30 પાંજરા ને શાર્પશૂટર તૈનાત પણ દીપડો હજુ દેખાતો નથી !

30 પાંજરા ને શાર્પશૂટર તૈનાત પણ દીપડો હજુ દેખાતો નથી !
બગસરામાં દીપડાને દેખો ત્યાં ઠાર કરવા તૈયારી... પણ ક્યાંય પત્તો લાગતો નથી
(ફૂલછાબ ન્યૂઝ)
બગસરા,તા. 9 : બગસરા તાલુકામાં દીપડાના હુમલાની પ્રથમ ઘટના બન્યા બાદ આજે પાંચમાં દિવસે પણ દીપડો પકડની બહાર રહ્યો હતો. તંત્ર દ્વારા દિવસભર મહેનત કરવા છતાં દીપડો હાથ લાગ્યો ન હતો. તેમજ 30 જેટલાં પાંજરા મુકવા છતાં કોઇ પરિણામ મળતું દેખાતું નથી. બગસરા તાલુકામાં મોટી     મુંજીયાસર ગામે ખેતરમાં આધેડ પર કરેલા હુમલાને આજે પાંચમો દિવસ વિત્યા છતાં માનવભક્ષી દીપડો તંત્રના હાથ લાગ્યો ન હતો. વન વિભાગ તથા પોલીસ દ્વારા અલગ ટીમો રચીને તેને પકડવા માટે પ્રયત્નો આ ઉપરાંત શાર્પ શૂટર, ડ્રોન કેમેરા તેમજ 30 જેટલા પાંજરા મુકવા છતાં આ દીપડો હાથ ન લાગતાં તંત્ર જાણે હવાતિયાં મારતો હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. દીપડો હાથમાં ન આવતા ખેડૂતોમાં હજુ પણ ભયનો માહોલ ફેલાયેલો દેખાય છે. આ ઉપરાંત અનેક ગામોમાંથી દીપડો આવ્યો હોવાની અને કેટેલાય લોકોએ તેને નિહાળ્યો હોવાની અલગ અલગ પ્રકારની અફવાઓ પણ ચાલતી રહી છે જેને લીધે પણ તંત્રની કામગીરીમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે.
બગસરા શહેરથી જેતપુર રોડ પર આવેલા સરાણીયાઓની વસ્તીમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડા દ્વારા જ્યાં મોટા મુંજીયાસર ગામે હુમલો કરવામાં આવેલો છે તે સ્થળથી માત્ર બે કિલોમીટરના અંતરમાં આ વસ્તી આવેલી છે. તંત્ર દ્વારા લોકોને ઘરની અંદર સુવા માટેની સૂચના આપવામાં આવે છે ત્યારે આ લોકોનાં ઘર ખુલ્લા હોવાથી રાતના સમયે આ લોકો પોતાના બાળકો વિશે ચિંતિત રહે છે.
હાલના સમયમાં દરરોજ રાત્રે ચિંતા અને ડર વચ્ચે આ લોકો ગુજારી રહ્યાં છે. આ પૈકીના ઘણાં ઘરોમાં તો ઘરની આગળ આખી રાત્રિ દરમિયાન આગ સળગાવીને પોતાના ઘરના સભ્યોની સુરક્ષા માટેની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. તંત્ર આ લોકોને કોઇપણ પ્રકારની મદદ કરી શકે તેવું લાગતું નથી. પરંતુ દીપડો આ વિસ્તારમાં પણ હુમલો કરે તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે.
 
ડોળાસાની ગોંદરપરા શાળા નજીક દીપડો દેખાતા ફફડાટ
ડોળાસા,તા. 9 : જંગલી જાનવરોના ધાડા ઉતરી પડ્યા હોય તેમ ડોળાસાની ગોંદરાપરા શાળા નજીક દીપડાએ દેખા દેતા બાળકોના જીવ જોખમમાં મૂકાઈ ગયા છે. તાલુકાના ડોળાસા ગામ અને આજુબાજુના ગામડાઓની સીમમાં જંગલી જાનવરોના જાણે ધાડા ઉતરી પડયા હોય તેમ ગામે ગામ મારણ કર્યાનાં અને દેખા દીધાનાં સમાચાર મળી રહ્યા છે. તેમાંય દીપડાનો ભય શાળાના બાળકોથી માંડી રાત્રે વાડીએ પિયત કરતા ખેડૂતોને સતાવી રહ્યો છે.  કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ગોંદરાપરા શાળાની સામે આવેલા બાવળના ઝુંડમાં એક વિકરાળ દીપડો છેલ્લા કેટલાય દિવસોથી ધામા નાખીને પડયો છે. રબારીઓના ઘેટા-બકરાનું મારણ મળી રહે છે. પણ શાળામાં ભણતા નાના નાના બાળકોમાં ભય છવાયો છે. આ શાળાના આચાર્ય દ્વારા તકેદારીના પગલાં લેવાયા છે. રિશેષમાં બાળકોને શાળાના મેદાનમાંથી જવા દેવાતા નથી. શાળામાં આવન જાવન સમયે શિક્ષકો ઉભા રહે છે. છતાં પણ બાળકોના જીવ જોખમમાં છે. જંગલ ખાતુ સત્વરે પગલાં લે તેવી માગ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer