તળાજામાં સોસિયા ગામમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો: 1ની ધરપકડ

એક જ ત્રીપાત્રના લફરામાં કરૂણ અંજામ : એકને જેલમાં, બીજાને યમલોક પહોંચાડતી ‘માયા’ !
(ફૂલછાબ ન્યૂઝ) તળાજા, તા.8: તળાજાના અલંગ નજીક આવેલ સોસિયા ગામના યુવકની ગઈકાલ સવારે પ્લોટ ન.144 સામે આવેલ દરિયા કિનારેથી નિર્મમ હત્યા થેયલ લાશ મળી આવી હતી.પોલીસે 24 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ત્રાપજ ગામના યુવકની હત્યામાં ધરપકડ કરી છે. વધુ કેટલા હત્યારાઓ છે તે માટે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અને હત્યારો બન્ને માયા નામની સ્ત્રીના મોહમાં હતા. જેનો અંજામ હત્યા સુધી પહોંચ્યો હતો.
અલંગ મરીન પોલીસ મથકમાં સોસિયા ગામના વિનોદ ગાવિંદભાઇ ઢાપા (ઉવ41)એ પોતાના ભાઈ કાના (ઉવ30)ની અજાણ્યા ઈસમોએ ગળા, પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતારી સોસિયા યાર્ડના પ્લોટ 144 સામે દરિયા કિનારે લાશ ફેંકી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
હત્યાના બનાવના પગલે સીપીઆઈ બી.પી. ચૌધરી, એલ.સી.બી., એસઓજી અને મરિન પો.સ.ઇ. મહેશ્વરી તથા સ્ટાફના હે.કો. દિનેશ માયડા, જગદીશ પ્રેમજીભાઈ, રણજીતાસિંહ પરમાર, અરાવિંદભાઈ સહિતના સ્થાનિક સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
પોલિસની અલગ અલગ ટીમ માયા નામની યુવતી સાથેનું પ્રેમ પ્રકરણ, મૃતક અલંગ યાર્ડમાં અગાઉ ભંગાર ચોરીમાં આવેલ હોય તે બાબત, રૂપિયાની લેતી દેતી, થોડા સમય પહેલા થયેલ મારામારી જેવા વિષયોને લઈ તપાસમાં જોતરાઈ હતી.
જો કે હત્યા કરાયેલ કાના ઢાપાની લાશ મળતા જ કાનાએ રાત્રે પાર્ટી કરી હતી તેવી વાત સંબધિતમાં વહેતી થઈ હતી જે પોલીસ માટે મહત્વની કડી બની હતી.
પોલીસે જણાવ્યું હતુંકે હત્યાના કામે ત્રાપજના દરબાર ગઢ ખાતે રહેતા જગદેવાસિંહ ઉર્ફે જયદીપાસિંહ અશોકાસિંહ ગોહિલ (ઉવ 20)ની સાંજના સાત કલાકે ધોરણસરની અટક કરી છે. જગદેવાસિંહ પ્લોટ ન 1 માં વોચમેન તરીકે નોકરી કરે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યારા જગદેવાસિંહે પોલીસને જણાવ્યું હતું કે પોતે ‘માયા’ નામની યુવતીના મોહમાં હતો. અગાઉ માયા સાથે મૃતકને પણ સંબધ હતા.
મૃતકે માયાને ગાળ આપી હતી. એના લીધે ગતરાત્રે વિલાયતી દારૂની પાર્ટી સોસિયા ગુરુકુલની સામે ખુલી જગ્યામાં કરી હતી. બાદમાં ફરી મૃતકને પ્લોટ 141 સામે ચીક્કાર દારૂ પીવડાવવામાં આવ્યો હતો. બાદ માં 144  સામે લઈ જઈ નશામાં ધૂત કાનાને વેંતરી નાખવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer