આટલી ખરાબ ફિલ્ડીંગ રહેશે તો કોઇપણ લક્ષ્ય બચાવી શકાશે નહી: કોહલી

આટલી ખરાબ ફિલ્ડીંગ રહેશે તો કોઇપણ લક્ષ્ય બચાવી શકાશે નહી: કોહલી
થિરુવનંથપુરમ, તા. 9 : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના બીજા ટી-20 મેચમાં મળેલી હાર માટે ટીમની ફિલ્ડીંગને દોષી ઠેરવી છે. કોહલીએ કહ્યું છે કે, જો આવી જ સ્થિતિ રહી તો કોઇપણ લક્ષ્યનો બચાવ કરવો મુશ્કેલ રહેશે. તેણે ખેલાડીઓને ફિલ્ડીંગ દરમિયાન વધુ સચેત રહેવા કહ્યું છે. રવિવારે રમાયેલા મેચમાં ભુવનેશ્વરકુમારની બોલીંગમાં સતત બે દડામાં વોશિંગ્ટન સુંદર અને વિકેટ કિપર ઋષભ પંતે કેરેબીયન ઓપનર સિમન્સ તથા લુઇસના કેચ પડતા મુકયા હતા.
ભારતીય ફિલ્ડરો તરફથી મળેલ જીવતદાન બાદ સિમન્સે 45 દડામાં અણનમ 67 રન કર્યા હતા. જયારે લુઇસે 35 દડામાં 40 રન બનાવ્યા હતા. આથી વેસ્ટ ઇન્ડિઝે બીજો ટી-20 મેચ આઠ વિકેટે આસાનીથી જીતી લીધો હતો.
ભારતીય સુકાની વિરાટ કોહલીએ વધુમાં જણાવ્યું કે, પાછલા બે મેચથી અમારી ફિલ્ડીંગ ઘણી ખરાબ રહી છે. અમે એક જ ઓવરમાં બે કેચ છોડયા. જો બંને વિકેટ લીધી હોત તો તેમના પર દબાણ વધી જાત. બધાએ મેદાન પર ચુસ્ત રહેવાની જરૂર છે. મુંબઇમાં મુકાબલો કરો યા મરો સમાન રહેશે.
ભારતીય ટીમે ટી-20માં પહેલા બેટીંગ કરતાં પાછલા 15 મેચમાં 7 મેચ ગુમાવ્યા છે. આ આંકડા પર પૂછવામાં આવતા કોહલીએ જણાવ્યું કે, આંકડા ઘણું કહે છે અમે આ વાત પર ધ્યાન આપી રહ્યા છીએ. 16 ઓવરમાં 4 વિકેટે 140 રન કરીને અમે સારી સ્થિતિમાં હતા. પણ આખરી 4 ઓવરમાં ફકત 30 રન જ કરી શકયા.
કોહલીએ ડાબોડી યુવા ઓલરાઉન્ડર શિવમ દુબેની પ્રસંશા કરતા કહ્યું કે, તેને વન ડાઉનમાં ઉતારવાનો ફેસલો સાચો સાબિત થયો. તે મોકાનો લાભ લઇ શકયો. ઇમાનદારીથી કહું તો વેસ્ટ ઇન્ડિઝે સારી બેટીંગ બોલીંગ કરી. તેઓ જીતના હક્કદાર હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer