સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે માગસરે મહાઆફતરૂપી માવઠું

સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે માગસરે મહાઆફતરૂપી માવઠું
સતત બીજા દિવસે કમોસમી વરસાદથી રવી-ખરીફ પાકને વ્યાપક નુકસાન : રાજ્યમાં પારો વધુ ગગડવાની વકી
રાજકોટ,તા.13 : અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરકયુલેશન સક્રિય થયું છે. જેને પગલે આજે પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા સાથેનો વરસાદ નોંધાયો હતો. તો ભરશિયાળે વરસાદ નોંધાતા આ પંથકોમાં ઠંડીનો પારો પણ ગગડયો હતો. સોમનાથથી પોરબંદર દરિયાપટ્ટી, અમરેલી, રાજુલા, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. આજે વહેલી સવારે ગડુ પંથકમાં વરસાદના સામાન્ય ઝાપટા પડયા હતા. માવઠાંના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ માવઠાથી રવિ સીઝનના ચણા, જીરું અને ધાણા તેમજ ખરીફ પાક પૈકી એરંડા અને કપાસને નુકસાન થવા પામ્યું છે. બીજી બાજુ અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. નલિયામાં 14.2 ડિગ્રી અને અમદાવાદમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન 17.3 નોંધાયું હતુ.
સોરઠમાં હવામાનમાં પલટો આવ્યા બાદ આજે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં વહેલી સવારે અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જાંબુડામાં સૌથી વધુ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ માવઠાના કારણે જીરૂ, ધાણા સહિતના રવિ પાકને નુકશાન થયું છે. ઉપરાંત ઢોરનો ચારો પલળી ગયો છે. બપોર બાદ માંગરોળમાં ફરી વરસાદી ઝાપટું પડતા રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત માણાવર પંથકના ગ્રામ્ય વિસ્તારોને પણ વરસાદે ધમરોળ્યા હતા. માવઠાની અસર મગફળીની સરકારી ખરીદી પર પડી છે. ખરીદેલી મગફળી ખુલ્લામાં રખાતા પાંચ હજારથી વધુ ગુણી પલળી ગઈ છે તેમજ જીનીંગમાં કપાસ અને કપાસીયા પણ પલળી ગયા છે.
પોરબંદર શહેરમાં આજે સવારે ચારેક વાગ્યાના સુમારે અચાનક જ વરસાદ વરસવા લાગ્યો હતો. એકધારો અડધો ઈંચ વરસાદ વરસતા લોકો પણ ઊંઘમાંથી ઊઠીને આશ્ચર્યચકિત બની ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને ત્યાર બાદ સવારથી ઠંડીનું જોર વધ્યું હતું.
ભાટીયામાં આજે સાંજના 6:30 વાગ્યા બાદ એકાએક ઝોરદાર વરસાદી ઝાપટું વરસી જતા રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા અને ઠેર ઠેર કીચડરાજ છવાઈ ગયું હતુ. આ કમોસમી વરસાદના કારણે લોકોને તેમજ ખેડૂતોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. આ ઉપરાંત કદવાર તેમજ લટી, હરણાસાની આસપાસના ગામોમાં આજે વહેલી સવારે વાતાવરણમાં એકએક પલટો આવતા એક ઈંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માવઠાના કારણે પંથકમાં ડુંગરી, લસણ, ધાણા, ચણા, ઘઉં, કપાસ જેવા પાકને વ્યાપક નુકશાન થયું છે. આ ઉપરાંત પશુઓનો ચારો અને ખુલ્લામાં પડેલી મગફળી બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી હતી.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ
હવામાનમાં આવેલા પલટા વચ્ચે દેશના અન્ય ભાગોની જેમ જ રાજ્યના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ રહેલો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. અમદાવાદમાં પણ ધુમ્મસ છવાયું હતું. રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતાં ગઇકાલે ઉત્તર ગુજરાતમાં કરા અને વાવાઝોડા સાથે કમોસમી માવઠું પડતાં ખેડૂતોની મુશ્કેલી વધી હતી. દિયોદરમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડયો હતો. બનાસકાંઠાના અંબાજી, અમીરગઢ, પાલનપુર, થરા, ધાનેરા, થરાદ, દાંતીવાડા, ડીસા, ભીલડીમાં પણ વરસાદ ખાબકયો હતો. પાટણ જિલ્લામાં સિદ્ધપુર, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુરમાં પણ માવઠું  પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. મહેસાણા જિલ્લામાં બહુચરાજી પંથકમાં કરા સાથે વરસાદ પડયો હતો. જોટાણા, કડી અને મહેસાણામાં વરસાદ પડયો હતો. તો, સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, સાપાવાડા, પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં પણ છાંટા પડયા હતા. તો, પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં માવઠું થયા બાદ ગઇકાલે માંડવી અને ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer