કુતિયાણા નજીક ટ્રકે અડફેટે લેતા માલધારી અને એક ઘેટાનું મૃત્યુ

ભાઈની નજર સામે જ ભાઈએ દમ તોડયો:  કિંદરખેડા નજીક બે ફોર વ્હીલ વચ્ચે અકસ્માત
પોરબંદર, તા.8 (ફૂલછાબ ન્યૂઝ) કુતિયાણા નજીક ટ્રકે અડફેટે લેતા માલધારી આધેડની નજર સામે જ તેના સગા ભાઈ અને એક ઘેટાનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે કિંદરખેડા-બગવદર રોડ ઉપર બે ફોર વ્હીલ વચ્ચે અકસ્માતનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
કુતિયાણા-પોરબંદર સ્ટેટ હાઈવે પર સર્જાયેલા અકસ્માતની વિગત એવી છે કે બાલોચના કરશનભાઈ ડાયાભાઈ ગરચર અને તેના મોટા ભાઈ વિરાભાઈ ડાયાભાઈ ગરચર નામના માલધારીઓ હાઈવે ઉપરથી પોતાના 80 ઘેટાઓને ચરાવીને પસાર થતા હતા.  મારૂતિ હોટેલથી બાલોચ તરફ બે રસ્તાના ફાંટા પડે છે ત્યાં એક ઘેટું બિમાર હોવાથી કરશનભાઈ ફૂટપાથ ઉપરથી આ ઘેટાને હંકારીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે કુતિયાણા તરફથી ફૂલસ્પીડે આવી રહેલા અજાણ્યા ટ્રકના ચાલકે કરશનભાઈ અને ઘેટાને હડફેટે લઈ લેતા બન્ને ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ પોલીસ આવતા મૃતદેહને રિક્ષામાં સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો. 
મોઢવાડા ગામે સુંડાવદરા સીમમાં રહેતા ભરત રામભાઈ મોઢવાડીયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે કિંદરખેડાથી બગવદર જતા રસ્તે પોતાની બોલેરો ગાડી લઈને નીકળ્યો ત્યારે મોઢવાડાના કારા લખુ મોઢવાડીયા મહિન્દ્રા ટી.યુ.વી. ગાડી લઈને ફૂલસ્પીડે આવતો હતો અને ભરતની ગાડીને અડફેટે લઈને નુકસાન કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer