રાષ્ટ્રીય શાળામાં કબજેદારો પાસે ટ્રસ્ટનું લાખોનું માંગણું !

રાષ્ટ્રીય શાળામાં કબજેદારો પાસે ટ્રસ્ટનું લાખોનું માંગણું !
સમયસર ભાડૂ ન ભરતાં 20 લાખથી વધુ રકમનું બાકી બોલે છે : ટ્રસ્ટની આવક પર મોટો ફટકો
ખાદી વેચાણની આવક મર્યાદિત, તેલનું વેચાણ અને સંગીત વિદ્યાલયની ફીની આવક હવે મુખ્ય સાધન રહ્યું
રાજકોટ તા.2 : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની જોરશોરથી વાતો થાય છે ત્યારે બાપૂએ જ રાજકોટમાં સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાં દારૂની બોટલોનો જંગી જથ્થો મળ્યાં ઘટનાએ સહુ કોઈને નિરાશ કર્યા છે. ખુદ ગાંધી વિચારધારા સાથે જોડાયેલા લોકો કહી રહ્યાં છે કે, દિવસેને દિવસે રાષ્ટ્રીય શાળામાં બાપૂના સિદ્ધાંતો-મૂલ્યો વિસરાઈ રહ્યાં છે અને અસામાજિક પ્રવૃતિઓને વેગ મળી રહ્યો છે જેના કારણે રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટને પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે સૌથી મોટી સમસ્યા વર્ષોથી કબજેદારો પાસેથી નિકળતી ભાડાની બાકી રકમ છે.
રાષ્ટ્રીય શાળામાં વર્ષોથી કબજો જમાવીને બેઠેલા આશરે 80થી વધુ પરિવારો પાસેથી રૂ.20 થી લઈને રૂ.1000 સુધીનું ભાડુ વસૂલવામાં આવે છે. ભાડાની રકમ ટ્રસ્ટની આવકના મુખ્ય સાધનો પૈકીની એક છે. દર વર્ષે આ રકમ થકી ટ્રસ્ટની તિજોરીમાં રૂ.11 લાખ જેટલી રકમ જમા થાય છે પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે, છેલ્લા ચાર-પાંચ વર્ષથી કેટલાયે કબજેદારોએ ભાડુ ભર્યુ જ નથી, આ મુદ્દે ટ્રસ્ટ્રીઓ અનેક વખત ધ્યાન દોર્યુ છે પરંતુ તેઓની વાતને ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી. અમૂક તો એવા પણ છે જે મહિને મામૂલી  ભાડુ પણ ભરતા નથી અને નિયમ વિરુદ્ધ જઈ પેટાભાડૂતો રાખીને તગડુ ભાડૂ વસૂલે છે. આવા 18 લોકો વિરુદ્ધ નજીકના ભવિષ્યમાં કાયદેસરના પગલા લેવામાં આવનાર છે. ટ્રસ્ટનો રેકોર્ડ તપાસીએ તો આશરે રૂ.20 લાખ જેવી રકમ કબજેદારો પાસેથી ભાડા પેટે લેણી નિકળે છે.
બાપુને સૌથી પ્રિય એવા ખાદીના વેચાણની આવકમાં પણ રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટને ફટકો પડવા માંડયો છે. ખાદી એક એવો વિષય હતો જે મહાત્મા ગાંધીની આઝાદીની ચળવળના સમય દરમિયાન ભારતની ચેતનાના કેન્દ્રબિંદુમાં હતો, ગાંધીજીના તિથી પ્રમાણેનો જન્મદિન રાષ્ટ્રીય શાળામાં ‘રેટિયા બારસ’ તરીકે ઓળખાય છે પરંતુ એ રેટિયો કાંતીને તૈયાર થનારુ ખાદી પહેરનારા જૂજ લોકો જ આ શહેરમાં રહ્યાં છે. ખાદીનો ક્રેઝ ઘટવા લાગ્યો છે જેની અસર ખાદીના વેચાણ ઉપર પણ પડી છે. જો કે, ટ્રસ્ટ એવો દાવો કરે છે કે, વર્ષે 10 થી 15 લાખની આવક અચૂક થઈ જાય છે.
ટ્રસ્ટને આવકમાં ખરેખર ફાયદો કરાવનારુ હોય તો તે તેલનું વેચાણ છે. એક સમયે તેલના વેચાણ થકી ટ્રસ્ટને રૂ.7 લાખ આસપાસનીઆવક થતી હતી જે આંકડો હવે 35 લાખ આસપાસ પહોચ્યો છે. રાષ્ટ્રીય શાળામાં છેલ્લા 70 વર્ષથી સંગીત વિદ્યાલય ચાલી રહી હતી અને નાણાકિય ભીડ પણ અનુભવી રહી હતી હવે લાખોના ખર્ચે તેનું રિનોવેશન કરાયું છે. 200 વિદ્યાર્થીઓ પાસેથી નજીવી ફી લઈને સંગીત શીખવવામાં આવે છે. ફીની આવક પેટે ટ્રસ્ટને વર્ષે 3 લાખની આવક થવાનો અંદાજ છે. વર્ષોથી બંધ સ્કૂલનું રિનોવેશન કર્યા બાદ આગામી જૂન માસથી તેને પુન: શરૂ કરવામાં આવનાર છે.
એ કવાર્ટર જપ્ત કરાશે?
રાષ્ટ્રીય શાળામાં પકડાયેલા રૂ. પાંચ લાખના  દારૂ ગુનામાં એ કવાર્ટર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટના અગ્રણીના જણાવ્યા પ્રમાણે દારૂ પકડાયો એ કવાર્ટર એક મહિલાને આપવામાં આવ્યું હતું. એ મહિલા અપરિણીત હોવાથી તેને સાથે તેનો ભાઇ વગેરે રહેતા હતાં. હવે એ કવાર્ટરનો કબજો મેળવીને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ માટે કાયદાકીય અભિપ્રાય લેવાનું નકકી કરાયું છે. આ રીતે કવાર્ટર ગેરકાયદે રહેતા લોકો પાસેથી પણ કવાર્ટર ખાલી કરાવીને કબજો લેવાના પ્રયાસ શરૂ કરાયા છે.
દારૂ ઉતારનારની શોધખોળ
રાષ્ટ્રીય શાળાના દારૂ પ્રકરણમાં કવાર્ટરમાં દારૂનો જથ્થો ઉતારનાર બે શખસની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસની તપાસમાં સુરેશ સીંધી અને સોનુ મારવાડી નામના બે શખસે ચારેક વખત દારૂનો જથ્થો એ કવાર્ટરમાં ઉતાર્યો હોવાનું ખુલ્યું છે. બોટલ દીઠ રૂ. 100 લઇને સંદીપ દક્ષીણી તેના હસ્તકના કવાર્ટરમાં દારૂનો જથ્થો ઉતારવા દેતો હતો. આ રીતે બેકારી દૂર કરીને રૂ.દોઢેક લાખ કમાઇ લીધા હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer