવા રૂટની યોજના તૈયાર કરવા કહ્યું છે. જેના ઉપર દુરન્તો, તેજસ અને રાજધાની જેવી ટ્રેનો દોડે છે. આ નવા રૂટ ઉપર ખાનગી કંપનીઓ ટ્રેનનું સંચાલન કરશે.  નવા રૂટમાં 30 ખાનગી ટ્રેન મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપર મુંબઈથી દોડશે. જેનું સંચાલન મુંબઈ-અમદાવાદ અને દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ ટ્રેનની જેમ થશે. બન્ને ટ્રેનોને આઈઆરસીટીસી ઓપરેટ કરશે. સુત્રોના કહેવા પ્રમાણે જે નવા રૂટ ચર્ચા કરવામાં આવી છે તેના ઉપર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે. પ્રાઈવેટ ઓપરેટર તેનું ભાડુ અને તેમાં મળતું ભોજન નક્કી કરશે. પેસેન્જરને ઘરેથી લગેજ લઈ જવાની પણ સુવિધા મળી રહેશે.
રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવના કહેવા પ્રમાણે 150 ટ્રેન માટેની બોલીની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ કરી દેવામાં આવશે. દેશમાં પહેલી વખત ખાનગી ટ્રેનની દિશામાં મહત્વની કામગીરી થઈ રહી હોવાથી પ્રક્રિયામાં સમય લાગી શકે છે. વિશ્વમા આવી સિસ્ટમ ઘણા સમય અગાઉથી ચાલી રહી છે. ભારતમાં પુરી પ્રક્રિયાને બે ભાગમાં ચલાવવામાં આવશે. જેમાં પહેલા પ્રાઈવેટ બિડર્સ ક્વોલિફિકેશન માટે બોલાવવામાં આવશે અને પછી પ્રસ્તાવો મગાવવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer