અયોધ્યા : જમિયતે કરી સમીક્ષા અરજી

અયોધ્યા : જમિયતે કરી સમીક્ષા અરજી
મસ્જિદ તોડવાનાં કૃત્યને સુપ્રીમે દોષપૂર્ણ કહ્યા પછીયે હિન્દુ પક્ષમાં ફેંસલાની દલીલ
નવી દિલ્હી, તા. 2 : અયોધ્યા વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટના ફેંસલાને પડકારતાં મુસ્લિમ સંસ્થા જમિયત-ઉલેમા-એ-હિન્દે સોમવારે સમીક્ષા અરજી કરી હતી.
જમિયત દ્વારા કરાયેલી આ અરજીમાં સુપ્રીમ કોર્ટના ફેંસલામાં મોજૂદ અંતર્વિરોધોને આધાર બનાવાયા છે. સમીક્ષા અરજીની નકલને ટાંકતાં એક અહેવાલમાં આ અંગે વિગતો અપાઇ છે.
આ નકલમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીના સંદર્ભ સાથે મસ્જિદ ધ્વસ્ત કરાઇ હોવા અંગેનો ઉલ્લેખ જમિયતની સમીક્ષા અરજીમાં કરાયો છે. જમિયતના મહામંત્રી મૌલાના અશદરશીદી તરફથી અરજી દાખલ કરાઇ હતી. આ સંસ્થા અયોધ્યા મામલામાં મુસ્લિમ પક્ષના 10 અરજદારોમાંથી એક છે.
અરજીમાં જણાવાયું છે કે, માનનીય અદાલતે પોતાના ફેંસલામાં મસ્જિદ ધ્વસ્ત કરવાનાં કૃત્યને દોષપૂર્ણ ગણાવ્યું હતું. તેમ છતાં આખો ફેંસલો સંપૂર્ણપણે હિન્દુ પક્ષકારોની તરફેણમાં કરાયો.
ખાસ ઉલ્લેખનીય છે કે, ત્રણ સપ્તાહ પહેલાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે ફેંસલો આપ્યા બાદ કેટલીક મુસ્લિમ સંસ્થાઓએ ફેંસલા સામે અપીલ નહીં કરવાની વાત કરી હતી.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લોબોર્ડે પણ  સુપ્રીમ સમક્ષ અયોધ્યા વિવાદ મામલે અપાયેલા ફેંસલા સામે પુન: વિચાર અરજી કરાશે તેવું એલાન કર્યું હતું.
 
અયોધ્યા : ‘જયશ્રી રામ ’ના નારા બોલનારા મુસ્લિમને ધમકીઓ
અયોધ્યા, તા. 2 : સુપ્રીમ કાર્ટના ફેંસલાથી રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો છે, ત્યારે અયોધ્યામાં હાજી સઇદ નામના શખ્સે ‘જયશ્રી રામ’ના નારા લગાવતાંમુસ્લિમ સમુદાય નારાજ થઇ ગયો હતો. આશ્ચર્યજનક હકીકત તો એ છે કે, જયશ્રી રામના નારા લગાવનાર હાજી સઇદને ધમકીઓ પણ મળવા માંડી છે. આ મામલાના અલગ-અલગ વીડિયો વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયોમાં હાજી આપવીતી સંભળાવતા જોવા મળે છે તો બીજા વીડિયોમાં એક મૌલવી હાજીને માફી મગાવતા દજરે ચડે છે.
હાજી સઇદનું કહેવું છેકે, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં તેમણે ‘જયશ્રી રામ’ના નારા લગાવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer