ઈશાન ભારતમાં અજંપો જારી

ઈશાન ભારતમાં અજંપો જારી
નવી દિલ્હી, તા.11: નાગરિકતા સુધારા ખરડો પસાર થઈ ગયા બાદથી પૂર્વોત્તરમાં હિંસક વિરોધ પછી હાલમાં તંગદિલીભરી શાંતિ પ્રવર્તી રહી છે તેની સીધી અસર  વાહનવ્યવહાર પર દેખાઈ હતી. દક્ષિણ-પૂર્વ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે વિરોધપ્રદર્શનોને કારણે ટ્રેનસેવાઓ બાધિત બની છે. આશરે 250 લોકોએ ઉલુબેરિયા પર હાવડા-ખડગપુર સેક્શનમાં આવતી અને જતી ટ્રેનોને રોકી રાખી હતી. દરમ્યાન, મુર્શિદાબાદમાં એક રેલવેસ્ટેશન આગમાં ફૂંકી દેવાયાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. ભારે હિંસાને ધ્યાને લેતાં જાપાનના વડાપ્રધાન શિંજો અબેની યાત્રા પણ રદ કરવામાં આવી હતી.
આરપીએફ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લા સ્થિત બેલડાંગા રેલવે સ્ટેશન પરિસરને પ્રદર્શનકર્તાઓએ આગ ચાંપતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. નોર્થ-ઈસ્ટ ફ્રન્ટીયર રેલવે (એનએફઆર)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આસામમાં હિંસા બાદ ઓછામાં ઓછી 106 પ્રવાસી ટ્રેનને યા તો ટુંકાવવામાં અથવા તો રદ કરવામાં આવી હતી.
નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ આસામમાં જે હિંસા ફાટી નીકળી હતી તે હજુ પણ અનેક વિસ્તારમાં અટકવાનું નામ નથી લઈ રહી. ગુવાહાટીના ચાંદમરી વિસ્તારમાં આજે સવારે ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા ઉપવાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
ગૌહાતી અને શિલોંગમાં હજી પણ કર્ફ્યુ ચાલુ છે, જ્યારે આસામના ડિબ્રુગઢમાં સવારે 8 વાગ્યાથી બપોર 1 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવી હતી. વધતી જતી હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્ય વહીવટીતંત્રે 10 જિલ્લાઓમાં લગાવેલા ઇન્ટરનેટ પરના પ્રતિબંધને આગામી 48 કલાક સુધી લંબાવાનો નિર્ણય કર્યો હતો. આસામ, ત્રિપુરા બાદ હવે મેઘાલયમાં મોબાઇલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બગડતી સ્થિતિને કારણે ગૌહાતી સહિત આસામના અનેક શહેરોમાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer