માથક ગામે ખેતરમાં યુવાનની દાટેલી હાલતમાં લાશ મળી

મૃતકના ભાઇ અને પત્ની શંકાના દાયરામાં
મોરબી, તા. 8: હળવદ તાલુકાના માથક ગામે ખેત મજૂરી કરતા ગુજરીયાભાઇ હુનિયાભાઇ આદિવાસી ઉર્ફે ભુરાભાઇની ખેતરમાં દાટેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી આ બનાવ હત્યાનો હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા ભરતભાઇ ખેંગારભાઇ મકવાણાનું સુંદરીભવાની રોડ પર ખેતર આવેલું છે. જેમાં તેના ખેતરમાં ગુજરીયાભાઇ હુનિયાભાઇ આદિવાસી (ઉ.40) ઉર્ફે ભુરાભાઇ તથા તેની પત્ની દક્ષાબેન અને તેનો ભાઇ રોશન ત્રણેય સાથે મળીને ખેત મજૂરી કરતા હતા. જેમાં ભુરાભાઇ તથા તેની પત્ની વચ્ચે ડખ્ખો થતા ભુરાભાઇ કોઇને જાણ કર્યા વિના જતા રહ્યા હતા. ખેતરમાલિક આ ઘટનાના 4 દિવસ પછી ખેતરે ગયા ત્યારે તેના ખેતરમાં કૂતરાઓ જમીન ખોતરી રહ્યા હતા. જેમાંથી તીવ્ર દુર્ગંધ આવતા ખેતરમાલિક ભરતભાઇએ ત્યાં જઇને જોયું તો ભુરાભાઇની દાટેલી હાલતમાં લાશ નીકળતા ભરતભાઇએ સરપંચ તથા પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલી હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં શંકાના દાયરામાં મૃતકના પત્ની તથા ભાઇ આવી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer