રાજ્યમાં ત્રણ હજાર દીપડા હોવાનો અંદાજ: વસતિ નિયંત્રણ માટે ખસીકરણની વિચારણા

રાજ્યમાં ત્રણ હજાર દીપડા હોવાનો અંદાજ: વસતિ નિયંત્રણ માટે ખસીકરણની વિચારણા
(ફૂલછાબ  ન્યૂઝ) રાજકોટ, તા. 13 : સૌરાષ્ટ્રમાં દીપડા અને માણસ વચ્ચે વધી રહેલા સંઘર્ષના બનાવોના કારણે આ વન્ય પ્રાણીની વસતી નિયંત્રિત કરવાની જરુરિયાત ઉભી થઇ છે. નવ મહિનામાં 10 માણસને ફાડી ખાનારા દીપડાને અમરેલીના બગસરા તાલુકામાં ઠાર મરાયા પછી, રાજ્ય સરકારે કેન્દ્રનાં વન અને પર્યાવરણ મંત્રાલય તથા નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડની દીપડાના વંધ્વીકરણ અથવા નપુંસક બનાવવા સહિતના જન્મ નિમંત્રણ કરવાના પગલાં માટે મંજૂરી માગી છે.
વન અને પર્યાવરણ વિભાગના સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે પકડાયેલા દીપડાઓના વંધ્યીકરણ માટે અમે કેન્દ્ર સરકારની મંજૂરી માગી છે. તેમની વસતી વધી રહી છે અને તે માણસ સાથે સંઘર્ષમાં આવી રહ્યા છે તેથી આવા પગલાં માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પકડાયેલા દીપડાની ખસી કરવા અમે દરખાસ્ત કરી છે. માત્ર દીપડા જ નહીં દીપડીનું પણ વંધ્યીકરણ કરાશે. જો કે પકડાયેલા દીપડાની 50 ટકા સંખ્યા માટે આવું કરાશે. પ્રજનન કરી અંગો દૂર કરી તેમને નપુંસક (નુરારિંગ) બનાવાશે.
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી વાઈલ્ડલાઈફ બોર્ડની બેઠકમાં પાંજરે પુરવામાં આવેલા દીપડાને રેડિયો કોલર લગાવાની દરખાસ્ત પણ સ્વીકારવામાં આવી હતી. વળી, જંગલમાં દીપડાને છોડી મૂકાતી વખતે રૂ. 6,000ના ખર્ચવાળા સસ્તા રેડિયો કોલર ફીટ કરાશે.  રેડિયો કોલરથી તેમની હિલચાલ જાણી શકાશે.
રાજ્યમાં દીપડાની વસ્તી 2006માં 1,070 હતી તે 2017માં વળી 1385 થઇ હતી. 2011ના સેન્સસ પછી તેમની વસતીમાં 20 ટકા વધારો થયો છે. જો કે વન વભાગનાં અધિકારીઓ માને છે કે તેમની વસતી, કદાચ 3000 આસપાસ હોઇ શકે છે.
સરકારે તાજેતરમાં વિધાનસભામાં માહિતી આપી હતી કે દીપડાઓએ બે વર્ષમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં 14 માણસોને ફાડી ખાધા છે, અને 71ને ઇજા પહોંચાડી છે. બે વર્ષમાં 438 દીપડા પકડાયા હતાં. એમાંથી 60 નરભક્ષીને બાદ કરતાં અન્યોને ફરી જંગલમાં છોડી મૂકાયા હતાં.
બગસરા પંથકમાં દીપડાની દહેશત વચ્ચે શોભાવડલામાં સિંહે  ગાયનું મારણ કર્યું
બગસરા :  બગસરાના હામાપુરમાં દીપડાએ આવીને બે ગલુડિયા સહિત બે કૂતરાને ફાડી ખાધાના બનાવથી ગ્રામજનો ફફડી રહ્યા છે ત્યારે શોભાવડલા ગામમાં ગત રાત્રીના સિંહ આવીને એક ગાયનું મારણ કર્યુ હતું.
ગત રાત્રીના આશરે 12 વાગ્યે સિંહે ગામમાં આવી એક ગાયનું મારણ કર્યુ હતું. ત્યાર બાદ સવારે 7 કલાકની આસપાસ એક રોજડાને પણ શિકાર બનાવ્યું હતું. નજરે જોનાર ગ્રામ્ય લોકોના જણાવાયા અનુસાર બે સિંહ તથા બે બચ્ચા હતા. સિંહના હુમલાની જાણ થતા વન વિભાગની ગાડીઓ દોડી આવી હતી અને એક કરતા વધુ સિંહો હોવાનું સમર્થન કરેલ. આ પંથકમાં જુદા જુદા વિસ્તારોમાં રાની પશુઓ દ્વારા થતા હુમલાથી લોકો ભયભીત બની ગયા છે. ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી ડરના માર્યા મહામુલો પાકનું જતન કરવા પણ જઇ શકતા નથી. હજુ એક જ દીપડો ઠાર મરાયો છે ત્યારે અન્ય દીપડા ક્યાં અને ક્યારે વિવિધ સ્થળો પર ત્રાટકશે તે દહેશત યથાવત છે.
છેલ્લા ત્રણ દી’માં ત્રણ દીપડા પકડાયા
બગસરા પંથકમાં ખેડૂતોનો શિકાર કરી આતંક મચાવનાર દીપડાને ઠાર મરાયો છે ત્યારે વિવિધ સ્થળોએથી ત્રણ દીપડા પકડાયા છે. ઉનાની સીમાસીની સીમમાંથી એક દીપડો, ઉના વિસ્તારમાંથી દીપડો પકડાયો હોવાનું જાણવા મળે છે. વિસાવદરમાં ઘોડાસણમાંથી વન વિભાગને હાથતાળી આપી દીપડો નાસી ગયો હતો. અમરેલી, બગસરા, વિસાવદર, ધારીના સીમાડે દીપડાની સંખ્યા વધારે હોય દીપડાને પકડવાનું ઓપરેશન યથાવત રખાયું છે. જ્યાં પણ દીપડાનું લોકેશન મળશે ત્યાં ટીમો દોડી જશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer