પાડોશીના નામે ખાતું ખોલાવીને 41 કરોડના વ્યવહારો કરી નાખ્યા

આયકરની નોટિસ મળતા વિધવા મહિલા ફફડી ઉઠયાં, તપાસ કરી તો તેમના નામે ખાતું નીકળ્યું !
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.13: અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા વિધવા મહિલાના ખાતામાં રુ. 41 કરોડના વ્યવહાર સામે આવતા આવકવેરા ખાતાએ નોટિસ ફટકારી દીધી હતી. અલબત્ત મહિલા આયકરની ઓફિસ ઉપર નોટિસની સ્પષ્ટતા કરવા ગયા ત્યારે ખબર પડી કે પાડોશમાં રહેતી વ્યક્તિએ ખાતું ખોલાવીને તેમના નામે વ્યવહારો કરી નાંખ્યા હતા. મહિલાએ ખાતું ખોલાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.  આ અંગે મળતી વિગતો મુજબ નરોડાના કઠવાડા રોડ પર આવેલી પંચતીર્થ સોસાયટીમાં શિલ્પાબેન મનીષભાઈ અમીન તેના પુત્ર રોહન અને પુત્રી ખુશાલી સાથે રહે છે. વર્ષ 2010માં શિલ્પાબેનના પતિનું અવસાન થયા બાદ થોડા વર્ષ તેમના બહેન સાથે રહેવા ચાલ્યા ગયા હતા. બાદમાં 2017માં ફરી ફરી પંચતીર્થમાં રહેવા માટે આવ્યા હતા અને તે દરમિયાન જ તેમના નામે બોગસ એકાઉન્ટ ખૂલી ગયું હતુ.
1 માર્ચ 2019ના રોજ આયકર ભવન ખાતેથી પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્જેક્શનની નોટિસ આવી ત્યારે શિલ્પાબેન ચોંકી ગયા હતા. જયારે આયકર વિભાગ પાસે તેઓ ગયા ત્યારે ખબર પડી કે તેમના નામે રૂપિયા 41.21 કરોડનું ટ્રાન્જેક્શન થયું છે. આ ખાતું નરોડામાં જ રેણુકા માતા મલ્ટી સ્ટેટ અર્બન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીમાં ખોલાવ્યું હતું. બાજુમાં રહેતા પંકજ રામીએ શિલ્પાબેનના ચૂંટણી કાર્ડ, લાઈટબીલ જેવા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હતો. પંકજ રામીની ભાણી વંદના રામીએ તેના પતિ દિનેશ દ્વારા આ બધા દસ્તાવેજ પડાવ્યા હતા અને ખાતું ખોલાવ્યું હતું
શિલ્પાબેનને જયારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેમના હોંશ ઉડી ગયા હતા અને આખરે નરોડા પોલીસ સ્ટેશનમાં પંકજ રામી સહીત તેમના મદદગાર સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે. આખા કેસમાં હવે પોલીસ ઉપરાંત આવકવેરા વિભાગ પણ હવે તપાસમાં જોડાઈ ગયો છે. પંકજ રામી પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી અને તેને ખોટા દસ્તાવેજો આધારે ખાતું ખોલાવ્યું તેની પાછળનો શું ઈરાદો છે તે પણ જાણવા ઉત્સુક છે.
હાલ પંકજ રામી એટલા માટે શંકાના ઘેરામાં છે કારણ કે જો આટલી મોટી રકમ હોઈ તો કોની છે તે તપાસનો વિષય છે. પોલિસને શંકા છે કે આટલી મોટી રકમના હવાલા પડી ગયા હોઈ તેવું લાગે છે કારણ કે આટલી મોટી રકમ ખાતામાં જમા કરાવ્યા પછી ઉપાડી લેવામાં આવી હોઈ તેવું પણ બની શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer