લીંબડી પાસે રૂ. એકાદ કરોડની મતા સાથેનો આંગડિયાનો થેલો ગુમ

અમદાવાદથી બસમાં રાજકોટ આવતો આંગડિયા પેઢીનો કર્મચારી લીંબડી નાસ્તો કરવા ગયો’ને થેલો ગુમ થઇ ગયો
વઢવાણ, તા. 13: લીંબડી પાસે રૂ. એકાદ કરોડની મતા સાથેનો આંગડિયા પેઢીનો થેલો ગુમ થઇ ગયો હતો. અમદાવાદથી એસ.ટી બસમાં રાજકોટ જતો આંગડિયા પેઢીનો કર્મચારી પ્રવીણ પ્રહલાદભાઇ પટેલ લીંબડી પાસે હોટલ પર નાસ્તો કરવા ગયો અને થેલો ગુમ થઇ ગયો હતો. પોલીસે આંગડિયા પેઢીના કર્મચારીની પૂછપરછ કરવાની સાથોસાથ થેલાની શોધ આદરી છે.
અમદાવાદની રાજેશ નારાયણ નામની આંગડિયા પેઢીનો કર્મચારી પ્રવીણ પ્રહલાદભાઇ પટેલ અમદાવાદથી સોના,ચાંદીના, દાગીના અને રોકડ રકમ સાથેનો થેલો લઇને અમદાવાદ-રાજકોટ ઇન્ટરસિટી બસમાં બેસીને રાજકોટ આવવા નિકળ્યો હતો. એસ.ટી.બસ લીંબડી પાસેની એક હોટલ પાસે ઉભી રહી હતી. ત્યારે આંગડિયા પેઢીનો કર્મચારી પ્રવીણ પટેલ તેની પાસેનો થેલો ડ્રાઇવર પાસે મૂકીને ચા,પાણી અને નાસ્તો કરવા નીચે ઉતર્યો હતો. પરત આવ્યો ત્યારે થેલો ગુમ થઇ ગયો હતો. આ અંગે તેણે પ્રથમ બસના ડ્રાઇવરને વાત કરી હતી. બાદમાં તેના શેઠને થેલો ગુમ થયાની જાણ કરી હતી.
તેના શેઠે સુરેન્દ્રનગરના પોલીસ વડા વગેરેને જાણ કરી હતી.  આંગડિયા પેઢીનો રૂ. એકાદ કરોડની મતા સાથેનો થેલો ઉપડી ગયાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો લીંબડી દોડી ગયો હતો. હોટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતાં. આ ઉપરાંત આંગડિયા પેઢીનો કર્મચારી બસમાં બેઠો તે સ્થળના ફૂટેજ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતાં. આ બનાવ અંગે આંગડિયા પેઢીના કર્મચારી પ્રવીણ પટેલે કરેલી જાણ અંગે જાણવા જોગ નોંધ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે.
થેલો ગુમ થવા પાછળ ઉઠાંતરી છે કે પછી આંગડિયા પેઢીનો માલ ઓળવી જવાનો કારસો છે તે અંગે કર્મચારીની સઘન પુછપરછ હાથ
ધરવામાં આવી છે. હાલમાં કોઇ ફરિયાદ નોંધાઇ ન હોવાનું અને થેલાની તપાસ ચાલતી હોવાનું જણાવાય છે.

એસ.ટી.ની બસ હોટલ પર જ ઉભી રહે છે
લીંબડી ગામે એસ.ટી.નું બસ સ્ટેશન હોવાછતાં એસ.ટી.ની મોટાભાગની બસ હાઇ-વે પર આવેલી હોટલ પર જ ઉભી રહે છે. હોટલના સંચાલકો સાથેની ડ્રાઇવર, કંડકટરની સાંઠગાંઠના કારણે બસ હોટલ પર ઉભી રાખવામાં આવે છે. હોટલ પર ડ્રાઇવર-કંડકટરને ચા,પાણી અને નાસ્તાની મફત સુવિધા આપવામાં આવતી હોવાનું કહેવાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer