આજે પેટાચૂંટણીનું પરિણામ નક્કી કરશે યેદિ સરકારનું ભાવિ

આજે પેટાચૂંટણીનું પરિણામ નક્કી કરશે યેદિ સરકારનું ભાવિ
કર્ણાટક પેટાચૂંટણીનાં પરિણામમાં ભાજપને ઓછામાં ઓછી 6 બેઠક ઉપર જીત જરૂરી
બેંગલુરુ, તા. 8 : કર્ણાટકમાં 15 વિધાનસભા બેઠક ઉપર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ  કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપ સરકારની ચાર મહિનાની સરકારનું ભવિષ્ય આવતીકાલે સોમવારે સ્પષ્ટ થઈ જશે. ભાજપને બહુમત જાળવી રાખવા માટે 15 બેઠક ઉપર પેટાચૂંટણીનાં પરિણામમાં ઓછામાં ઓછી 6 બેઠક જીતવી જરૂરી છે. જો જરૂરી બેઠક ન મળે તો કર્ણાટકમાં ફરી રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે.
પાંચમી ડિસેમ્બરના રોજ થયેલા મતદાનમાં 67.91 ટકા મતદારોએ પોતાના અધિકારનો પ્રયોગ કર્યો હતો. 11 કેન્દ્રો ઉપર સવારે 8 વાગ્યે ગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. કોંગ્રેસ અને જેડીએસના બાગી ઉમેદવારોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે પેટાચૂંટણી થઈ હતી. 17 વિધાયકો બાગી બન્યા બાદ જુલાઈ મહિનામાં એચડી કુમારસ્વામીની સરકાર ભાંગી પડી હતી અને ભાજપે સત્તા સંભાળી હતી. આ 15માંથી 12 બેઠક કોંગ્રેસ અને 3 જેડીએસ પાસે છે. પેટાચૂંટણીનાં પરિણામ ભાજપ માટે ખૂબ જ મહત્ત્વના છે અને બહુમત માટે ઓછામાં ઓછી 6 બેઠકોની જરૂર છે.
224 સભ્યની વિધાનસભામાં 208 સભ્યો નતા બહુમત માટે 105ની જરૂરી સંખ્યા સાથે યેદિએ વિશ્વાસ પ્રસ્તાવ મેળવ્યો હતો. વર્તમાન સ્થિતિમાં ભાજપના 105 (અપક્ષ સહિત), કોંગ્રેસના 66 અને જેડીએસના 34 વિધાયક છે. એગ્ઝિટ પોલની વાત કરવામાં આવે તો ભાજપને 15માંથી 9-12 બેઠક મળવાનો અંદાજ છે. મત ગણતરી પહેલા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, સરકાર કાર્યકાળ પૂરો કરશે. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસને પણ સારાં પ્રદર્શનની પૂરી આશા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer