લોકસભામાં બફાટ કરીને ફરી સજર્યો વિવાદ
નવી દિલ્હી, તા. 2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ઘૂસણખોર કહેતાં અધીર રંજન ચૌધરીના નિવેદન પર બબાલ હજુ શમી નથી, ત્યાં અધીરે જ લોકસભામાં કોર્પોરેટ વેરા પર ચર્ચા દરમ્યાન નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ‘િનર્બલા’ સીતારામન કહી નાખ્યાં હતાં.
લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા ચૌધરીએ કોર્પોરેટ વેરામાં કાપનો વિરોધ કરતી વખતે આવું બોલીને ફરી વિવાદ સર્જી દીધો હતો. અમે આપનું સન્માન કરીએ છીએ. પરંતુ કયારેક આપને નિર્મલા સીતારામનના સ્થાને ‘િનર્બલા’ સીતારામન કહેવાનું મન થાય છે. કેમ કે આપ મંત્રી પદે તો છો પરંતુ આપના મનમાં છે તે કદી કહી નથી શકતાં તેવું અધીરે ઉમેર્યું હતું.
બીજીતરફ તૃણમૃલ કોંગ્રેસના સાંસદ મદુઆ મોઈતાએ કહ્યું હતું કે સરકાર દ્વારા કોર્પોરેટ વેરામાં કાપનો ફાયદો ફકત તેમને જ મળશે, જેઓ પહેલાંથી ફાયદામાં છે.
કેન્દ્રની ભાજપી વડપણવાળી નરેન્દ્ર મોદી સરકારના કોર્પોરેટ ટેકસ પર કાપના પગલાંથી સુસ્તીનો સામનો કરતી દેશની અર્થ વ્યવસ્થાને કોઈ ફાયદો નથી થવાનો, તેવું તેમણે ઉમેર્યું હતું.
મોદી-શાહ પછી હવે સોનિયાને પણ ઘૂસણખોર ગણાવાયા
નવીદિલ્હી, તા.2: દેશમાં ચૂંટણી અને સંસદનાં સત્ર હવે જાણે એવા મંચ બનવા લાગ્યા છે જેમાં કોઈ એક નેતા વિવાદાસ્પદ વિધાનની કાંડી ચાંપે એટલે વિવાદ દાવાનળની જેમ આગળ ફેલાવા લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘૂસણખોર ગણાવતી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની ટિપ્પણી મુદ્દે આ લોકસભામાં જબરો હંગામો થયો હતો અને ભાજપે બિનશરતી માફી માગવા પણ અવાજ ઉઠાવ્યો હતો. આ હોબાળો એટલો કડવી ભાષામાં પલટાઈ ગયો હતો કે સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ ઘૂસણખોર ગણાવી નાખ્યા હતાં.
આજે સવારથી જ ભાજપ અધીર રંજન ચૌધરી સામે આક્રમક બની ગયો હતો અને માફીની માગણી સાથે લોકસભા ગજવી નાખી હતી. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ આજે લોકસભામાં કહ્યું હતું કે, ચૌધરીનું નિવેદન અત્યંત બેજવાબદાર અને નિંદનીય છે. આ દરમિયાન ભાજપની પાટલીઓમાંથી સોનિયા ગાંધીનાં ઈટાલિયન મૂળ તરફ ઈશારો કરતાં તેમને પણ ઘૂસણખોર ગણાવી નાખવામાં આવ્યા હતાં અને કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ શરૂ કરી દીધો હતો.
સંસદીય કાર્ય મંત્રી જોશીએ ચૌધરી માફી માગે તેવી માગણી કરતાં પોતે પણ વિવાદાસ્પદ નિવેદન કરી નાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીને દેશની જનતાએ બીજીવાર ચૂંટીને મોકલ્યા છે. આવા લોકપ્રિય નેતાને ઘૂસણખોર કહેવામાં આવ્યા છે. પરંતુ તેમનાં પોતાનાં જ નેતા, કોંગ્રેસનાં અધ્યક્ષા ઘૂસણખોર છે.
સોનિયા ગાંધીને ઘૂસણખોર કહેવાતા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પણ ભડકી ગયા હતાં અને તેમણે માફી માગવાનો સાફ ઈનકાર કરતાં કહી દીધું હતું કે, અમારા નેતા ઘૂસણખોર હોય તો તમારા પણ ઘૂસણખોર જ છે. આની માફી માગી શકાય નહીં.
સીતારમનને અધીરે કહ્યા ‘િનર્બલા’
