મારા ડેડીની પોતાની આગવી સ્ટાઇલ હોય છે : અનન્યા પાંડે

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર દ્વારા બૉલીવૂડમાં પ્રવેશનારી અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. સોશિયલ મીડિયા પર આગવી ફેશન અને સ્ટાઇલ માટે જાણીતી બનેલી અનન્યાને તેના પિતાની સ્ટાઇલ એકદમ કૂલ લાગે છે. આમ જુઓ તો ચંકી હંમેશાં કેઝયુઅલ લૂકમાં જ જોવા મળ્યો છે. છતાં તેની ફેશન સેન્સ દીકરીને ગમે છે. અનન્યાએ કહ્યું હતું કે, ડેડ પોતાનાં કપડાં કે મેકઅપ માટે ખાસ ધ્યાન આપતા નથી પરંતુ તેમની પોતાની આગવી સ્ટાઇલ છે અને મને તે કૂલ લાગે છે. વાસ્તવમાં જયારે તેઓ બોલીવૂડમાં પ્રવેશ્યા ત્યારે આ બાબતે ખાસ ધ્યાન અપાતું નહોતું. આથી જ હું અને મમ્મી (ભાવના) તેમને મીડિયા સામે જતી વખતે કઇ રીતે વાત કરવી અને કેવું વર્તન કરવું તથા કેવાં કપડાં પહેરવાં જેવી સલાહ આપીએ છીએ.  ચંકીએ દીકરીની વાતમાં સૂર પુરાવતાં કહ્યું હતું કે, તેઓ મને કહેતા હોય છે કે વધુ બોલવાનું નહીં, સારી રીતે વર્તન કરવાનું. જેથી તેમને શરમાવું પડે નહીં.  અનન્યાએ ઉમેર્યું હતું કે ,અમે ભલે તેમને આવાં કપડાં પહેરવાં અને આવો મેકઅપ કરવો એવી સલાહ આપતા હોઇએ છીએ. પરંતુ હકીકત એ છે કે મને તેમની ફેશન સ્ટાઇલ ગમે છે.
ચંકી વિદેશથી શોપિંગ કરીને આવે ત્યારે ભાવના કે અનન્યા બંને તેની પસંદની ટીકા કરતા હોય છે. છતાં અનન્યા કબૂલે છે કે જયારે મને મારા વોર્ડરોબમાંથી પહેરવા જેવું કશું ન મળે ત્યારે હું મારા ડેડીના કબાટને ફંફોસું છું અને તેમાંથી મને જોઇતું શર્ટ મળી જ રહે છે. પછી મારા ડેડીએ આ શર્ટ રીપિટ ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે નહીં તો લોકો એમ કહેશે કે તેમણે મારું શર્ટ પહેર્યું છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer