‘મંદી માટે PMO દોષી’

‘મંદી માટે PMO દોષી’
RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું, અર્થતંત્રનું સંચાલન માત્ર PMO પાસે
નવી દિલ્હી, તા.8 : દેશની અર્થવ્યવસ્થાની ગતિમાં આવેલી સુસ્તી માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને વડાપ્રધાન કાર્યાલયને જવાબદાર ગણાવ્યું હતું.
અર્થવ્યવસ્થાનું સંચાલન માત્ર વડાપ્રધાન કચેરીના હાથમાં જ છે અને મંત્રીઓ પાસે કોઈ સત્તાની શક્તિ નથી, એ કારણે જ અર્થતંત્રમાં સુસ્તી છે, તેવું તેમણે કહ્યું હતું.
અર્થવ્યવસ્થાને મુસિબતમાંથી ઉગારવાના ઉપાયોની ચર્ચા કરતાં રાજને પુંજી લાવવાના નિયમો ઉદાર બનાવવા, ભૂમિ અને શ્રમ બજારોમાં સુધાર, રોકાણ અને વિકાસ વધારવાનું આહ્વાન કર્યું હતું.
આરબીઆના પૂર્વ ગવર્નરે સરકારને પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવા તેમજ ઘરેલુ ક્ષમતામાં સુધાર લાવવા માટે વિવેકપૂર્ણ ઢબે મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ)માં સામેલ થવાની સલાહ આપી હતી.
ક્યાં ભૂલ થઈ છે, તે સમજવા માટે આપણે વર્તમાન સરકારની કેન્દ્રિકૃત પ્રકૃતિને સમજવાની જરૂર છે. માત્ર ફેંસલો જ નહીં, પરંતુ વિચાર અને યોજના પર નિર્ણય પણ વડાપ્રધાનના કેટલાક નીકટના લોકો અને પીએમઓના લોકો કરે છે, તેવું રાજને ઉમેર્યું હતું.
એક લેખમાં તેમણે નોંધ્યું હતું કે, પક્ષના રાજકીય અને સામાજિક એજન્ડા માટે તો આવી પ્રકૃતિ યોગ્ય છે, પરંતુ આર્થિક સુધારાના સંદર્ભમાં તે કામ નથી કરતી. રાજને કહ્યું હતું કે, અગાઉની સરકારોનાં જોડાણ ભલે ઢીલાં હોઈ શકે છે, પરંતુ તેમણે લગાતાર અર્થવ્યવસ્થાના ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો હતો.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer