રશિયા પર વાડાનો પ્રતિબંધ: ઓલિમ્પિક અને ફૂટબોલ વર્લ્ડ કપમાંથી આઉટ

રશિયા પર વાડાનો પ્રતિબંધ: ઓલિમ્પિક અને ફૂટબોલ વર્લ્ડ કપમાંથી આઉટ
21 દિવસની અંદર અપીલ કરી શકશે: ડોપિંગમુકત રશિયન ખેલાડીઓ તટસ્થ ધ્વજ હેઠળ રમી શકશે
નવી દિલ્હી, તા. 9 : વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે રશિયા આવતા ચાર વર્ષ સુધી કોઇ પણ પ્રકારના આંતરરષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લઇ શકશે નહીં. રશિયા પરના પ્રતિબંધને લીધે તે આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક અને કતારમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ-2022માંથી પણ બહાર થઇ ગયું છે.
વાડાએ રશિયા પર આકરો પ્રતિબંધ ડોપિંગ વિરોધી પ્રયોગશાળાના ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના લીધે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. વાડાના પ્રવકતાએ કહયું છે કે આ ફેંસલો સર્વસમંતિથી લેવામાં આવ્યો છે. રશિયા પર ભલે પ્રતિબંધ મુકાયો, પણ તેના ખેલાડીઓને ડોપિંગ મામલે વાડા તરફથી કલીન ચિટ મળશે તો તેઓ તટસ્થ ધ્વજ હેઠળ ઓલિમ્પિક સહિતના વૈશ્વિ રમતોત્સવમાં ભાગ લઇ શકશે. વાડાની સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી બેઠકમાં રશિયા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.
વાડાના આ પ્રતિબંધ પર રશિયા 21 દિવસની અંદર અપીલ કરી શકે છે. જો તે આવું કરશે તો મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)ને મોકલવામાં આવશે. વાડાના  ઉપાધ્યક્ષ લિંડા હેલેલેડએ કહયું છે કે રશિયા પર આ પ્રતિબંધ પર્યાપ્ત નથી. પ્રતિબંધને લીધે રશિયા ઓલિમ્પિક-2032ના યજમાનપદ માટે દાવો પણ નોંધાવી શકશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer