પાટનગરમાં કોંગ્રેસની કૂચને વોટર કેનનથી ‘બ્રેક’ મારવાનો પ્રયાસ

પાટનગરમાં કોંગ્રેસની કૂચને વોટર કેનનથી ‘બ્રેક’ મારવાનો પ્રયાસ
અમિત ચાવડા સહિતના નેતાઓને ટીંગાટોળી કરી લઈ જવાતા કાર્યકરો’ને પોલીસ વચ્ચે ઝપાઝપી
અમિત ચાવડા ફાટેલા ઝભ્ભા સાથે વિધાનસભામાં પહોંચતા ધારાસભ્યો ચકિત
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.9: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકુ સત્ર આજથી શરૂ થઇ ગયું છે, જો કે કોંગ્રેસે આ દરમિયાન મંદી, મોંઘવારી, મહિલા સુરક્ષા, બેરોજગારી, બિનસચિવાલય ભરતી પરીક્ષા કૌભાંડ વગેરે મુદ્દે સરકાર પર દબાણ સર્જવા માટે ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ પોલીસે કોંગ્રેસની કૂચને વોટર કેનનનો મારો ચલાવી અટકાવી હતી.  પાણીનો મારો ચલાવતા કાર્યકરો ઉશ્કેરાયા હતા અને બેરિકેડ તોડીને પથ્થરમારામાં પોલીસની ગાડીના કાચ તોડતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. સરકારે કોંગ્રેસને સત્યાગ્રહ છાવણી ખાતે માત્ર સભાની મંજૂરી આપી હતી આથી તેમને કોઇપણ ભોગે વિધાનસભા પહોંચતા અટકાવવા માટે પોલીસે પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા ભવન પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી હતી. પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિત અનેક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.  અમિત ચાવડા સહિત અન્ય કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડી દીધા હતા. આ ઝપાઝપી દરમિયાન અમિત ચાવડાનો ઝભ્ભો ફાટી ગયો હતો. જો કે અમિત ચાવડા આવી સ્થિતિમાં જ વિધાનસભા પહોંચ્યા હતા. અમિત ચાવડા ફાટેલા ઝભ્ભા સાથે પ્રવેશતા તમામ ધારાસભ્યો આશ્ચર્યમાં મૂકાઈને ચક્તિ થઈ ગયા હતા.
રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિતના મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રાજ્યભરમાંથી પક્ષના કાર્યકરોને ગાંધીનગર પહોંચવા માટે આહવાન કર્યુ હતું. સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલી સભામાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. 
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં પ્રજા દુ:ખી અને ત્રસ્ત છે. ગુજરાતમાં અંગ્રેજોને શરમાવે તેવું શાશન છે. દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભ્રષ્ટાચાર બંધ કરોના સૂત્રોચાર સાથે સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. જો કે કોંગ્રેસને રેલીની મંજુરી અપાઇ ન હોવા છતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિધાનસભા તરફ કૂચ કરી ગયા હતા. આ સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. જેમાં કેટલાક કાર્યકરો ઘાયલ થયા હતા. પરિણામે  ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વરુણ વાહન ઉપર પથ્થરમારો કરીને તેના કાચ તોડી નાખ્યા હતા. પોલીસનું કહેવું છે કે, ટોળામાંથી કેટલાકે પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસને બળપ્રયોગ કરવો પડયો હતો. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની 10 થી વધુ ગાડીઓ ભરીને અટકાયત કરી હતી.
દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતુ ંકે, આ સરકારની તાનાશાહી છે. સરકાર બળાત્કારીઓને  પકડી નથી શકતી, પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવી નથી શકતી  અને વિરોધ પક્ષનો અવાજ સાંભળવાને બદલે પોલીસને આગળ કરી તાનાશાહી કરી રહી છે. આ સરકારનો દમન છે.
ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ કોંગ્રેસના દેખાવો અંગે તીવ્ર પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતુ ંકે, કોંગ્રેસે આજે પોતાની વિધાનસભા કૂચને હિંસક કૂચ બનાવવાનો પ્રયાસ કર્યો તે નિંદનીય છે.
રાયોટિંગ અને એસોલ્ટનો ગુનો દાખલ થઈ શકે
કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભા કૂચ દરમિયાન મચાવાયેલા હોબાળા વખતે પોલીસ પર થયેલા પથ્થરમારા અને પોલીસ વાહનોની તોડફોડ મામલે તેમજ એક સાથે હજારો લોકો એકઠા થઈ હલ્લાબોલ આંદોલન કરવા બદલ પોલીસ દ્વારા રાયોટિંગ, એસોલ્ટ, પોલીસના જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ થઈ શકે છે, તેવી ચર્ચાએ જોર પકડયું હતું.
ભાવનગરના કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાની અટકાયત
ભાવનગર : ગાંધીનગરમાં કોંગ્રેસ વિધાનસભા ઘેરાવ કરવા માટે ભાવનગર શહેરમાંથી આગેવાનો, કાર્યકરો એક મીની બસ અને બે કાર લઇને ગાંધીનગર જવાના હતા પરંતુ પોલીસને તા વાતની જાણ થતા રાત્રે 2.30 વાગ્યે જ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી અને મ્યુનિસિપાલીટીના વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલના ઘરેથી પોલીસે કલમ 61 મુજબ બંનેની અટકાયત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer