અમરેલીનાં ટીમ્બા ગામે નાના ભાઇનાં હાથે ‘મોટા’ની હત્યા

બારણું બંધ કરવા બાબતે બોલાચાલી બાદ મોટા ભાઇએ કાઢેલી છરી મોતનું નિમિત્ત બની !
અમરેલી, તા.8 (ફૂલછાબ ન્યૂઝ) અમરેલીના ટીમ્બા ગામે ગઈ મોડી રાત્રીના બે ભાઈઓ વચ્ચે બારણું બંધ કરવા જેવી સામાન્ય બાબતમાં માથાકૂટ થતા બંને ભાઈઓ વચ્ચે જપાજપી થતા મોટા ભાઈએ તેના ઓશિકા નીચેથી છરી કાઢી નાના ભાઈને મારવા જતા નાનાભાઈએ છરી આંચકી મોટા ભાઈને ગળાના ભાગે ત્રણેક ઘા મારી હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી  છે.
    આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના ટીમ્બા ગામે રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કનુભાઈ વાળા (ઉ.વ.25) અને તેનો નાનો ભાઈ કરણ કનુભાઈ વાળા (ઉ.વ.21) બંને પોતાના ઘરમાં ઓફિસના રૂમમાં સુતા હતા. રાત્રીના બેક વાગ્યે કરણ ઓફિસના રૂમમાંથી ઉઠીને દરવાજો ખોલી બહાર ગયેલ હતો અને બહારથી અંદર આવી પાછો દરવાજો બંધ કરતા મોટાભાઈ ધર્મેન્દ્ર ઉર્ફે ધમાએ કહેલ કે દરવાજો કેમ બંધ કરેલ જે બાબતે ધર્મેદ્રએ કરણને ગાળો આપી પાટા માર્યા હતા.
બાદમાં બને ભાઈઓમાં રકઝકના અંતે  મારામારી ઉપર ઉતરી આવતા  ધર્મેન્દ્રએ પોતાના ઓશિકા નીચેથી છરી કાઢી નાના ભાઈ કરણને મારવા જતા કરણે છરી આંચકી લઇ તેના મોટા ભાઈ ધર્મેન્દ્ર ઉપર ગળાના ભાગે ત્રણેક ઘા મારી દેતા ધર્મેદ્ર લોહી લુહાણ હાલતમાં સેટી ઉપર ઢળી પડયો હતો.
ગુસ્સામાં આવી બંને ભાઈઓ વચ્ચે થયેલ મારામારીમાં નાના ભાઈના હાથે મોટા ભાઈની હત્યા થઇ જતા ચકચાર મચી જવા પામેલ હતી, બનાવ અંગે પિતા કનુભાઈ મેરામભાઇ વાળા (ઉવ-53)એ એક દીકરાની હત્યા કરવા સબબ બીજા પુત્ર સામે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા  તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી કરણની શોધખોળ આદરી છે. પોલીસનું કહેવું  છે કે આરોપી હાથવેતમાં છે. દરબાર પરીવારમાં બનેલી હત્યાની ઘટનાથી ચકચાર જાગી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer