લોકસભામાં નાગરિકત્વ ખરડો દાખલઃ ખરડો ખોટો હોય તો સાબિત કરો: શાહનો લલકાર

લોકસભામાં નાગરિકત્વ ખરડો દાખલઃ ખરડો ખોટો હોય તો સાબિત કરો: શાહનો લલકાર

ભેદભાવની નેમ નથી, રાજકીય એજન્ડા નથી ા પડોશીદેશોના અલ્પસંખ્યકોની ચિંતા ન હોય?
 
જેડી(યુ), બીજેડી, વાયએસઆર કોંગ્રેસ, એલજેપીએ આપ્યું સમર્થન  
નવી દિલ્હી, તા. 9: નાગરિકત્વ (સુધારા) ખરડો આજે લોકસભામાં રજૂ કરતા ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષોએ કરેલા આક્ષેપોને નકારતા સણસણતો જવાબ આપતાં જણાવ્યું હતું કે તો તમે આ ખરડાને ખોટો હોવાનું અને તે કોઈના ય તફર ભેદભાવ કરવાની નેમ ધરાવતો હોવાનું સાબિત કરી આપો તો હું તે પાછો ખેંચી લઈશ. ભારતની લઘુમતીઓની આપણે ચિંતા કરીએ છીએ તો શું બાંગલાદેશ, અફઘાનિસ્તાન  કે પાકિસ્તાનમાંના અલ્પસંખ્યકોની ચિંતા ન કરવાની હોય ? અમે જે ખરડો લાવ્યા છીએ તે અમારી ઘોષણા મુજબનો છે.  ખરડા પરની ચર્ચાનો આરંભ કરતા મંત્રી શાહે જણાવ્યું હતું કે લાખો કરોડો લોકોને ત્યાંથી ધકેલી દેવાતા આવ્યા છે, કોઈ પણ વ્યક્તિ પોતાનો દેશ તો શું ગામ સુધ્ધાં છોડવા નથી ઈચ્છતો હોતો. કેટલી હદે તેઓ અપમાનિત થયા હશે કે અહીં આવવા નોબત આવી હશે. આટલા વર્ષોથી રહેનારાઓને ન શિક્ષણ, ન રોજગાર, ન નાગરિકતા કે ન કોઈ અન્ય સુવિધા મળી. આ ખરડો પસાર થતાં લાખો લોકોએ નરક જેવી યાતનામાંથી મુક્તિ મળી જશે અને તેઓ ભારતના નાગરિક બની જશે. આ ખરડો કોઈ પ્રકારનો ભેદભાવ નથી કરતો, ધર્મના આધારે ઉત્પીડન વેઠનારાઓને શરણ આપવાની નેમ રાખે છે.
ખરડામાંની કેટલીક જોગવાઈઓ વિશે વિપક્ષે ઉઠાવેલા વાંધા સંબંધે તેમણે કહ્યું હતું કે ધર્મ કે પંથના આધારે કોઈ સાથે દુર્વ્યવહાર નહી થાય. અલબત્ત કોઈ પણ સરકારનું એ કર્તવ્ય છે કે તે દેશની સીમાઓનું રક્ષણ કરે. શું આ દેશને સૌ માટે ખૂલ્લો મૂકી દઈ શકાય ? એવો કયો દેશ છે જેણે બહારના લોકોને નાગરિકતા આપવા કાનૂન ન બનાવ્યા હોય ?
નાગરિકતાને લઈ આ પ્રકારનો કાનૂન અગાઉ પણ બન્યો છે એમ જણાવી ગૃહ મંત્રીએ કહ્યું હતું કે ’47માં લાખો લોકોએ ભારતની શરણ લીધી હતી અને આપણે તેઓને નાગરિકતા આપવા સાથે તમામ અધિકાર આપ્યા હતા. એ પૈકીના લોકોમાંથી જ મનમોહનસિંહ અને લાલકૃષ્ણ અડવાણી જેવા લોકો ય નીપજ્યા, જેઓ વડા પ્રધાનથી લઈ નાયબ વડા પ્રધાનપદે પહોંચ્યા. તે પછી 1971માં આવી જ જોગવાઈ લાગુ કરાઈ, તો હવે આ પ્રકારના ખરડાનો વિરોધ શા માટે થાય છે ? ’71માં જ્યારે ઈન્દિરા ગાંધીએ હસ્તક્ષેપ કર્યો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. તે દરમિયાન આપણે લાખો લોકોને આશ્રય આપ્યો. યુગાન્ડા, શ્રીલંકાથી આવેલા લાખો લોકોને આપણે શરણ આપ્યું. તો હવે શેની સામે વાંધો છે ?
આ વિધેયકને લઈ આસામ સહિતના ઈશાની રાજયોની ચિંતાઓ દૂર કરતા મંત્રી શાહે જણાવ્યુ હતું કે આસામ, અરુણાચલ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં બંગાળ ઈસ્ટ ફ્રન્ટીઅર કાનૂન લાગુ રહેશે. તે ઉપરાંત નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં ઈનર લાઈન પરમિટ લાગુ રહેશે. અત્યાર સુધી મણિપુરમાં ઈનર લાઈન પરમિટ ન હતી, પરંતુ હવે તે લાગુ કરાશે, એ રીતે અમે ઈશાની રાજ્યોના લોકોની ચિંતા દૂર કરવા માગીએ છીએ.આ ખરડા પાછળ કોઈ રાજકીય એજન્ડા નથી કે કોઈને ય અન્યાય કરવાનો સવાલ નથી.
(એનડીએ સરકારે નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં નાગરિકતા ખરડાનું પ્રથમ વર્ઝન (આવૃત્તિ કે પાઠ) રજૂ કર્યો હતો, પરંતુ રાજયસભામાં તે બહુમતી ધરાવતો ન હોઈ ઉપલા ગૃહમાં તે અટવાઈ પડયો હતો)
ખરડા પર લોકસભમાં આજે ચર્ચા ચાલી હતી, એક તરફ શિવસેનાએ ખરડાને લઈ સવાલ કર્યા છે જ્યારે રાષ્ટ્રવાદ સાથે સંકળાયેલા મુદ્દા પર સવાલ ઉઠાવતા આવેલા જેડી-યુ(16 સભ્યો), બીજેડી (12) , વાયએસઆર કોંગ્રેસ (22), એલજેપી વ.પક્ષોએ મુકતપણે ખરડાનુ સમર્થન કર્યુ છે.
જેડી (યુ)ના નેતા રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે આ ખરડો સેકયુલરીઝમની ભાવનાને મજબૂત કરે છે. તે શરણાર્થીઓને નરકમાંથી છોડાવે તેવો છે. આ ખરડો કોઈ રીતે ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતને પડકારતો નથી. બિજુ જનતા દળે તો વળી આ ખરડામાં શ્રીલંકાના શરણાર્થીઓને ય સામેલ કરવાનુ સૂચન કર્યુ છે.
એલજેપીના ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે અમે ખરડાનું સમર્થન કરીએ છીએ. હું તો આપણા ગૃહ મંત્રીને ધન્યવાદ આપું છું કે તેમણે અમારી  ંિચતાઓને મહત્વ આપ્યુ અને અમારા સૂચનોને ખરડામાં સામેલ કર્યા.
કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત તો સૈકાઓથી જીવો અને જીવવા દ્યોની વાત કરતો આવ્યો છે. બહાર તમે એવી વાત ફેલાવશો કે હિન્દુઓએ સપોર્ટ વાળા ખરડાનો કોંગ્રેસે વિરોધ કર્યો, પરંતુ અમે કોઈ પીડિતને શરણ અપાય તેની વિરુદ્ધ નથી, પરંતુ ધાર્મિક હોવાના આધારે બનાવાયો હોય તો તે બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. તેથી આ ખરડામાં સુધારો કરવો જોઈએ. તમે શ્રીલંકા, ચીન કે અન્ય કોઈ દેશના લોકોને આ ખરડામાં સામેલ નથી કર્યા.તમે માત્ર એ જ દેશોને સામેલ કર્યા છે જ્યાં મુસ્લિમ બહુમતી છે.
 
ઓવૈસીએ સંસદમાં વિધેયકની નકલ ફાડી
નવી દિલ્હી, તા. 9 : નાગરિકતા સંશોધન વિધેયક ઉપર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ બિલની નકલ જ ફાડી નાખી હતી. જેના ઉપર ભારે હંગામા બાદ સ્પીકર રમા દેવીએ ઓવૈસીની હરકતને સંસદની કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો. ઓવૈસીએ ખરડાનો આકરો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તે વિધેયકનો વિરોધ કરે છે. બંધારણ બન્યું ત્યારથી અત્યારસુધીમાં ઘણા સ્તર નીચે ઉતર્યું છે. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાનની પ્રસ્તાવનાને ભગવાન કે ખુદાનું નામ લખવાનો વિરોધ કર્યો હતો. પરંતુ ભાજપની સરકારમાં વધુ એક વિભાજન થવા જઈ રહ્યું છે.    

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer