આજે સંસદમાં NRCનું ઘમસાણ

આજે સંસદમાં NRCનું ઘમસાણ
પાડોશી ઈસ્લામિક દેશોનાં લઘુમતી સમુદાયનાં શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની વ્યવસ્થા બનાવતો ખરડો લોકસભામાં રજૂ કરશે અમિત શાહ
નવીદિલ્હી, તા.8 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારા વિધેયક પેશ કરશે. જેમાં પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની વ્યવસ્થાનાં સરળીકરણની જોગવાઈ છે. આ ખરડો પાડોશી ઈસ્લામિક દેશોની લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાની વાત કરતો હોવાથી તેનાં સાંપ્રદાયિક પાસાને ધ્યાને લેતા રાજકીય વિવાદમાં સપડાયેલો છે અને આવતીકાલથી સંસદમાં આ મુદ્દે ઘમસાણ નિશ્ચિત દેખાય છે.
લોકસભાની સોમવારની કાર્યસૂચિ અનુસાર બપોરે ગૃહમંત્રી આ વિધેયક રજૂ કરશે અને પછી તેનાં ઉપર ચર્ચા બાદ તેને પસાર કરવામાં આવશે. આ વિધેયકનાં કારણે પૂર્વોત્તરનાં રાજ્યોમાં વ્યાપક પ્રદર્શન થઈ રહ્યા છે. તેમનાં કહેવા અનુસાર આ ખરડાથી આસામ સમજૂતિ 198પની જોગવાઈઓ બેઅસર થઈ જશે. જેમાં કોઈપણ પ્રકારનાં ધાર્મિક ભેદભાવ વિના ગેરકાયદેસર ઘૂસણખોરોને પરત મોકલવાની અંતિમ સમયાવધિ 24 માર્ચ 1971 નક્કી કરવામાં આવેલી છે.
નાગરિકતા સુધારા ખરડો -2019 અનુસાર પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક યાતનાઓનો ભોગ બનીને 31 ડિસેમ્બર 2014 પૂર્વે ભારત આવી ગયેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયનાં લોકોને ગેરકાયદે ઘૂસણખોર માનવામાં આવશે નહીં અને તેમને ભારતીય નાગરિકત્વ પણ આપવામાં આવશે.
મોદી સરકારે પોતાનાં પહેલા કાર્યકાળમાં પણ આ ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો અને ત્યાંથી તેને પસાર પણ કરાવી લેવામાં આવેલો. જો કે પૂર્વોત્તરનાં રાજ્યોમાં સ્થિતિ બેકાબૂ બનવાની આશંકાએ તેને રાજ્યસભામાં પેશ કરવામાં આવ્યો ન હતો અને પછી લોકસભા ભંગ થવાનાં કારણે તે વિધેયકને રાજ્યસભામાંથી પસાર કરાવવાનો સમય પણ સમાપ્ત થઈ ગયો હતો.
દરમિયાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશિ થરુરે આજે આ ખરડા મુદ્દે મોદી સરકાર ઉપર હલ્લાબોલ કર્યુ હતું અને તેમણે કહ્યું હતું કે, આ ખરડો પસાર થવાનો મતલબ ગાંધીનાં વિચારો ઉપર મોહમ્મદ અલી ઝીણાનાં વિચારોની જીત લેખાશે. ધર્મનાં આધારે નાગરિકતા આપવામાં આવે તો ભારત પાકિસ્તાનની હિન્દુ આવૃત્તિ સમાન બની જશે. -
---------
બળાત્કારની ઘટનાઓને ધ્યાને લઈ દંડ સંહિતામાં મોટા સુધારાનો શાહનો સંકેત
પુણે,તા.8: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં વધી રહેલા બળાત્કાર જેવા ઘૃણાસ્પદ અપરાધોના સંદર્ભમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને ફોજદારી સંહિતા (સીઆરપીસી)ને અનુકૂળ બનાવવા માટે તેમાં સુધારાઓ કરવાં સરકારની પ્રતિબદ્ધતા આજે વ્યક્ત કરી હતી. અમિત શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગૃહ મંત્રાલયે બધા રાજ્યો પાસે ભારતીય દંડ સંહિતા અને સીઆરપીસીમાં મોટાપાયે ફેરફાર માટે ભલામણો માંગી છે. જેથી આધુનિક લોકતંત્રની આકાંક્ષાઓને આપૂર્તિ થઈ શકે અને ત્વરિત ઇન્સાફ મળે.
પૂણેમાં પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોના 54માં સંમેલનમાં ગૃહમંત્રીએ ભારતીય દંડ સંહિતા અને સીઆરપીસીને આજની લોકતાંત્રિક વ્યવસ્થાને અનુકૂળ બનાવવા માટે તેમાં ફેરફાર લાવવાના પોતાના સરકારના નિશ્ચયને પ્રમુખતાથી સામે રાખ્યો હતો. 2012ના કુખ્યાત નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યાકાંડ સહિત ઘૃણાસ્પદ અપરાધોમાં આરોપીઓને દંડ મળવામાં મોડુ થવાને લઈને હાલમાં જ અલગ-અલગ મંચો પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોના સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને દેશના ટોચના પોલીસ અધિકારીઓ આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer