CAB સામે બિનભાજપી રાજ્યોનો જંગ

CAB સામે બિનભાજપી રાજ્યોનો જંગ
નવી દિલ્હી, તા.13 : નાગરિકત્વ (સુધારા) ખરડા સામે, ખાસ કરી ઈશાન ભારત સહિત દેશના વિવિધ ભાગોમાં વિરોધ અને રોષ જાગ્યા છે, એટલું જ નહીં ખરડાને લઈ આસામમાં હિંસક ઘટનાઓ વ્યાપક બની છે તે ઉપરાંત આ ખરડાને બંધારણમાં સમાયેલા ભારતના સેકયુલર ચારિત્ર્ય પરના સીધા પ્રહાર સમો ગણાવી અન્ય 6 બિનભાજપી રાજ્યોના મુખ્યમંત્રીઓએ ખરડાનો પોતાના રાજ્યોમાં અમલ નહીં કરવાની ઘોષણા ય કરી છે. ખરડા (સીએબી-કેબ)ના પ્રતિકાર માટે તેઓ સજ્જ  થઈ રહ્યાનું અને પોતાના રાજ્યોમાં તેના અમલીકરણ અવરોધવાના વ્યૂહ ઘડી રહ્યાનું તેઓ જણાવે છે. આસામમાં ભભૂકેલા લોકરોષ બાદ પ.બંગાળ, પંજાબ અને કેરળ બાદ મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સરકારોએ તે લાગુ ન કરવા નિર્ણય કર્યો છે.
પ. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખરડાનો પ્રતિકાર કરવાનો વ્યૂહ રચવા પોતાના સાંસદો અને ધારાસભ્યોની બેઠક આવતા સપ્તાહે બોલાવી છે, જયારે પંજાબના સીએમ કેપ્ટન અમરીન્દરસિંહે જાહેર કરી દીધું છે કે તેઓ આ વિખવાદી ખરડાનું તેમના રાજ્યમાં અમલીકરણ થવા નહીં દ્યે. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને જણાવ્યુ હતું કે આ ધારાનો અમલ તેમના રાજ્યમાં નહીં થાય અને નિર્ણયની કેન્દ્રને જાણ કરાશે.
મમતા બેનરજી તા.20મીની બેઠકમાં ભાજપ સામેના શ્રેણીબદ્ધ વિરોધોની ઘોષણા કરશે. લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસનો સપોર્ટ બેઈઝ રહેલા સમુદાયો છીનવવા ખરડા અને એનઆરસીનો ઉપયોગ કરવા ભાજપ સજ્જ  થતાં એ ખતરાનો સામનો કરવાની રૂપરેખા ઘડવાને મમતા કમર કસે તે માટે તૃણમૂલના સાંસદોએ મીટ માંડી છે. ભાજપની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સામે મમતાએ દ્વિતીય સ્વાતંત્ર્ય ચળવળ જાહેર કરી છે. અમરીન્દસિંહે જણાવ્યુ હતું કે કોંગ્રેસ આ ગેરબંધારણીય ખરડાને ગૃહમાં અવરોધશે. ખરડો બંધારણમાંના સિદ્ધંાતો અને મૂલ્યોની વિરુદ્ધ છે તે હકીકત જોતાં તે રદબાતલ છે અને તે પસાર કરવા સંસદને કોઈ ઓથોરિટી નથી. જે કાયદાઓ આપણા બંધારણની વિરુદ્ધના છે તેનું કેરળ જેવા રાજ્યમાં કોઈ લેવાલ નથી તેથી રાજ્યમાં આ ધારા માટે કોઈ સ્થાન નથી એમ કેરળના સીએમ વિજયને જણાવ્યુ હતું.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢની સરકારે તેમના રાજયોમાં આ ખરડો લાગુ નહીં કરવાના સંકેત આપ્યા છે. કમલનાથે જણાવ્યુ હતું કે જેના કારણે ભેદભાવ થઈ શકે છે તેવી પ્રક્રિયાનો અમે હિસ્સો બનવા માગતા નથી. થોરાટે જણાવ્યુ હતું કે અમે પક્ષની નેતાગીરીની નીતિ મુજબ કામ કરશું. 
રાજ્ય સરકારો કાયદાનો અમલ અટકાવી નહીં શકે : ગૃહ વિભાગ
નવી દિલ્હી, તા. 13 : નાગરિકતા સુધારા કાયદા સામે વધતા વિરોધની વચ્ચે કેન્દ્રના ગૃહ મંત્રાલયનાં સૂત્રોએ આજે અત્રે એવો દાવો કર્યો હતો કે કેન્દ્રના આદેશ હેઠળ આવી જતા કાયદાના અમલને અટકાવવાની વ્યક્તિગત રાજ્યો પાસે કોઈ સત્તા નથી. બંધારણના 7મા શેડયુઅલની કેન્દ્રીય યાદી હેઠળ આવતા કેન્દ્રીય કાયદાઓને નકારવાની સત્તા રાજ્યો પાસે નથી, એમ જણાવીને ગૃહ મંત્રાલયના એક ટોચના અધિકારીએ ઉમેર્યું હતું કે નાગરિકતા આપવી એ કેન્દ્રનો અધિકાર છે. આ ખરડાને ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપતાં તે કાયદો બની ગયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer