શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો નાબુદ કરવા લોકોએ કરી ‘સહી’

કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય શાળા પાસે આયાજીત કાર્યક્રમમાં લોકોએ ભાજપ સરકાર સામે ઠાલવ્યો આક્રોશ
રાજકોટ,તા.2 : હેલ્મેટની કડક અમલવારી અને તેના આકરા દંડ સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ ઉપરાંત અનેક લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા સુધી શહેરી વિસ્તારમાંથી હેલમેટનો કાયદો દુર કરવા માટે સહિ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જેનાં ભાગ રૂપે મહાત્મા ગાંધીની રાષ્ટ્રીય શાળા પાસેથી શહેરી વિસ્તારમાં હેલમેટ નાબુદી સહિ ઝુંબેશ કરવામાં
આવી હતી.
આ ઝુંબેશમાં શહેરીજનો હેલમેટના કાયદા સામે પ્રચંડ રોષ પ્રગટાવી રહ્યા હતા. વાહનચાલકો અને રાહદારીઓ આપમેળે ઉભા રહીને ઝુંબેશમાં પોતાનો સાથ સહકાર આપી રહ્યા હતા અને સહી કરી રહ્યા હતા. જ્યારે રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં રેલી યોજાશે ત્યારે ભાગ લેશું તેવો સુર લોકોએ પુરાવ્યો હતો. તેમજ પોતાનો ગુસ્સો ઠાલવીને લોકો બોલી રહ્યા હતા કે, આ તઘલખી કાયદાથી ભાજપ સરકાર લોકોને હેરાન-પરેશાન કરે છે, તેને દેખાડી દેશુ.
આ ઉપરાંત આજે સાંજે 5 કલાકે ત્રીકોણ બાગ ખાતે પણ હેલમેટ નાબુદી સહિ ઝુંબેશ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલાસિંહ રાઠોડ, લોક સરકાર સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ ભાર્ગવ પઢીયાર, વોર્ડ નં.7 કોંગ્રેસ પ્રમુખ કેતન જરીયા સહિતના કોંગી અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ફરજીયાત હેલ્મેટના કાયદા વિરુદ્ધ સત્યાગ્રહ કરો
ફરજીયાત હેલ્મેટનો કાયદો અમાનુષી, જુલ્મી, તર્કહીન તેમજ માનવ ગૌરવ, વ્યક્તિ સ્વાતંત્ર અને એકંદરે સંપૂર્ણપણે પ્રજા વિરોધી છે. તો આ કાયદાને એક વખત પ્રજા સહન કરી લ્યે એટલે પ્રજા કદી પણ ગુલામીમાંથી છુટકારો મેળવી શકે નહીં અને સંપૂર્ણ ગુલામ બની જાય. ફકત એક મહિનાની અંદર રાજકોટમાં સરકારે કરોડો રૂપિયા દંડ કરીને ઉઘરાવી લીધા અને પ્રજાને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આ કાયદાની સામે બધાને આક્રોશ છે. જો સરકાર પ્રજાનો લોકમત લ્યે તો ફરજીયાત હેલ્મેટની તરફેણમાં એક પણ મત ના મળે.
ગામડાની પ્રજા પણ આ કાયદાથી ફફડી ઉઠી છે. ગામો ગામમાં ટ્રાફિક પોલીસ નથી હોતી. એટલે એ લોકો સલામત રહીને ફરે છે. પરંતુ તેઓ શહેરમાં આવતા ડરે છે. વેપાર-ધંધા પણ ઘટી ગયા છે. રાજકોટમાં જે ત્રાસ ફેલાયો છે એની સમગ્ર અસર આખા સૌરાષ્ટ્ર પર પડી છે. આવતી કોઈ પણ ચૂંટણીમાં ભાજપ સરકાર સાફ થઈ જશે એવું ચોખ્ખું દેખાય છે. દુ:ખની વાત એ છે કે ભાજપના કોઈપણ કાર્યકરે આ કાયદો ખોટો છે, અન્યાયી છે અને ન હોવો જોઈએ એવું કોઈ નિવેદન પણ કર્યું નથી. બધા મનમાં સમજે છે કે આ કાયદો ખોટો છે, પ્રજા વિરોધી છે. પણ કોઈની કહેવાની હિંમત નથી. ભાજપની સરકાર પોતાના જ પગ પર કુહાડો મારવાનું કામ કરે છે તે બાબત બધા ભાજપના કાર્યકરો સમજે છે.
- વેલજીભાઈ દેસાઈ (92276 06570)
હેલ્મેટના પ્રશ્ને એક ડગલું આગળ વિચારવાનો સમય
તાજેતરમાં ‘હેલ્મેટ’ પ્રશ્ને લખેલા જાહેર પત્રને મળેલા પ્રતિસાદ અને પ્રતિભાવ બાદ ‘એક ડગલુ આગળ’ ચાલવાના વિચાર સાથે ટૂંક સમયમાં જ, એક સંગઠન બનાવાશે જે આગામી રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝુકાવશે. આ સંગઠનની વિશેષતા એ છે કે કોર્પોરેશનમાં જે તે વિસ્તારના સામાન્ય જન અને પ્રજાનું કામ કરવાની ખેવના રાખનારને જે તે વિસ્તારના લોકો પસંદ કરી નામ સુચવશે.
સરકાર ધારે તે નહીં પણ પ્રજાને અનુકુળ હોય તેવી વ્યવસ્થા કરવા (હેલ્મેટ ફરજીયાત નહીં પણ મરજીયાત) જેવા પ્રજાલક્ષી નિર્ણયો થવા જોઈએ. પ્રજાલક્ષી કામ ન કરી પોતાની મનમાની કરતી આ સરકાર પાસે ભવિષ્યમાં શું આશા રાખી શકાય ?
એક સર્વે મુજબ રાજકોટમાં અત્યારે જે તે વોર્ડના મોટાભાગના નાગરિકોને તેણે ચૂંટેલા કોર્પોરેટર કોણ છે ? તેમના નામ શું છે ? તેઓ શું કરે છે ? છેલ્લે ક્યારે મળ્યા હતા ? જેવા સવાલોના જવાબ ખબર નથી. અરે ! ઘણાને તો અત્યારે રાજકોટના મેયર કોણ છે તે પણ નથી ખબર !!
સમય આવી ગયો છે રાજકોટની પ્રજાએ પોતાના પસંદ કરેલા, તેઓની વચ્ચેના, તેઓના કામ ત્વરિત કરે તેવી વ્યક્તિઓને કોર્પોરેશનમાં મોકલવાનો, નહી કે પેવર કામ કે ડામર કામ હોય ત્યારે ફક્ત ફોટા પડાવવા આવતા કે શેરીને નાકે પોતાના નામના બોર્ડ મુકનાર કોર્પોરેટરોનો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, પ્રજા દ્વારા ચૂંટાયેલા સભ્યો, પ્રજાની કે પક્ષની વિચારધારાની પરવા કર્યા વગર મોટાભાગે અંગત સ્વાર્થ માટે ક્યારે પક્ષ પલટો કરશે કે વિચારધારા બદલશે તે નક્કી નથી હોતું.
- ભાવેશ આચાર્ય               (94272 14772)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer