કર્ણાટકમાં યેદીનું મિશન સફળ

કર્ણાટકમાં યેદીનું મિશન સફળ
પેટાચૂંટણીમાં ભાજપની 15માંથી 12 બેઠક પર જીત મળી જતાં સ્પષ્ટ બહુમત

બેંગલોર, તા. 9 : કર્ણાટકમાં 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીમાં 12 બેઠક પર કમળ ખિલવતાં જનાદેશથી ભાજપના મહાવિજય સાથે યેદીયુરપ્પા સત્તાનો જંગ જીતી ગયા છે. કેસરિયા પક્ષને 224 સભ્યોની વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે. પક્ષની જીત પર આનંદ સાથે યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, હવે કોઈપણ સમસ્યા વિના સ્થિર સરકાર ચલાવી શકાશે.
યેદીયુરપ્પાને સરકાર રચવા માટે કમસેકમ છ બેઠકો પર જીત જરૂરી હતી જે કેસરિયા પક્ષના ખાતામાં આવી ચૂકી છે. પેટાચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શનના પગલે દક્ષિણ ભારતીય રાજ્યમાં પોતાની સરકાર બચાવવામાં યેદીયુરપ્પા સફળ થયા છે.
આ પેટાચૂંટણી જંગમાં ભાજપનો વોટ પર્સન્ટેજ એટલે કે, મતોની ટકાવારી પણ વધી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર પક્ષને લગભગ 50 ટકા મત મળ્યા છે.
બીજી તરફ, એચ.ડી. કુમાર સ્વામીના પક્ષ જેડી--એસને મોટો ઝટકો લાગ્યો છે. આ પક્ષને એકપણ બેઠક પર જીત નથી મળી.
 

ઝારખંડ : ત્રિશંકુના ડર વચ્ચે મોદીના પ્રહાર
ચૂંટણી સભામાં કર્ણાટકનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન
બરહી (ઝારખંડ), તા. 9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનથી પહેલાં આજે ચૂંટણીપ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ બરહીમાં ચૂંટણીસભા યોજી હતી. મોદીએ પોતાના ભાષણમાં કર્ણાટક પેટાચૂંટણીના પરિણામોના સંદર્ભમાં ભાજપની મજબૂત સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, જો ઝારખંડનો વિકાસ ઈચ્છતા  હો તો ભાજપને પૂર્ણ બહુમતી અપાવો.
કર્ણાટકમાં રાજકીય સંકટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, જો ત્રિશંકુ પરિણામ આવશે તો કર્ણાટકની જેમ જ અહીં પણ રાજ્યને મુશ્કેલીમાં મૂકનારા લોકો મેદાનમાં આવી જશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં મતગણતરી જારી છે. બપોર સુધીના વલણમાં ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત થઇ ચૂકી હતી.
કર્ણાટકની અગાઉની કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, ભાજપને રોકવા માટે આ લોકોએ જે મુખ્યમંત્રીને સત્તા સોંપી હતી તેમને પણ રોજ બંદૂક બતાવવામાં આવતી હતી. મુખ્યમંત્રી પ્રજાની વચ્ચે વારંવાર રડતા નજરે પડતા હતા. કર્ણાટકના મુખ્યમંત્રીની હાલત અપહરણ કરવામાં આવેલા વ્યક્તિ કરતાં પણ વધુ ખરાબ હતી.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ સાબિતી આપે છે કે, ચૂંટણીમાં ભાજપને સરકાર બનાવવાની તક મળી હતી પરંતુ કોંગ્રેસે પડદા પાછળ રમત રમીને ભાજપની સરકાર બનવા દીધી ન હતી પરંતુ પ્રજાએ હવે સજા આપી દીધી છે.

સિદ્ધારમૈયા સહિત કોંગી નેતાઓનું રાજીનામું
બેંગલોર, તા. 9 : કર્ણાટક વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ વિધાનસભા પક્ષના નેતા એમ. સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, તેમણે વિપક્ષી નેતાનું પદ પણ છોડી દીધું છે. રાજીનામાંની ઘોષણા કરતાં સિદ્ધાર મૈયાએ જણાવ્યું હતું કે, વિધાનસભા પક્ષના નેતા તરીકે લોકતંત્રનું સન્માન કરવું મારી ફરજ છે.
મેં સોનિયા ગાંધીને રાજીનામું સોંપી દીધું છે તેવું કર્ણાટકના મુખ્યપ્રધાન પદે પણ પાંચ વર્ષ સુધી રહી ચૂકેલા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું.
સિદ્ધારમૈયા બાદ કર્ણાટક કોંગ્રેસપ્રદેશ સમિતિના અધ્યક્ષ દિનેશ ગુંડુરાયે પણ રાજીનામું આપી દીધું હતું.
પક્ષે ચૂંટણીની જવાબદારી મને આપી હતી એ જોતાં હારની નૈતિક જવાબદારી પણ મારી છે એટલે રાજીનામું આપું છું તેવું રાવે કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer