બુલેટ ટ્રેન પ્રોજેકટ પાટેથી ખડયો!

બુલેટ ટ્રેન પ્રોજેકટ પાટેથી ખડયો!
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની સાંકળ ખેંચી બ્રેક મારતા ઉધ્ધવ ઠાકરે
મુંબઈ, તા. 2: કેન્દ્ર સરકાર સાથે કદાચ ટકરાવના માર્ગે લઈ જતી એક હિલચાલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રૂ. 1.1 લાખ કરોડના ખર્ચવાળી  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટની સમીક્ષા કરવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. બે દિવસ પહેલાં તેમણે આગલી એનડીએ સરકારના ફલેગશિપ પ્રોજેકટ એવી ભૂગર્ભ મેટ્રો-3 લાઈન માટેના આરે કાર શેડ પરનું કામકાજ થંભાવી દીધું હતું. તેમણે કહ્યુ હતું કે મારી સરકાર, રાજ્યના ફાયનાન્સ અને વચન અપાયેલા કેબિનેટ વિસ્તરણ વિશે ટૂંક સમયમાં શ્વેતપત્ર બહાર પાડશે.
વિધાનસભાનું બે દિવસીય સત્ર પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદ સંબોધતાં તેમણે કહ્યુ હતું કે હાલ ચાલી રહેલા વિકાયકાર્યોનું, તેના અંદાજિત ખર્ચનુ અને તેની મહેતલ અંગેનુ અપડેટ અમે મગાવ્યુ છે. તે પછી અગ્રતાના ધોરણેશું કરવું જરૂરી છે અને જે કામો કરવામાં આવી રહ્યા છે તેની અગ્રતાના ધોરણે ખરેખર જરૂર છે કે કેમ તે અંગે નક્કી કરશુ.ઠાકરેએ ભારપૂર્વક કહ્યુ હતું કે મારી સરકાર  વેરવૃત્તિની ઢબે કામ નહીં કરે.
બુલેટ ટ્રેન પ્રોજેકટ હાલ જમીન સંપાદનમાં આવી રહેલા અંતરાયોનો-ખાસ તો ઉત્તર મુંબઈની તદ્દન પાસેના પાલઘર વિસ્તારમાં ભૂમિ સંપાદનના-અંતરાયોનો સામનો કરી રહ્યો છે. હાલ કુલ 1,380 હેકટરની જરૂર સામે પ48 હેકટર જમીન સંપાદિત થઈ ચૂકી છે.
પોતાની સરકારના અગ્રક્રમો આગલી સરકાર કરતા જુદા હોવાનો નિર્દેશ આપતાં ઠાકરેએ, મેટ્રોથી થનાર લાભો પર ભાર મૂકતા ટવીટ અનુસંધાને અમિતાભ બચ્ચનને પરોક્ષ ટકોર કરતા જણાવ્યુ હતું કે આપણે કંઈ લોકો જલદી હોસ્પિટલે પહોંચે તે માટે મેટ્રો રેલની જરૂર નથી. લોકો નિરામય અને ખુશહાલ રહે તેમ અમે ઈચ્છીએ છીએ. આરે એટલે માત્ર વૃક્ષો જ નહીં, એ ઈકોસિસ્ટમ છે અને મેટ્રો-3 પ્રોજેકટના કાર શેડનું કામ જ થંભાવ્યુ છે.
કમોસમી વરસાદના વાંકે ખેડૂતોને જંગી નુકસાન થયું હોવાનું જણાવતાં ઠાકરેએ ઉમેર્યુ હતું કે મુંબઈ અને મહારાષ્ટ્ર કેન્દ્રની કુલ મહેસૂલી આવકનો 40-4પ ટકા હિસ્સો આપે છે ત્યારે જો બે વર્ષ માટે વેરામાફી અપાય તો મહારાષ્ટ્રનું સઘળું કરજ મિટાઈ જાય.  આવા કપરા સમયમાં કેન્દ્ર મદદ કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. હું વડાપ્રધાનને મળનાર છું.
ઠાકરેએ કહ્યુ હતું કે સરકાર અને રાજકીય પરિસ્થિતિ બદલાયા છે, દુશ્મનો સાથી બન્યા છે અને મિત્રો વિપક્ષી પાટલીએ બેસતા થયા છ, વિપક્ષ શબ્દમાં હું નથી માનતો, કારણ ચૂંટાઈને આવેલા સૌ પ્રજાની સમસ્યા ઉકેલવા આવ્યા છે, તે કઈ રીતે કરી શકાય તે વિશે અભિપ્રાયભેદ ન હોઈ શકે. અંતે તો લોકશાહી લોકોનો અવાજ સાંભળવામાં આવે  માટે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer