`રેપ ઇન ઇન્ડિયા'' ટિપ્પણી બદલ માફી માગવાનો રાહુલનો ઇનકાર

`રેપ ઇન ઇન્ડિયા'' ટિપ્પણી બદલ માફી માગવાનો રાહુલનો ઇનકાર
નિવેદન મુદ્દે સંસદમાં સરકાર અને વિપક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી
 
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 13 : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની `રેપ ઇન ઇન્ડિયા' ટિપ્પણીના મુદ્દે સરકાર અને વિપક્ષો વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપી સાથે શુક્રવારે સંસદના શિયાળુ સત્રનો અંત આવ્યો હતો.
ભારતમાં બળાત્કારના વધતા બનાવો અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર ભાજપના સાંસદોએ હોબાળો મચાવ્યો તે વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદની કાર્યવાહી અચોક્કસ મુદત માટે મોકૂફ રાખી હતી. ચૂંટણી રૅલીમાં `રેપ ઇન ઇન્ડિયા'ની કરેલી ટિપ્પણી અંગે રાહુલ સામે ભાજપે મોરચો માંડતા કૉંગ્રેસના આ નેતાએ આજે વળતો પ્રહાર કરતા વડા પ્રધાન મોદીએ માફી માગવી જોઈએ એવી માગણી કરી હતી. `હું આ લોકો સમક્ષ માફી નહીં માગું એવી જાહેરાત રાહુલ ગાંધીએ કરી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે સંસદમાં ભાજપના પ્રહારોનો જવાબ આપવાની તેમને તક આપવામાં આવી નહોતી.
રાહુલ ગાંધીએ સિટિઝનશિપ કાયદા પર પૂર્વોત્તર રાજ્યો ખાસ કરીને આસામમાં ચાલી રહેલા જોરદાર વિરોધ પ્રદર્શનો પરથી લોકોનું ધ્યાન અન્યત્ર હટાવવા માટે સરકાર પોતાને નિશાન બનાવી રહી હોવાનો આરોપ કર્યો હતો. `પૂર્વોત્તર રાજ્યોને ભડકે બાળવા, ભારતના અર્થતંત્રને ખતમ કરવા અને દિલ્હીને `રેપ કેપિટલ અૉફ ઇન્ડિયા' કહેવા માટે વડા પ્રધાને માફી માગવી જોઈએ,' એમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
`મારી પાસે મારા ફોનમાં એક કલીપ છે, જેમાં વડા પ્રધાન મોદી દિલ્હીને `રેપ કેપિટલ' કહેતા નજરે પડે છે. મુખ્ય એજેન્ડા એ છે કે મોદી અને અમિત શાહ ઈશાન ભારતને બાળી રહ્યા છે. તેઓ લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા મારા વિશે આવી વાતો કરી રહ્યા છે,' એમ કૉંગ્રેસના આ નેતાએ સંસદ બહાર કહ્યું હતું.
ઝારખંડની એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી `મેઇક ઇન ઇન્ડિયા' કહે છે, પરંતુ તમે જ્યાં જોશો ત્યાં `રેપ ઇન ઇન્ડિયા' છે. આને કારણે ભાજપે વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ભાજપશાસિત રાજ્યોમાં બળાત્કારની ઘટનાઓ વધુ બને છે. ઉન્નાવની ઘટનાનો ઉલ્લેખ કરતાં ગાંધીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં તો હવે ભાજપમાંથી કાઢી મુકાયેલા વિધાનસભ્ય કુલદીપ સેંગર વિરુદ્ધ તો તરુણી પર બળાત્કાર અને બાદમાં તેને કાર અકસ્માતમાં પતાવી દેવાના પ્રયાસના ગંભીર આરોપો છે. ગાંધીએ કહ્યું હતું કે મોદીજી એક પણ શબ્દ નથી બોલતા. તેઓ હિંસાનો ઉપયોગ કરે છે. મહિલાઓ સામે હિંસાચાર, કાશ્મીરમાં હિંસાચાર અને હવે પૂર્વોત્તર ભારતમાં હિંસાચાર.
ઝારખંડમાં ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધીનાં આવાં વિધાનોનો જોરદાર વિરોધ લોકસભામાં સત્તાધારી ભાજપનાં સ્મૃતિ ઇરાની સહિતના ટોચના પ્રધાનોએ કર્યો હતો અને કૉંગ્રેસના નેતાની કઠોર શબ્દોમાં નિંદા કરી હતી. સત્તાધારી ભાજપની છાવણી તરફથી ગૃહમાં સતત શેઇમ... શેઇમના નારા ગુંજતા બે વાર લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
ઇરાનીએ લોકસભામાં કહ્યું હતું કે ઇતિહાસમાં પહેલી વાર કોઇ નેતા ભારતીય મહિલાઓ પર બળાત્કાર થવા જોઇએ (રેપ ઇન ઇન્ડિયા), એવું ખુલ્લેઆમ કહી રહ્યા છે. શું ભારતીયો માટે રાહુલ ગાંધીનો આ સંદેશો છે? આવાં વિધાનો બદલ તેમને સજા થવી જોઇએ. ઇરાનીના ભાષણ દરમિયાન ભાજપના સંસદસભ્યો સતત રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને ઇરાનીએ કહ્યું હતું કે બધા પુરુષો બળાત્કારી નથી. આ તો ભારતનું અપમાન છે... રાહુલ ગાંધી હવે લગભગ પચાસ વર્ષના થયા છે, પરંતુ તેમને એટલું ભાન નથી કે આવાં વિધાનો ભારતમાં બળાત્કાર કરવાના આમંત્રણ સમાન છે.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આવાં વિધાનો કરનારી વ્યક્તિને આ ગૃહના સભ્યપદે રહેવાનો સૈદ્ધાંતિક અધિકાર જ નથી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer