તળાજામાં ડોક્ટર પર ખૂની હુમલો

તળાજામાં ડોક્ટર પર ખૂની હુમલો
 ચિરંજીવી હોસ્પિટલના ડો. મિલન અગ્રાવતની ચેમ્બરમાં ઘૂસી બે શખસે છરીના ઘા ઝીકી દીધા : બન્ને આરોપી સીસીટીવીમાં કેદ
 ઘટનાને પગલે તબીબોની વીજળિક હડતાલ : પોલીસ-મામલતદારને આવેદન
તળાજા તા.2 : તળાજા શહેરના પોલીસ સ્ટેશન સામે જ આવેલી ચિરંજીવી હોસ્પિટલના ગાયનેક ડોકટર પર આજે બે ઈસમો હોસ્પિટલમાં જ છરી વડે હૂમલો કરી નાસી છુટયાં હતાં. ઘટનાના વિરોધમાં તબીબોએ તાત્કાલિક વીજળીક હડતાળ જાહેર કરી હતી અને આરોપીને પકડી લેવા મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
શહેરની પોલીસ ચોકી સામે જ આવેલ શોપીંગ સેન્ટરમાં ચિરંજીવી મેટરનીટી હોમ ચલાવતા અને રામનગરના ઇન્દ્રપ્રસ્થ ફ્લેટમાં રહેતા ગાયનેક ડોક્ટર મિલન અગ્રાવત બપોરના 1.15 ના સુમારે પોતાની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. એ સમયે આવેલ બે અજાણ્યા ઈસમોએ હોસ્પિટલ સ્ટાફને ડોકટરને બે મિનિટ મળવું છે તેમ કહી ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી ગયા હતા. અંદર ઘુસી આવેલ બન્ને અજાણ્યા શખ્સોએ ‘તું બોવ ચગી ગયો છો, હોસ્પિટલ બંધ કરી દેજે’ તેમ કહીને લમણા અને કમરાના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. દરમિયાન એ સમયે સ્ટાફની એક મહિલા દેકારો કરવા લાગતા બન્ને ઈસમો નાસી છુટયાં હતાં.
ઇજાગ્રસ્ત ડો.મિલન અગ્રાવતને બાજુમાં જ હોસ્પિટલ ધરાવતા તેમના ભાઈ ડો.જયદીપ અગ્રાવત સ્ટાફ લોકોની મદદથી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યાં હતાં.
ઘટનાને પગલે મહિલા.પો.સ.ઇ સોલંકી, એ.એસ.આઈ લક્ષ્મણભાઈ ભમમર, મનજીભાઈ સહિતના ફરિયાદ નોંધવા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે બે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ડોક્ટર મૂળ બેલા ગામના વતની હોય યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડયા, તાલુકા ભાજપના યુવા પ્રમુખ સહિતના લોકો દોડી આવ્યા હતા.
બનાવની જાણ ઘટનાને આશરે એકાદ કલાક બાદ તળાજાના તબીબોને થઈ હતી. જેના પગલે સિનિયર ડોકટર ધર્મેન્દ્રાસિંહ વાળા, એસોસિએશનના પ્રમુખ ડો.વિનય કોરડીયા સહિતના મોટાભાગના સિનિયર જુનિયર ડોક્ટરો એકઠા થઇ ગયા હતા. આ પ્રકારનો હુમલો  સાંખી ન જ લેવાય. હુમલાખોર વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જ જોઇએ તેવી માંગ સાથે વીજળીક હડતાળ પાડવાનો શહેરના ઉપસ્થિત તમામ ડોકટરોએ નિર્ણય લીધો હતો. જેમાં ઇમરજન્સી સેવા શરૂ રાખવાનું સૂચવવામાં આવ્યું હતું. સાથે મામલતદાર જે.જે કનોજીયા, પોલીસ સ્ટેશને જઇ ત્વરિત સખત કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું.
બન્ને હુમલાખોર તળાજાના ચૂડી અને વરલ ગામના હોવાનું માનવામાં આવે છે. બન્ને સીસીટીવી ફુટેજમાં જોવા મળે છે. જે વીડિયો વાયરલ થયો છે..પો.સ.ઇ સોલંકી અને તેની ટીમના હાથવેંતમાં આરોપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી ઝબ્બે થયા બાદ હુમલાનું સાચું કારણ જાણવા મળશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer