વેરાવળની મહિલાની દાગીના લૂંટી લેવા હત્યા કરાઇ’તી

વેરાવળની મહિલાની દાગીના લૂંટી લેવા હત્યા કરાઇ’તી
શેરડીના રસના ધંધાર્થીએ  કારની રકમ ચૂકવવા માટે મહિલાનું ખૂન કરીને લાશને કોથળામાં બાંધીને ફેંકી દીધી’તી
વેરાવળ, તા. 13: અહીંની કલ્યાણ સોસાયટીમાં રહેતી 55 વર્ષની ખારવા મહિલા મંજુબહેન આંજણી ઘેરથી મંદિરે દર્શન કરવા અને શાકભાજી લેવા માટે નિકળ્યા બાદ ગુમ થઇ ગઇ હતી. આ અંગે તેના પુત્ર ભાવેશે પોલીસમાં તેની માતા ગુમ થયાની જાણ કરી હતી. જેમાં તેની માતાએ દસ તોલાથી વધુ વજનના દાગીના પહેરેલ હોવાનું જણાવ્યું હતું. આ મહિલાની પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે શોધ શરૂ કરી હતી. દરમિયાન ગઇરાતના વેરાવળ-સોમનાથ રોડ પરના અવવારૂ સ્થળેથી કોથળામાં બાંધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. તેના શરીર પરથી દાગીના ગુમ થઇ ગયાનું જાણવા મળ્યું હતું. આ લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલવા માટે ડીવાયએસપી બાંભણિયા, પીઆઇ એન.જી.વાઘેલા, પીએસઆઇ એચ.બી. મુસાર અને તેના સ્ટાફના જેઠાભાઇ, વીરાભાઇ, નટુભા બસિયા, હિતેષભાઇ વગેરેએ સઘન તપાસ શરૂ કરી હતી. તેના પગલે હત્યા અને લૂંટનો ભેદ ઉકેલાયો હતો.
આ અંગેની વિગતો આપતા ડીવાયએસપી બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુમ થયેલી ખારવા મહિલા મંજુબહેનની શોધખોળ શરૂ કરી હતી. સીસીટીવી કેમેરાના ફુટેજમાં એક શખસ તેને રિક્ષામાં બેસાડીને લઇ જતો નજરે પડયો હતો. તેના આધારે એ શખસની શોધખોળ શરૂ કરી હતી. જેમાં મોટા કોળીવાડ વિસ્તારમાં રહેતો અને બજરંગ સોસાયટીમાં શેરડીના રસની લારી ચલાવતો કોળી શખસ સંજય બારિયા હાથમાં આવી ગયો હતો. તેની સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને મહિલાની હત્યા અને લૂંટની કબુલાત આપી હતી. સંજયે એવું જણાવ્યું હતું કે, તેની શેરડીની  રસની દુકાને દાગીના પહેરીને ખારવા મહિલા મંજુબહેન  અવારનવાર રસ પીવા માટે આવતા હતાં. એકાદ માસ પહેલા તેણે અટીંગા કારની ખરીદી કરી હતી. આ કારના રૂ. ચાર લાખ આપવાના બાકી હતા.આ કર્જ ઉતારવા માટે મંજુબહેનને નિશાન બનાવવાનું નક્કી કર્યુ હતું અને મંજુબહેનને પગના દુ:ખાવાની બીમારી હોય અને તે વૈધ પાસે માલીશ કરાવવા જતાં હોવાની  વિગતો મળી હતી. બનાવના દિવસે તે મંજુબહેનને વિશ્વાસમાં લઇને માલીશ કરાવવા માટે રિક્ષામાં બેસાડીને ડાભોર રોડ પર કોમ્યુનિટી હોલ સુધી લઇ ગયો હતો. ત્યાંથી તેને તેની કારમાં બેસાડીને વૈધ પાસે લઇ ગયો હતો. બાદમાં તેને ઘેર મૂકવાના બહાને કારમાં બેસાડીને  ઓજી વિસ્તાર એવા ડારી ગામની સીમમાં અવવારૂ દરિયા કાંઠે લઇ ગયો હતો. ત્યાં મહિલાને સોનાના દાગીના આપી દેવાનું જણાવ્યું હતું. પરંતુ તેણે દાગીના આપવાનો ઇન્કાર કરી દીધો હતો આથી મંજુબહેને ધક્કો મારીને કારની સીટ પર પછાડી દઇને તકિયો તેના મોઢે મુંગો દઇને હત્યા કરી હતી. બાદમાં સોનાના દાગીના લૂંટી લીધા હતાં અને મૃતદેહને કારમાં છુપાવીને કારને ભવાની હોટલ પાસેના ખાંચામાં મૂકી દીધી હતી. રાતના સમયે કાર પર આવીને મંજુબહેનના મૃતદેહને બાચકામાં ભરીને વેરાવળ-સોમનાથ રોડ પર અવવારૂ જગ્યાએ ફેંકી દીધો હતો. લૂંટી લીધેલા દાગીના પૈકીના કેટલાક દાગીના  સોના સામે ધીરાણ કરતી કંપનીમાં ગીરવે મૂકીને નાણા લીધા હતાં. થોડાક દાગીના એક સોની વેપારીને ત્યાં વેચાણ કરવા જતાં ઝડપાઇ ગયો હતો. આ વિગતના આધારે પોલીસે સંજય બારિયાની ધરપકડ કરી હતી. તેની પાસેની સોનાના દાગીના કબજે કરવા  અને તેને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આજે પોલીસને આવેદન અપાશે
સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ  દ્વારા આવતીકાલ તા. 14મીએ સવારે અગિયાર વાગ્યે સમાજના લોકો એકત્ર થશે અને રેલી સ્વરૂપે બંદર રોડ, ગાંધી ચોક, સટ્ટાબજાર, ટાવર ચોકમાં ફરીને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપશે તેમ ખારવા સમાજના પટેલ લખમણભાઇ ભેંસાલએ યાદીમાં જણાવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer