જીએસટીનો બેઝ રેટ 10 ટકા થશે ?

જીએસટીનો બેઝ રેટ 10 ટકા થશે ?
ત્રણ સ્લેબમાં જીએસટી રાખવાની કાઉન્સિલની ગંભીર વિચારણા : આવકનું ગાબડું પૂરાશે
નવી દિલ્હી.તા.9: જીએસટીની આવકમાં ગાબડું પડવાને લીધે સરકાર હવે બેઝ રેટમાં વધારો કરવાનું વિચારી રહી છે. જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીનો બેઝરેટ અત્યારે પાંચ ટકા છે તે 9થી 10 ટકા સુધી લઇ જઇ શકે છે.
12 ટકાના સ્લેબ હેઠળ આવતી 243 જેટલી આઇટમોને 18 ટકામાં લઇ જઇને 12 ટકાનો સ્લેબ નાબૂદ કરવા માટે જીએસટી કાઉન્સિલની બેઠકમાં અવારનવાર ચર્ચા થાય છે. જો ખરેખર એમ થાય તો 5,18 અને 28 ટકા એમ ત્રણ સ્લેબ જ બચશે.
સરકાર એવું માને છેકે, જીએસટીના માળખામાં બદલાવ લાવવામાં આવે તો વધારાની રૂ. 1 લાખ કરોડની આવક ઉભી કરી શકાય તેમ છે. જોકે સરકાર દ્વારા એ દિશામાં પણ વિચારણા થઇ રહી છે કે જે આઇટેમો જીએસટી હેઠળ આવતી નથી તેને મોંઘી બનાવવી. ઉદાહરણ તરીકે મોંઘી પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર ઉપરાંત ઉંચી કિંમતના કંપનીના ઘરો લીઝ પર લેવાયા હોય તે પણ લેવાની વિચારણા છે.
સરકાર કહે છે, જીએસટીનો દર વધારવામાં આવે તો તેની અસર મોંઘવારી ઉપર કે ફુગાવા ઉપર પડવાની શક્યતા નહીવત છે. જીએસટીના પેમેન્ટ મોડાં આવવાના મુદ્દે કમ્પાન્સેસન માટે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે ચાલતા વિવાદોમાં રૂ. 20 હજાર કરોડ જેટલી રકમ અટવાયેલી પડેલી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer