જીએસટીના અધિકારીના મકાનમાં રૂ. 3.41 લાખની ચોરી

રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં ગોલાના ધંધાર્થીના ઘેરથી રૂ. 1.26 લાખની મતા તસ્કરો લઇ ગયા
રાજકોટ, તા. 2: સાધુ વાસવાણી રોડ પર નંદનવન પાર્કમાં જીએસટીના અધિકારીના ઘેર તસ્કરોએ હાથફેરો કરીને રૂ. 3.41 લાખની (વેરો) મતા ઉસેડી ગયા હતાં. તો રિધ્ધિસિધ્ધિ સોસાયટીમાં ગોલાના ધંધાર્થીના મકાનમાંથી રૂ. 1.26 લાખની મતાની ચોરી થઇ હતી.
નંદનવન પાર્કમાં રહેતા અને જીએસટીમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે નોકરી કરતાં સંતોષભાઇ કરુણાપર નાયર અને તેમના પરિવારજનો શનિવારે મકાનને તાળા અને લોક મારીને સુરેન્દ્રનગરમાં રહેતા ભાઇને ત્યાં પ્રસંગે ગયા હતાં. આજે સવારે પરત આવ્યા ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો લોક અને નકૂચા તુટેલા હતા.
રૂમમાં જઇને તપાસ કરતાં કબાટ વગેરે તુટેલા અને સમાન વેરવિખેર પડયો હતો. તપાસ કરતાં સોનાના દાગીના, ચીજવસ્તુઓ અને રોકડ રકમ મળી કુલ રૂ. 3.41 લાખની મતા ઉઠાવી ગયાનું જાણવા મળ્યું હતું. આ અંગે સંતોષભાઇ નાયરે નોંધાવેલી ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકર અને તેમના મદદનીશોએ તપાસ શરૂ કરી હતી.
રિધ્ધિસિધ્ધિની ચોરી: દૂધસાગર રોડ પર રિધ્ધિસિધ્ધિ  સોસાયટીમાં રહેતાં અને ગોલાનો ધંધો કરતાં હબીબખાન ઉસ્માનખાન પઠાણના મકાનને નિશાન બનાવીને તસ્કરો રૂ. 1.26 લાખની મતા લઇ ગયા હતાં. હબીબખાન તેના ભાઇને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હોય તેની ખબર કાઢવા ગયા હતાં. પત્ની સગાને ત્યાં ગઇ હતી અને પુત્રો બહારગામ ગયા હતાં. ત્યારે તેના મકાનના દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો રૂ. 68 હજારની રોકડ રકમ અને સોનાના દાગીના મળી રૂ. 1.26 લાખની મતા ઉઠાવી ગયા હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer