ટ્રેડ વોરમાં ફાયદો લેવા કોર્પોરેટ ટેક્સમાં કાપ : સીતારમણ

ટ્રેડ વોરમાં ફાયદો લેવા કોર્પોરેટ ટેક્સમાં કાપ : સીતારમણ
લોકસભામાં કરવેરા સુધારા ખરડો પસાર
નવી દિલ્હી, તા. 2 : લોકસભામાં કોર્પોરેટ ટેક્સમાં કાપ અંગે ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીના નિવેદન ઉપર નાણામંત્રી નિર્મલા સીતારમણે આકરો જવાબ આપ્યો છે અને અર્થવ્યવસ્થા ઉપર સરકારના વલણનો બચાવ પણ કર્યો હતો. નિર્મલા સીતારમણે કહ્યુ હતું કે, તેઓ આલોચનાથી ડરીને પીછેહઠ કરશે નહી અને જે કોર્પોરેટ ટેક્સના નિર્ણય ઉપર હોબાળો મચાવવામાં આવી રહ્યો છે તે ટ્રેડ વોરનો ફાયદો ઉઠાવવા અને નવા રોકાણને આકર્ષિત કરવા માટે લેવામાં આવ્યો છે. લાંબી ચર્ચા બાદ લોકસભામાં કરવેરા સુધારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની વ્યવસ્થા કરે છે.
ચર્ચા દરમિયાન કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ આજે ખેડૂતો માટે મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે બાલીમાં ડબલ્યુટીઓ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટી ક્યાં હતી ? જો વડાપ્રધાન પીસ ક્લોઝ ન લાવ્યા હોત તો ખેડૂતોને એમએસપી મળતી ન હોત અને જનવિતરણ પ્રણાલી હેઠળ અનાજ અને અન્ય વસ્તુઓનું વિતરણ પણ શક્ય નહોતું. સીતારમણે ઉમેર્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીની સરકાર તમામ સવાલ અને ટીકાને સાંભળે છે. જ્યારે પણ સદનમાં પીએમ, નાણામંત્રી કે રક્ષામંત્રીને સવાલ પુછવામાં આવ્યો છે ત્યારે સદનમાં હાજર રહીને જવાબ આપવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer