મનપામાં ડઝનેક અધિકારીની આંતરિક બદલીથી તર્ક-વિતર્ક

મનપામાં ડઝનેક અધિકારીની આંતરિક બદલીથી તર્ક-વિતર્ક
નિવૃત્તિ ટાણે જ આસિ.મેનેજર મંકોડીની અન્ય વિભાગમાં બદલી : ટ્રાફિક શાખાના મનીષ વોરાને ગુપચુપ લંડન પ્રવાસ ભારે પડયો !
રાજકોટ તા.9 : મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે આજરોજ કોર્પોરેશનના 12 જેટલા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર તેમજ આસિસ્ટન્ટ મેનેજરોની બદલીના ઓર્ડર કરતાં કર્મચારી વતુર્ળોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. કમિશનર બ્રાન્ચમાં જેઓને નિવૃત્તિને આડે માંડ 20 દિવસ બાકી બચ્યાં છે તેવા આસિસ્ટન્ટ મેનેજર એસ.એ.મંકોડીને આરોગ્ય શાખામાં આસિસ્ટન્ટ મેનેજરનો હવાલો સોપાયો હતો જ્યારે લંડન લઈને વાયા લખનઉની છાનામાના ટૂર કરનારા મનીષ વોરાને ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખામાંથી સ્થળાંતરિત કરી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનો હવાલો સોંપાયો હતો.
કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યાનુસાર વોરાએ પોતાના વિદેશ પ્રવાસ અંગે કોર્પોરેશનને આગોતરા જાણ કરી ન હતી જેનો બદલો વાળવામાં આવ્યો છે. વેરા વસૂલાત શાખા ઈસ્ટ ઝોનના આસિસ્ટન્ટ મેનેજર સમીર ધડૂકને વ્યવસાય વેરાની કામગીરી તેમજ વિજિલન્સ ઓફિસર તરીકેની કામગીરી અને મહેકમ શાખામાં જસ્મીન રાઠોડ હસ્તકની તમામ કામગીરી તેમજ વિજિલન્સ ઓફિસર તરીકેની કામગીરી સોંપવા હુકમ કરાયો છે જયારે જસ્મીન રાઠોડને મહેકમ અને લીગલ શાખામાંથી સ્થળાંતરિત કરીને ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના આસિસ્ટન્ટ મેનેજર બનાવવામાં આવ્યાં છે.
આ ઉપરાંત આસિ.કમિશનર હર્ષદ પટેલને તેમની મૂળભૂત કામગીરી ઉપરાંત વસ્તી ગણતરી અને ચૂંટણીની કામગીરી તેમજ સામાન્ય વહીવટ વિભાગની કામગીરી સોંપાઈ છે. ફાયર બ્રિગેડ શાખાના નીરજ વ્યાસને વેસ્ટ ઝોન ટેક્સ બ્રાંચમાં મુકવામાં આવ્યા છે. સેન્ટ્રલ સ્ટોર્સના સંચાલક તરીકે કાર્યરત કૌશિક ઉનાવાને ભૂમિ પરમારના સ્થાને આવાસ યોજના વિભાગમાં મેનેજર તરીકે મૂકવામાં આવ્યા છે. આવાસ યોજનાના મેનેજર ભૂમિ પરમારને પ્રોજેક્ટ શાખામાં નિમણૂક અપાઈ છે. વ્યવસાય વેરા અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ની કામગીરી સંભાળતા આસી. મેનેજર વિપુલ ઘોણીયાને મહેકમ શાખામાં મુકવામાં આવ્યા છે. મહેકમ શાખાના આસિસ્ટન્ટ મેનેજર કાશ્મીરા વાઢેરને જીએડી બ્રાંચમાં મેનેજર તરીકે મૂકવામાં આવ્યા છે. કૌશિક ઉનાવાને સ્ટોર્સમાંથી આવાસ યોજના વિભાગમાં ભૂમિ પરમારના સ્થાને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત બાંધકામ શાખામાં જુનિયર ક્લાર્ક તરીકે કાર્યરત પ્રણવ પંચોલીને સેન્ટ્રલ સ્ટોર્સના સંચાલકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer