દિલ્હીમાં અગન તાંડવ, 43નાં મૃત્યુ

દિલ્હીમાં અગન તાંડવ, 43નાં મૃત્યુ
વડાપ્રધાન, ભાજપ, દિલ્હી, બિહાર સરકારનું સહાયનું એલાન
નવી દિલ્હી, તા. 8 : દિલ્હીની અનાજ બજારની અંદર ચાર માળની ઈમારતમાં રવિવારની સવારે ભયાનક આગના તાંડવમાં જીવતા સળગી જવા સાથે શ્વાસ ગુંગળાઈ જવાથી 43 લોકોના કરૂણ મૃત્યુ થઈ ગયા હતા. ડઝન બંધ ઘાયલોની હાલત ગંભીર હોવાથી મરણાંક વધવાની ભીતિ સેવાઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિકાંડના મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ સાથે શોકની લાગણી દર્શાવતા  મૃતકોના કુટુંબો માટે 2-2 લાખની સહાયની ઘોષણા કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર અને ભાજપ તરફથી પણ સહાયની જાહેરાત કરવામાં આવી. આગના ગોઝારા બનાવમાં મેજીસ્ટ્રેટ મારફતે તપાસના આદેશ થયા છે. તેમજ ફેક્ટરીના માલિક સામે સદોષ માનવવધ, બેદરકારી સહિતના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ધરપકડ કરવામાં આવી છે. આજે સવારે પ અને 22 મિનિટે આગ લાગી ત્યારે મકાનમાં લોકો નીંદરમાં હતા. આ ઈમારતમાં ચાલતી નાની-નાની ફેકટરીઓમાં પેકેજિંગ અને પતા સ્ટિકબેગ બનાવવાના કામો થતાં હતા.
ભીષણ અગનતાંડવની જાણ થતાં જ અગ્નિશમન દળના 30 વાહનો ધસી ગયા હતા. જો કે સાંકડી શેરીમાં આગને અંકુશમાં લેવા અને લોકોને બચાવવાની કામગીરી ભારે મુશ્કેલીરૂપ બની હતી. દિલ્હી સરકારના મહેસુલમંત્રી કૈલાશ ગેહલોતે આ અગ્નિકાંડની તપાસ કરી સાત દિવસમાં અહેવાલ સોંપવાનો નિર્દેશ જિલ્લા મેજિસ્ટ્રેટને આપ્યો હતો. બીજી તરફ દિલ્હી પોલીસ પીઆરઓ એમ. એસ. રંધાવાએ જણાવ્યું હતું કે અમે પણ તપાસ કરીશું. દોષીઓ સામે કાર્યવાહી કરાશે. અગ્નિકાંડના મૃતકોમાં મોટા ભાગે બિહાર અને ઉત્તરપ્રદેશથી આવેલા શ્રમિકો છે. ઘાયલોને લોકનાયક પ્રકાશ, હોસ્પિટલ, હિંદુરાવ, રામમનોહર લોહિયા હોસ્પિટલ, લેડીહાર્ડિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દિલ્હી અગ્નિશામક સેવાઓના મુખ્ય અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, પ0લોકોને સલામત બહાર લાવીને બચાવી લેવાયા છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ કહ્યું હતું કે, આગ પર કાબુ મેળવી લેવાયો છે.
---------
દરવાજો હતો લોક
ફાયર બ્રિગેડ અધિકારીના કહેવા પ્રમાણે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે બિલ્ડિંગ બહારથી લોક હતી. લોખંડના દરવાજે તાળું મારેલું હતું અને અંદરથી લોકો બચાવો, બચાવોની ચીસો પાડી રહ્યા હતા. જેથી દરવાજો તોડીને લોકોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. આ દરમિયાન અંદર ઝેરી ધુમાડો ફેલાયેલો હતો. ફાયર સેફ્ટીના અધિકારીઓના કહેવા પ્રમાણે છત ઉપરનો દરવાજો પણ બંધ હતો. જેને પણ ફાયર બ્રિગેડે ખોલ્યો હતો.
----------
11 લોકોનો જીવ બચાવનાર હીરો રાજેશ
નવી દિલ્હી, તા. 8 : દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં લાગેલી ભીષણ આગે 43 લોકોના જીવ લીધા છે. આગની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડનીસ 30 ગાડી સ્થળ ઉપર પહોંચી હતી અને બચાવકાર્ય શરૂ કર્યું હતું.આ દરમિયાન આગનો ધુમાડો લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. જીવલેણ માહોલ વચ્ચે ફાયર બ્રિગેડના કર્મચારી રાજેશ શુક્લાએ પોતાના જીવના જોખમે 11 લોકોને બચાવ્યા હતા.  રાજેશ શુક્લા ઈમારતની અંદર પહોંચનારા પહેલા કર્મચારી હતા.  રાહત કામ દરમિયાન રાજેશને પગમાં ઈજા પહોંચી હતી. જો કે પોતાની ઈજાની દરકાર કર્યા વિના એક પછી એક 11 લોકોના જીવ બચાવ્યા હતા. આગ ઉપર કાબુ બાદ રાજેશ શુક્લાની એલએનજેપી હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. જ્યાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને રાજેશની મુલાકાત કરી હતી અને તેમને સાચા હીરો ગણાવ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ રાજેશ શુક્લાની કામગીરી અને સાહસના લોકોએ ભરપુર વખાણ કર્યા હતા. સત્યેન્દ્ર જૈને ટ્વીટ કર્યું હતું કે, રાજેશ શુક્લા એ ફાયરમેન છે જેણે ઈમારતમાં ઘુસીને 11 લોકોને બચાવ્યા છે. બચાવકાર્ય દરમિયાન રાજેશ શુક્લાને ફ્રેક્ચર પણ થયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer