મનપાની સ્ટેન્ડિંગ બેઠકમાં 1.38 કરોડના કામ મંજૂર

ડ્રેનેજ કામ માટે 89,57,830, સફાઇ માટે વાર્ષિક 22,81,454, મેડિકલ સહાય માટે 16,18,314 ખર્ચની મંજૂરી
રાજકોટ તા.9 : મનપામાં આજે સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ.1.38 કરોડના 145 જેટલા વિકાસકામોને માત્ર એક મિનિટમાં મંજૂરી આપવામાં આવી હતી.
આજરોજની સ્ટેન્ડિંગ બેઠકના એજન્ડામાં રહેલી તમામ 28 દરખાસ્તો મંજુર કરાઇ હતી જેમાં મનપાની વિવિધ શાખાઓના કર્મચારીઓ અને તેના પરિવારજનોને તબીબી સહાય ચૂકવવા અંગેની 10 દરખાસ્તો ઉપરાંત વોર્ડ નં.15માં ગંજીવાડા મહાકાળી ચોકથી ભંગાર બજાર-ભાવનગર રોડ અને ભંગાર બજાર-ભાવનગર રોડ થી ચુનારાવાડ પંપીગ સ્ટેશન સુધી હયાત ડ્રેનેજ પાઈપ લાઈન બદલવા રુ.89, 57,830નો ખર્ચ , વરસાદી પાણીના નિકાલ માટે એન્જિન ડિઑવન ટ્રોલી માઉન્ટેડ ડીવોટરિઝગ પંપ નંગ-9 ( પ્રતિ નંગ દીઠ રુ.1 લાખની કિંમત અનુસાર કુલ રુ.9 લાખ)નું બિલ તાત્કાલિક ધોરણે સ્ટેન્ડિગ કમિટીની પૂર્વ મંજૂરીની અપેક્ષાએ ખરીદાયાં હતાં તેનું બિલ પેમેન્ટ મંજૂર કરવા, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ અને તેને ધિરાણ આપનાર બેંક/નાણાકીય સંસ્થા સાથે ત્રિપક્ષીય કરાર કરવા અંગે નિર્ણય લેવા, ગુલાબ નગર કોમ્યુનિટી હોલનું સંચાલન રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનને દત્તક યોજના હેઠળ ત્રણ વર્ષ માટે આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.
આ ઉપરાંત કોઠારીયા રોડ હુડકો કોમ્યુનિટી સેન્ટર નું સંચાલન નટરાજ સોશ્યલ ગ્રુપને દત્તક યોજના હેઠળ વિશેષ ત્રણ વર્ષની મુદત માટે સોંપવા, સ્વતંત્રતા પર્વ-2019 ની ઉજવણી અંતર્ગત આયોજિત સ્પર્ધાઓનો ખર્ચ રૂ.37,494, બાળ તંદુરસ્તી હરીફાઈનું ખર્ચ રુ.9,274, એસી ફૂટ રોડ પર આવેલા મનપાના  ઢોરડબ્બાની બાજુમાં બનાવવામાં આવેલ બાયો મિથેનનેશન પ્લાન્ટના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપવા, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલ ક્રિકેટ માટે રેસકોર્સ ક્રિકેટ એકેડેમી અને વિમેન્સ ક્રિકેટ એકેડમીને વધુ એક વર્ષ માટે ભાડેથી આપવા સહિતની મહત્વપૂર્ણ દરખાસ્તોનો સમાવેશ થાય છે.
આમ આજની સ્ટેન્ડિંગ બેઠકમાં ડ્રેનેજ કામ માટે 89,57,830નો ખર્ચ, સફાઇ માટે વાર્ષિક 22,81,454નો ખર્ચ, મશીનરી ખરીદી માટે 9,13,779, મેડિકલ સહાય માટે 16,18,314 , સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમોનો 46,768નો ખર્ચ, અંધજન મંડળને જાહેરાતનો રુ.10000નો ખર્ચ સહિતની રકમ મંજુર કરાઇ હતી. જ્યારે ક્રિકેટ વિકેટ ભાડા પેટે રુ.1,11,200ની આવક મંજૂર કરાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer